હવે પ્રશ્ન થાય કે આ એપ્ટીટયુડ શું માત્ર ધો. 8 કે 9 પછી જ અપાય?
ના, ધો. 8, 9 કારકિર્દીના પંથે આગળ વધવાના બે મુખ્ય વર્ષ. ધો. 10 અને ધો. 12 પાયાના છે. તો એ પહેલાંનું પ્લાનિંગ આવશ્યક છે. ખાસ કરીને આ વર્ષો દરમ્યાન મગજનો વિકાસ પણ તેજ ગતિએ થતો હોય છે અને મગજના વિવિધ ભાગો વિવિધ ક્ષમતાના વિકાસ માટે જવાબદાર હોય છે. જે ભાગનો વિકાસ વધુ તેની ક્ષમતાની ઊંડાઇ વધુ અને આ વિકાસનો આધાર મુખ્યત્વે વારસાગત – Hereditary પર આધારિત હોય છે.
જેને યોગ્ય વાતાવરણ મળતાં યોગ્ય સમયે ફૂલબહાર ખીલે છે કેમ કે આપણામાંથી દરેક જણ ગણિતમાં પાવરધું નથી હોતું તેમ સાહિત્યમાં પણ કોઇક હોય છે. જયારે કોઇ 3D ડીઝાઇનીંગમાં. આમ ભગવાને દરેકને કોઇક ને કોઇક ક્ષમતાની ગિફ્ટ આપેલી જ હોય છે. જે અજોડ હોય છે. હમણાં આપ સૌએ પણ Bournvita ની જાહેરખબર જોઇ જ હશે. જેમાં જણાવ્યું કે 82% ભારતીય વાલીઓ પોતાનાં બાળકોને કારકિર્દી તેમની પસંદગીની પસંદ કરવાનું કહે છે. જેનો ‘forced career’ તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
Bournvita સામાન્ય પેકેજ સિવાયના પેકેજમાં – ટોઇલેટ કલીનરની બોટલના શેપમાં પેક કરવામાં આવ્યું તો લોકો પૂછે છે કે આ Bournvita જ છે કે? અને તે પણ મોઢું બગાડીને. માટે પેરેન્ટસને જાગૃત કરવાના મેસેજ સાથેની જાહેરખબર છે. જોજો (www.bournvitasstore.in) મજા આવશે અને તમે પણ વિચારશો કે ‘faith’ કે ‘force’? આ ટેસ્ટ માટે કોઇ જ પૂર્વ તૈયારી કરવાની રહેતી નથી. તમે કહેશો કે Test હોય એટલે તૈયારી તો કરવી જ રહી. ના, આ તમારા ‘સ્વ’ને જાણવાની ટેસ્ટ છે માટે તમારા મગજમાં, જે કંઇ હશે તે તમારા હૃદયપૂર્વકના પ્રયત્નોથી બહાર આવશે જ અને ટેસ્ટના પર્ફોર્મન્સના પૃથક્કરણથી સ્વની વિવિધ જાણકારી જાણવા મળશે. જેની સમજણ કાઉન્સેલર દ્વારા અપાશે, ચર્ચા કરવામાં આવતી હોય છે.
આ ટેસ્ટ આપવા માટે ભાષાનો કોઇ બાધ નડતો નથી કેમ કે એના પ્રશ્નો મોટે ભાગે આકૃતિના સ્વરૂપમાં હોય છે. Verbal reasoning માટે વિવિધ ભાષામાં ટ્રાન્સલેટ કરાયેલા પ્રશ્નપત્રો ઉપલબ્ધ છે જેની કાળજી જેતે કાઉન્સેલર લેતા જ હોય છે. આખી પ્રક્રિયા ટેસ્ટની કેટલા સમયની અવધિ હોય? આખી પ્રક્રિયા દરેક ટેસ્ટનાં ઉદાહરણોની પ્રેકટિસ, ટેસ્ટ, બધું જ વિગતવાર પૂરું કરતાં ૩-૩૦ થી ચાર કલાકનો સમય લાગે છે. પછી તો કયા પ્રકારની અને સાથે અન્ય બીજી ટેસ્ટ લેવાતી હોય તો – જેમ કે Study habits, work place manner વગેરેનો જે સમય હોય તે લાગે. પરંતુ ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત તે, ટેસ્ટ આપનાર વ્યકિત માનસિક રીતે તૈયાર હોવો જોઇએ. સ્ટ્રેસ સાથે ટેસ્ટ ન આપવી જોઇએ અને પૂરેપૂરા પ્રયત્નોથી આપવી જોઇએ, જેની પૂર્વભૂમિકા રૂપે ટેસ્ટ શરૂ થતાં પહેલાં સમજણ અપાતી હોય છે. ઘણી વખત સમયના અભાવે વિદ્યાર્થી બે સેશનમાં પણ આપી શકતો હોય છે પણ ખૂબ જ રેર કેસમાં, કેમ કે એક વખતનું મેન્ટલ સ્ટેટસ જળવાયેલું હોય તે કદાચ બીજી વખત ન પણ હોય.
