World

નેપાળના પૂર્વ પ્રધાનમંત્રી KP શર્મા ઓલીની ધરપકડ

જન Z આંદોલન કેસમાં કાર્યવાહી તેજ

નેપાળમાં રાજકીય હલચલ વચ્ચે પૂર્વ પ્રધાનમંત્રી KP Sharma Oliની ધરપકડ કરવામાં આવી છે. ગયા વર્ષે થયેલા જીવલેણ જન Z વિરોધ પ્રદર્શન મામલે તેમની સંડોવણીના આરોપોને લઈ પોલીસે આ કાર્યવાહી કરી છે. ઓલીને ભક્તપુરના ગુન્ડુ સ્થિત તેમના નિવાસસ્થાનેથી કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા.

ઓલી સાથે તેમના પૂર્વ ગૃહમંત્રી Ramesh Lekhakની પણ ધરપકડ કરવામાં આવી છે. કાઠમંડુ વેલી પોલીસના પ્રવક્તા ઓમ અધિકારીએ જણાવ્યું હતું કે કાયદાની પ્રક્રિયા મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે. આ ધરપકડ તે સમયે થઈ છે જ્યારે નવા પ્રધાનમંત્રી Balendra Shahએ તાજેતરમાં શપથ ગ્રહણ કર્યો છે. નવા ગૃહમંત્રી સુદાન ગુરુંગે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે “કોઈપણ વ્યક્તિ કાયદાથી ઉપર નથી” અને આ કાર્યવાહી “બદલો નહીં પરંતુ ન્યાયની શરૂઆત” છે. જોકે ઓલીએ આ ધરપકડને “દ્વેષભાવના સાથે કરવામાં આવેલી કાર્યવાહી” ગણાવી છે અને જણાવ્યું છે કે તેઓ કાયદેસર લડત લડશે.

ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે 8 અને 9 સપ્ટેમ્બરના રોજ ભ્રષ્ટાચાર વિરોધી યુવા આંદોલન દરમિયાન દેશભરમાં હિંસક સ્થિતિ સર્જાઈ હતી. આ પ્રદર્શન સોશિયલ મીડિયા પર લાગેલા ટૂંકા પ્રતિબંધથી શરૂ થયું હતું, પરંતુ આર્થિક મુશ્કેલીઓ સામે લોકોના લાંબા સમયથી રહેલા અસંતોષને કારણે તે રાષ્ટ્રવ્યાપી બન્યું હતું. આ હિંસામાં 70થી વધુ લોકોનાં મોત થયા હતા, જેમાં ઓછામાં ઓછા 19 યુવાનોનો સમાવેશ થાય છે. આંદોલન બાદ સંસદ અને સરકારી કચેરીઓમાં આગ લગાવવામાં આવી હતી, જેના કારણે તે સમયેની ઓલી સરકાર પડી ગઈ હતી. ત્યારબાદ નેપાળના પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ Sushila Karkiએ થોડા સમય માટે આંતરિમ સરકારનું નેતૃત્વ સંભાળ્યું હતું, જેને દેશને સ્થિરતા તરફ દોરી જનાર તબક્કા તરીકે જોવામાં આવે છે.

તાજેતરમાં થયેલી ચૂંટણીમાં જીત્યા બાદ બલેન્દ્ર શાહની આગેવાની હેઠળની સરકારે આ હિંસક ઘટનાની તપાસ માટે બનેલી હાઇ-લેવલ કમિશનની રિપોર્ટ અમલમાં મુકવાનો નિર્ણય કર્યો હતો. આ રિપોર્ટમાં ઓલી અને લેખક સામે બેદરકારીના આરોપો લગાવવામાં આવ્યા હતા અને તેમને 10 વર્ષ સુધીની સજા કરવાની ભલામણ કરવામાં આવી હતી. કમિશનના અહેવાલમાં જણાવાયું હતું કે ગોળીબાર કરવા માટે સીધી આદેશની પુષ્ટિ થઈ નથી, પરંતુ તેને રોકવા માટે પૂરતા પ્રયત્નો કરવામાં આવ્યા નહોતા, જેના કારણે નિર્દોષ નાગરિકો, જેમાં બાળકો પણ સામેલ હતા, તેમના જીવ ગયા. આ કેસમાં તે સમયના પોલીસ મહાનિર્દેશક ચંદ્ર કુબર ખાપુંગ સામે પણ કાર્યવાહી કરવાની ભલામણ કરવામાં આવી છે.

Most Popular

To Top