Columns

સમાજને કોઠે પડી ગયેલા તર્કપ્રપંચો

ઓફિસનો કોઈ કામચોર ક્લાર્ક ધીમી ગતિએ કામ કરીને ગ્રાહકોને કલાકો સુધી લાઈનમાં ઊભા રાખતો હોય અને એ માણસ રેલવેની ટિકિટબારીએ બેઠેલા એના જેવા જ કામચોર ક્લાર્કને કારણે ગાડી ચૂકી જાય તો એને પેલા ક્લાર્ક પર ગુસ્સે થવાનો અધિકાર નથી. ગરીબોના મામૂલી ઓપરેશનની પણ ચીરી નાખે એટલી ફી વસૂલ કરતો ડૉક્ટર બજારમાં અન્ય વેપારીઓ દ્વારા થતી બેફામ નફાખોરીના વિરોધમાં એક હરફ સુદ્ધાં ઉચ્ચારી શકે નહીં. ચોખ્ખા મધમાં ખાંડની ચાસણી ભેગી કરીને વેચતો માણસ પેટ્રોલપંપના માલિકને એમ કહીને ખખડાવી ના શકે કે તમે પેટ્રોલમાં કેરોસિનની ભેળસેળ શા માટે કરો છો? ભોગ બન્યા વિના ભેળસેળની ભયંકરતાનો અંદાજ આવતો નથી.

મરીમાં પપૈયાના બી (અથવા) ગરમમસાલામાં ઘોડાની લાદ ભેળવીને વેચતા કોઈ વેપારીનો દીકરો પ્લેગમાં સપડાયો હોય અને તે દીકરો ટેટ્રાસાઈક્લીનની બનાવટી ગોળીને કારણે મૃત્યુ પામે ત્યારે જ એને પોતાના ભ્રષ્ટાચારની ભયંકરતાનો ખ્યાલ આવે છે. આજપર્યંત અમે એક પણ એવો માણસ જોયો નથી જેણે વેપારીઓની બેફામ નફાખોરીને એમ કહીને સ્વીકારી લીધી હોય કે, ‘ભાઈ, હું ય તક મળે ત્યારે સોગઠી મારી જ લઉં છું એથી તમને પણ નફાખોરી કરવાનો પૂરો અધિકાર છે..!’ લાખ વાતની એક વાત એટલી જ કે સમાજમાં એક રૂપજીવિની બીજી રૂપજીવિનીને વેશ્યા કહીને ભાંડતી નથી પણ એક ટાલિયો બીજાની ટાલ પર ટપલી મારવાનું ચૂકતો નથી.

ગુજરાતીઓ પ્રપંચકળામાં ખાસ્સા ડફોળ પુરવાર થાય છે. યાદ કરો 1996 માં પ્રસારણ ખાતાના પ્રધાન સુખરામે કાળું નાણું એક મામૂલી રૂમમાં છુપાવી રાખ્યું હતું. તેમને 5 વર્ષની જેલ થઈ હતી. કહે છે ગુજરાતીઓ મોંઘી હૅરડાઈ વાપર્યા પછી પણ માથાનો સફેદ વાળ છુપાવી શકતા નથી. સંભવત: એટલે જ કેન્દ્રસ્તરે ગુજરાતી પ્રધાનોને ખાસ તક મળતી નથી. અર્થાત્ ગુજરાતીઓ દગા માટે ય ડિસ્કોલિફાઈડ થાય છે !

1977માં અમિતાભ બચ્ચનની ફિલ્મ “અમર અકબર એન્થોની” આવેલી ત્યારે થયેલું  એવું કે એક શિક્ષક બ્લેકમાં 100 રૂપિયાની ટિકિટના 150 રૂપિયા આપીને ફિલ્મ જોઈ આવ્યા. પછી સાંજે અમારી સમક્ષ ટોકિઝના બુકીંગ ક્લાર્કને ભાંડતા બોલ્યા: ‘માત્ર 10 જ મિનિટ બારીએથી ટિકિટોનું વેચાણ કરી એણે બારી બંધ કરી દીધી અને ‘હાઉસફૂલ’નું બોર્ડ મારી દીધું. મેં વિરોધ કર્યો ત્યારે એની નફ્ફટાઈ તો જુઓ. એણે કહ્યું: ‘હા, અમે ટિકિટના કાળાબજાર કરીએ છીએ. બોલો શું કરવું છે તમારે…?”