આ ટેસ્ટ વ્યકિતગત તેમ જ જૂથ લેવલે લેવાતી હોય છે પરંતુ એનાં પરિણામોનું કાઉન્સેલિંગ વ્યકિતગત વિદ્યાર્થી – વાલી સાથે કરવું હિતાવહ છે. જેથી વાલી – વિદ્યાર્થીની મુંઝવણનો ઉકેલ આવી શકે. આજના સમયમાં દરેક શાળાએ કારકિર્દી માર્ગદર્શનના કાર્યક્રમોનું આયોજન ધો. 10, 11, 12 ના વિદ્યાર્થીઓ માટે પ્રાથમિકતાના ધોરણે કરવું જ રહ્યું કેમ કે શાળાના વિદ્યાર્થી – વાલીની અપેક્ષાઓ શાળાઓ પાસે હોય છે કે ‘હવે શું’? ના પ્રશ્નનો વિગતથી જવાબ મળે. બીજું ખાસ, સામાજિક ધોરણે પણ આયોજન કરવા જેવું છે જેથી દરેક સમાજ પોતાના લોકો માટે જાગૃતતા કેળવી શકે. આપણે ત્યાં સામાન્ય રીતે એક-બે ક્ષેત્રની વ્યકિતને બોલાવી કારકિર્દી કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે સારી વાત છે પણ વિદ્યાર્થી – વાલી એ જ ક્ષેત્રને વળગી રહે છે અને એમાં જવા માટે પોતાના સંતાનને પણ પ્રેરે છે માટે તટસ્થતાના ધોરણે માત્ર વિવિધ ક્ષેત્રની જાગૃતિ કેળવવા માટે કારકિર્દી માર્ગદર્શનના કાર્યક્રમોનું આયોજન થવું જરૂરી છે. એપ્ટીટયુડ ટેસ્ટ આપો ત્યારે વાલીઓએ વિદ્યાર્થીઓએ ખાસ જોવું રહ્યું છે કે લેનાર કોણ છે? ટ્રેઇન્ડ છે કે અનુભવના આધારે આયોજન કરવામાં આવ્યું છે? આપણે ત્યાં ફીંગર પ્રિન્ટથી પણ કારકિર્દીનો રીપોર્ટ બનાવવામાં આવે છે એવું જાણ્યું છે. જેમાં પાંચથી છ હજારની ફી વસૂલ કરાય છે. જેની ઓથેન્ટીસીટી વિશે વિચારવું પડે.
આ ટેસ્ટ આપવામાં અને કાઉન્સેલીંગમાં કુલ 5 / 6 / 7 કલાકનો સમય અને લગભગ 800 થી 1000 રૂપિયા સુધીનો ચાર્જ લેવામાં આવે છે. જૂથ ધોરણે આયોજન કરવામાં વાલીઓને ફીમાં રાહત મળી શકતી હોય છે. મિત્રો, કોઇ પણ પ્રશ્ન હોય તો તમારા મંતવ્યમાં રજૂ કરજો, એને ન્યાય આપવાનો પ્રયત્ન કરીશ. મારા અનુભવ પ્રમાણે આવી ટેસ્ટ – મનોવૈજ્ઞાનિક ટેસ્ટ – જિંદગીમાં આગળ વધવા માટે નિર્દેશિકા છે માટે તમારા સંતાનની ક્ષમતા જાણો, સ્વીકારો અને સપોર્ટ કરો. જેને હું ‘મગજના જન્માક્ષર’ પણ કહું છું. ‘Be decisive for future success’