અમેરિકામાં H1B વિઝાની ફી વધારવા અંગે વિરોધ તેજ થયો છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કરવામાં આવેલા આ ફી વધારાના નિર્ણયનો સૌથી વધુ અસર ભારતીય વ્યાવસાયિકો પર થઈ છે. ટ્રમ્પે H1B વિઝાની ફી વધારીને 1 લાખ ડોલર કરી નાંખી હતી. જેના કારણે અમેરિકા જતાં હજારો ભારતીય ટેક-પ્રોફેશનલ્સને મોટો ફટકો પડ્યો છે.
હવે અમેરિકાનાં સાંસદોએ જ આ નિર્ણય સામે અવાજ ઉઠાવ્યો છે. અમી બેરા, સાલુદ કાર્બાજલ અને જૂલી જોન્સન સહિતના સાંસદોએ ડોનાલ્ડ ટ્રમ્પને પત્ર લખીને H1B વિઝાની વધારેલી ફી પર પુનર્વિચાર કરવાની અપીલ કરી છે.
સાંસદોની દલીલ
સાંસદોએ જણાવ્યું કે H1B વિઝા એ અમેરિકાની વિજ્ઞાન, ટેકનોલોજી અને એન્જિનિયરિંગ ક્ષેત્રની પ્રગતિનો આધાર છે. ભારતીયો જેવી પ્રતિભાશાળી માનવસંસાધન શક્તિના કારણે જ અમેરિકાએ ટેક ક્ષેત્રમાં વિશ્વભરમાં આગવું સ્થાન મેળવ્યું છે. આ વિઝાની ફી વધારવાથી અમેરિકા પોતાની પ્રતિભા આકર્ષવાની શક્તિ ગુમાવી દેશે.
સાંસદોએ ચેતવણી આપી છે કે જો આ નીતિ ચાલુ રહેશે તો ભારત જેવી દેશો સાથેની રોજગાર અને ટેક્નોલોજી ભાગીદારી પર માઠી અસર પડશે. સાથે જ અમેરિકાના આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ક્ષેત્રે વિકાસમાં પણ ધીમી ગતિ આવી શકે છે.
ચીન સાથેની હરીફાઈનો ઉલ્લેખ
સાંસદોએ પત્રમાં જણાવ્યું કે જ્યારે ચીન AI ક્ષેત્રે ભારે રોકાણ કરી રહ્યું છે. ત્યારે અમેરિકાએ દુનિયાભરની પ્રતિભાઓને પોતાની તરફ આકર્ષિત કરવી જરૂરી છે. જો વિઝાની ફી આટલી ઊંચી રહેશે તો ઘણા નિષ્ણાતો અન્ય બીજા દેશોની તરફ વળી જશે.
સાંસદોની અપીલ છે કે ટ્રમ્પ પ્રશાસને આ નીતિમાં ફેરફાર કરી, ભારતીયો અને વિદેશી ટેક નિષ્ણાતો માટે H1B વિઝાની ફી ઘટાડવી જોઈએ. જેથી અમેરિકા ટેક ક્ષેત્રમાં અગ્રેસર રહી શકે.