નવી દિલ્હી: ગયા અઠવાડિયે એપલે (apple) દિલ્હી (delhi) અને મુંબઈમાં (mumbai) પોતાના રીટેલ સ્ટોર (Retail Store) ખોલ્યા હતા. બંને સ્ટોરમાં લગભગ 170 કર્મચારીઓ કામ કરે છે જેઓ ભેગા થઈને 15થી વધુ ભાષા બોલી શકે છે. એક અહેવાલ મુજબ કંપનીએ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કર્મચારીઓને નોકરી (Job) પર રાખ્યા છે જેમાં એમબીએ, ઈલેક્ટ્રીકલ એન્જિનીયરીંગમાં બી-ટેક, કમ્પ્યુચર સાયન્સ, કમ્પ્યુટર સાયન્સમાં સ્નાતક સહિતની ડીગ્રી ધરાવનાર લોકો છે. અહેવાલ મુજબ કંપની અમુક રીટેલ સ્ટોર રીપ્રેઝેન્ટેટીવ્સને રૂ. 1 લાખ પ્રતિ માસનો પગાર આપે છે જે દેશમાં અન્ય ઈલેક્ટ્રોનિક સ્ટોર્સ પર એક્ઝીક્યુટીવને મળતા પગાર કરતા 3થી 4 ગણો વધુ છે.
- કેટલાક કર્મચારીઓ એમબીએ, બી-ટેક, બીસીએ જેવી ઉચ્ચ ડિગ્રીઓ ધરાવે છે
- અમુક કર્મચારીઓએ કેમ્બ્રીજ અથવા ગ્રીફ્ફીથ યુનિવર્સિટી જેવી આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો છે
- બંને સ્ટોરમાં લગભગ 170 કર્મચારીઓ કામ કરે છે જેઓ ભેગા થઈને 15થી વધુ ભાષા બોલી શકે છે
રીટેલ સ્ટોર પર એપલના ટેક્નીકલ સપોર્ટ સ્ટાફમાં ‘એપલ જીનીયસ’ તરીકે કામ કરતા એક કર્મચારી પાસે એમબીએ અને ડાટા એનાલિસિસની ડિગ્રી છે. તે કર્મચારીને 7 વર્ષનો અનુભવ છે. વધુ એક એપલ જીનીયસ પાસે બી-ટેક (પેકેજીંગ સાયન્સ)ની ડિગ્રી છે. એપલ ઈન્ડિયા સ્ટોરમાં કામ કરતા કર્મચારીઓમાં અમુકે કેમ્બ્રીજ અથવા ગ્રીફ્ફીથ યુનિવર્સિટી જેવી આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો હતો.
દિલ્હીના એપલ સ્ટોરમાં અમુક કર્મચારીઓ એવા હતા જેઓ ભારતની બહાર સ્થિત એપલ સ્ટોરમાં કામ કરતા હતા. એપલ ભારતમાં વધુ સ્ટોર ખોલવાની છે. એપલ જીનીયસ પદ માટે કંપની એવા ઉમેદવારને શોધે છે જે ‘ગ્રાહકોને સમજદારીભર્યી સલાહ અને મૈત્રીપૂર્ણ અને તકનીકી સહાય આપી શકે.’ આ ઉપરાંત તકનીકી સમારકામમાં કુશળતા પ્રાપ્ત કરવા માટેની યોગ્યતા અને એપલના તમામ ઉત્પાદનો અને ઉપકરણો વિશે જાણવાની આતુરતા હોવી જોઈએ.