બચુભાઈએ કહ્યું: ‘તમે અભય વચન આપતા હો તો એક વાત કહું. પહેલી વાત તો એ કે તમને વ્હાઈટમાં મળવી જોઈતી ટિકિટના તમારે બ્લેકમાં વધારે પૈસા ચૂકવવા પડ્યા એ જરૂર ખોટું ગણાય પણ તમે શિક્ષક થઈને બ્લેકમાં ટિકિટ ખરીદી જ કેમ? તમે શાળાકીય અધ્યયનકાળમાં ખાસ મહેનત કરતા નથી અને વિદ્યાર્થીઓને ટયૂશન માટે આડકતરી ફરજ પાડો છો. ફરક એટલો કે પેલો બુકીંગ ક્લાર્ક ગુનો સ્વીકારે છે જ્યારે તમે નથી સ્વીકારતા. આપણી તકલીફ એ છે કે જો કોઈ કહે કે બીડી તમાકુના સેવનથી કેન્સર થાય છે તો આપણે ધૂમ્રપાનને વાજબી ઠેરવવા એવા 10 દાખલાઓ રજૂ કરીશું, જેમાં રોજની 40 બીડી ફૂંકતા માણસને છેવટ સુધી કેન્સર નહીં થયું હોય..! કોઈ એમ કહે કે ભારતમાં બહુ ભ્રષ્ટાચાર ચાલે છે તો તુરંત કહીશું: ‘એમાં શું..? ભ્રષ્ટાચાર તો અમેરિકા અને જાપાનમાં પણ ચાલે છે..!” આપણી ગુનાઈતતાને નિર્દોષ ઠેરવવાનો આપણો આ તર્કપ્રપંચ ત્યજવા  જેવો છે. ગાંધીજી ગાળ બોલે તેથી તે પવિત્ર બની જતી નથી.

આજની કાતિલ મોંઘવારીમાં શિક્ષકોએ ટયૂશનો કરવા પડતા હોય તો તે ગુનો નથી પરંતુ ટ્યૂશનનો ધંધો ધીખતો રાખવા શાળામાં તેમના પગારમય પીરિયડોમાં તેઓ સહેતુક વેઠ ઉતારે તેનો બચાવ ન હોઈ શકે. બીજી તરફ બદલીનો ભય બતાવી તેમનું શોષણ કરવામાં આવતું હોય તો તે પણ ખોટું. પાયાનો સવાલ એ છે કે કોઈ શિક્ષકે નોકરી મેળવવા માટે દોઢ બે લાખની લાંચ આપવી પડી હોય તો સ્વાભાવિક જ તે શાળાના વિદ્યાર્થીઓ પાસેથી જ એ ખોટ વસૂલ કરશે. પણ એથી ય મહત્ત્વનો પ્રશ્ન એ છે કે જેમની પાસે ટયૂશનની ફી ચૂકવવાના પૈસા જ નથી હોતા તેમણે પણ ફરજિયાત ટ્યૂશન લેવું જ પડે એવી સ્થિતિનું નિર્માણ કરવામાં આવે તે કોઈ રીતે ઠીક નથી. આજની કાતિલ મોંઘવારીમાં લાખો લોકોને પૂરું ખાવાનું મળતું નથી તેઓ તેમનો ભૂખમરો ટાંકીને ચડ્ડીબનિયનવાળા બની જતા નથી.  આજે ટ્યૂશનની મહામારી ફાટી નીકળી છે તેમાં લાખો વાલીઓના ભૂંડા હાલ થયા છે.  છે કોઈ ઉપાય..?
ધૂપછાંવ
ટ્યૂશન વિના ભણવું હવે લગભગ અશક્ય બની ગયું છે. જેમણે ટ્યૂશન ન લેવું હોય તેમણે બે સ્થિતિ માટે તૈયાર રહેવું પડે છે. ક્યાં તો શિક્ષકની મદદ વિના આવડે તેટલું પોતે જ તૈયાર કરવું પડે અથવા ઓછા ટકાથી ચલાવવું પડે.

Most Popular

To Top