સુરત: હજીરા-કાંઠા (HAZIRA) વિસ્તારના જૂનાગામ( શિવરામપુર)ની કેટલીક જમીનો આર્સેલર મિત્તલ (ARCELOR MITTAL) સ્ટીલ ઇન્ડિયા લિમિટેડ દ્વારા સ્ટીલ પ્લાન્ટ માટે કંપનીએ રાજ્યના મહેસૂલ વિભાગ પાસે માંગી છે. તેને લઇને ચોર્યાસી તાલુકાના જૂનાગામના ખેડૂતો, પશુપાલકો,માછીમારો અને હળપતિ સમાજ વિરોધ નોંધાવી રહ્યા છે.
આજે ચોર્યાસી તાલુકા પંચાયતના સભ્ય કલ્પેશ બી પટેલ અને કલ્પેશ હસમુખ રાઠોડે જિલ્લા કલેક્ટર અને રાજ્યના ચીફ સેક્રેટરીને આવેદનપત્ર (APPLICATION) મોકલાવી ગામની જે જમીન પર ખેડૂતો, પશુપાલકો અને માછીમારો આજીવિકા રળી રહ્યા છે તે જમીન નહીં ફાળવવા કલેક્ટર(DISTRICT COLLECTOR)ને ભારપૂર્વક માંગ કરી છે. આવેદનપત્રમાં જણાવ્યું છે કે જુનાગામમાં ગામતળ બન્યુ નથી. નીમ થવાની પ્રક્રિયા ચાલુ છે તેવા સમયે ગામમાં મુખ્યત્વે ખેતી, પશુપાલન અને માછીમારી કરી જીવતા લોકોની 90% સંખ્યા હોવાથી આ લોકોની આજીવિકા આ સરકારી જમીન પર નિર્ભર છે અને સ્થાનિક હળપતિ આદિવાસી સમાજના મોટાભાગના લોકો આ જગ્યાપર રોજી મેળવી જીવતા હોવાથી આ જગ્યા કંપનીને ફાળવવી નહીં જોઇએ.
1948માં દુકાળની પરિસ્થિતી પછી ગામમાં 2 એકર જગ્યા નવસાધ્ય કરવા સરકારે આપી હતી. આ જગ્યાઓ પર કબ્જા હકની શરતે ઘણા લોકોને કાયમી ધોરણે જમીન મળી છે. અન્ય લોકો કે જેમણે કબ્જા હકની રકમ ભરી શક્યા નથી તેમને આ આજની સ્થિતિએ રેકર્ડ પર કઇ મળ્યુ નથી પરંતુ જે તે વખતે મળેલ જમીન પર આજના દિવસે એ 2 એકર જમીન પર તેઓ રહી રહ્યા છે અને ખેતી કરી રહ્યા છે. ગામમાં અજ્ઞાનતાને લીધે ગામના ખેડૂતોએ સરકારી ચોપડે નામ દાખલ કરવા માટે કોઈ પ્રયત્ન થયો નથી.
આ ગામ ડિસેમ્બર 1999 માં સુંવાલી ગામથી છુટું પડ્યું અને જાહેરનામું થયું. પછી સુવાલી ગામ પંચાયત કોર્ટ માં ગઈ અને 2003 માં એ કેસનું સમાધાન થયું. પછી 2014 સુધી કોઈ જ દુરસ્તી કે રેકર્ડ સુધારણા આવી નથી. ગામનું રેકર્ડ આજે પણ સુધારવામા આવ્યુ નથી. રેકર્ડ પ્રમોલગેશન હાલમાં કરવામાં આવ્યુ છે. આવા સંજોગોએ સર્વે નંબર 102-1-1B (176 જુનો) માં અમારા ગામ ના લગભગ 200 થી વધુ ખેડૂતો કે જે ખેતરમાં ઘરો બાંધી વર્ષોથી રહેતા આવ્યા છે તેમના નામ સરકારી જમીન પરના રેકર્ડ પર જ નથી અને આ વિકટ પરિસ્થિતિનો લાભ આ કંપની લેવા માંગે છે. તેને અટકાવાની જરૂર છે. ગામનો હળપતિ સમાજ જે બીપીએલ અને અંત્યોદય કેટેગરીમાં આવે છે તે સમાજના લોકો માછીમારી કરીને અને ચોર્યાસી ડેરીમાં દૂધ ભરીને રોજગારી રળે છે. જો આ જમીન કંપનીને આપવામા આવશે તો અનેક પરિવારો રોજગાર અને ઘરવિહોણા બનશે.