Gujarat

સુરેન્દ્રનગરના તત્કાલીન કલેકટર ડૉ રાજેન્દ્રકુમાર પટેલની ધરપકડ

ગાંધીનગર : અંદાજિત રૂા.1500 કરોડના એનએ – જમીન કૌભાંડમાં હવે એન્ફોર્સમેન્ટ ડાયરેકટોરેટ (ઈડી) દ્વારા આજે સુરેન્દ્રનગરના કલેકટર ડૉ રાજેન્દ્રકુમાર પટેલની ધરપકડ કરીને તેમને રિમાન્ડ લેવાની તજવીજ ચાલી રહી છે. ડૉ પટેલને આજે અમદાવાદમાં સ્પેશિયલ કોર્ટ સમક્ષ રિમાન્ડ અરજી સાથે રજૂ કરાયા હતા. કોર્ટે તેમના 7 જાન્યુઆરી સુધીના રિમાન્ડ મંજૂર કર્યાં છે. ઈડીની જુદી જુદી ત્રણ ટીમો દ્વારા તેમની પુછપરછ કરાઈ છે. અગાઉ ઈડી દ્વારા સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર ઓફિસના નાયબ મામલતદાર ચંન્દ્રસિંહ મોરીની ધરપકડ કરીને તેના નિવાસ્થાનેથી 67.50 લાખની રોકડ જપ્ત કરી લીધી હતી.

ઈડીની પુછપરછ દરમ્યાન નાયબ મામલતદાર મોરીએ જ વટાણા વેરી નાંખ્યા હતા. તેણે જમીન એનએ કરવામાં ખુદ કલેકટરની સંડોવણી હોવાનું સ્પષ્ટ નિવેદન ઈડીની ટીમ સમક્ષ આપ્યુ છે. ખાસ ઉલ્લેખનીય છે કે ઈડીની ટીમે જયારે દરોડા પાડયા ત્યારે સુરેન્દ્રનગર કલેકટર ડૉ રાજેન્દ્ર પટેલના નિવાસ્થાનેથી સોલાર પ્રોજેકટ સહિત જુદી જુદી એનએન સહિતની 100 ફાઈલોની વિગતો મળી છે. જયારે આ ફાઈલો પણ ત્યા જ પડી હતી. સુરેન્દ્રનગર કલેકટર તથા તેમના નાયબ મામલતદાર ચંન્દ્રસિંહ મોરી , કલેકટરના પીએસ જયરાજસિંહ ઝાલા તથા કલાર્ક મયૂરસિંહલ ગોહિલના મોબાઈલ ફોનમાં ઈડીની ટીમને એએ જમીન કૌભાંડના મહત્વના પુરાવાઓ તથા લાંચ લીધી હોવાની વિગતો તથા હિસાબ પણ મળી આવ્યો છે. કલેકટરના બંગલે એનએ – જમીનની 100 ફાઈલો તથા તેના પેપર્સ મળી આવ્યા છે. આ સમગ્ર ભ્રષ્ટ ગેંગ દ્વારા પહેલા તો એનએની પ્રક્રિયા વિલંબમાં નાંખવામાં આવતી હતી. તે પછી જો ઝડપથી કામ કરાવવું હોય તે સ્પીડ મની તરીકે એનએ કરવા માટે રૂપિયા આપવા પડશે, તેવુ કહીને ચો.મી દીઠ રૂપિયા આપવા પડશે ,તેવુ અરજદારને કહેવામાં આવતુ હતું. આ રીતે વચેટિયા, એજન્ટો અને સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર ઓફિસના અધિકારીઓ દ્વારા રીતસરનું ખંડણીનું કૌભાંડ ચાલી રહ્યું હતું.

જો કે સૌથી મહત્વની બાબત એ છે કે ઈડીની ટીમે સુરેન્દ્રનગર કલેકટર ડૉ રાજેન્દ્રકુમાર પટેલ સામે દરોડાની કાર્યવાહી હાથ ધરતાં પહેલા ભાજપના દિલ્હી દરબારમાંથી પોલીટિકલ ક્લિયરન્સ મેળવી લીધુ હતું. નાયબ મામલતદાર ચંન્દ્રસિંહ મોરીને હાલમાં જયુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવાયા છે. નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના ઘરેથી 67.50 લાખ રૂપિયાની રોકડ મળી આવી હતી, જે લાંચની રકમ હોવાનું માનવામાં આવે છે. ક રાજ્ય સરકારે તાત્કાલિક અસરથી કલેક્ટર રાજેન્દ્ર પટેલની બદલી કરી તેમને વેઇટિંગ પર મૂક્યા છે. સુરેન્દ્રનગરનો વધારાનો ચાર્જ ડીડીઓ કે.એસ. યાજ્ઞિકને સોંપાયો છે. સોલાર પ્રોજેકટના એક ઉદ્યોગપતિએ છેક પીએમઓ સુધી લાંચની ફરિયાદ કરતાં ઈડીએ દરોડાની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

Most Popular

To Top