પાકિસ્તાનમાં મોંઘવારીથી લોકોની હાલત ખરાબ છે. દરમિયાન મોંઘવારીના તાજેતરના આંકડાઓને કારણે લોકોની મુશ્કેલી વધી રહી છે. ૧૯ એપ્રિલના રોજ પૂરા થયેલા સપ્તાહમાં સેન્સિટિવ પ્રાઈસ ઈન્ડેક્સ વાર્ષિક ધોરણે ૪૭.૨૩ ટકા વધ્યો હતો. જે તેની ઓલ ટાઈમ હાઈ સપાટી છે. મોંઘવારીના કારણે ઈદની ખરીદી પણ નિરસ રહી છે. પાકિસ્તાન બ્યુરો ઓફ સ્ટેટિસ્ટિક્સ દ્વારા જારી કરવામાં આવેલા આંકડા મુજબ ખાદ્ય ચીજવસ્તુઓના દરમાં વધારાને કારણે સેન્સિટિવ પ્રાઈસ ઈન્ડેક્સ સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચી ગયો છે.
સેન્સિટિવ પ્રાઈસ ઈન્ડેક્સ એ એક સાપ્તાહિક ઈન્ડેક્સ છે જે દેશમાં ફુગાવાના દર વિશે મહત્વપૂર્ણ સંકેતો આપે છે. સેન્સિટિવ પ્રાઈસ ઈન્ડેક્સ પાકિસ્તાનના ૫૦ મુખ્ય બજારોમાં ૫૧ આવશ્યક ચીજવસ્તુઓના ભાવ પર નજર રાખે છે. મીડિયા રિપોર્ટસમાં કહેવામાં આવ્યું છે કે ૨૯ વસ્તુઓના ભાવમાં ઉછાળો આવ્યો છે. જ્યારે આઠ વસ્તુઓના ભાવમાં ઘટાડો અને ૧૪ વસ્તુઓના ભાવ સ્થિર રહ્યા હતા. આ આંકડા એવા સમયે સામે આવ્યા છે જ્યારે માર્ચમાં મોંઘવારી દર અભૂતપૂર્વ સ્તરે પહોંચી ગયો હતો. ખાદ્યપદાર્થો, પીણાં અને પરિવહન સંબંધિત ખર્ચમાં વધારો થવાને કારણે માર્ચમાં ફુગાવો અભૂતપૂર્વ સ્તરે પહોંચ્યો હતો. કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ પર આધારિત ફુગાવાનો દર માર્ચ મહિનામાં ૩૫.૩૭ ટકા પર પહોંચ્યો હતો. જુલાઈ ૧૯૬૫ પછી ઉપલબ્ધ ડેટા મુજબ દેશમાં ફુગાવાનો આ સૌથી ઊંચો દર છે.
આ કારણે પાકિસ્તાનમાં ઈદના મહત્વના તહેવાર દરમિયાન પણ બિઝનેસ સેન્ટિમેન્ટ નબળું રહ્યું હતું. પાકિસ્તાન સરકાર ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ પ્રોગ્રામ હેઠળ ઈંધણ અને પાવર ટેરિફમાં વધારો, સબસિટી પાછી ખેંચી, બજાર આધારિત વિનિમય દરો અને ઊંચા કર લાદવા જેવા પગલાં લઈ રહી છે. જો કે તેની ખાસ અસર દેખાતી નથી અને દેશની જનતા પરેશાન છે. આર્થિક સંકટનો સામનો કરી રહેલું પાકિસ્તાન સાઉદી અરેબિયા સાથે 2 અબજ ડોલરની વધારાની સહાય મેળવવા માટે કરાર કરી શકે છે.
સરકારી અધિકારીઓના જણાવ્યા અનુસાર આ પગલાથી પાકિસ્તાનને ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) તરફથી રાહત પેકેજ મેળવવામાં મદદ મળશે, જેની હાલના સમયમાં પાકિસ્તાનને ખૂબ જરૂર છે. પાકિસ્તાને IMF સાથે સમાધાન કરવા માટે માર્ચમાં સાઉદી અરેબિયા દ્વારા ભંડોળ આપવાની પુષ્ટિ કરવા વિનંતી કરી હતી. પાકિસ્તાનને આ જ મહિને રિયાધથી વધારાની રકમ જારી કરવાની મંજૂરી મળી હતી.
પાકિસ્તાનને સાઉદી અરેબિયા તરફથી આ મદદ ખૂબ જ મહત્વપૂર્ણ સમયે મળી રહ્યી છે. IMF સાથે 2019માં હસ્તાક્ષર કરાયેલ કાર્યક્રમ 30મી જૂન-2023ના રોજ નિષ્ક્રિય થઈ જશે અને નિર્ધારિત માર્ગદર્શિકા અનુસાર ત્યારબાદ કાર્યક્રમને આગળ વધારી શકાશે. IMFએ પાકિસ્તાન સામે શરત મૂકી છે કે 7 અબજ ડોલરનું રાહત પેકેજ મેળવવા માટે તેણે પહેલા અન્ય દેશો પાસેથી 3 અબજ ડોલર એકત્ર કરવા પડશે. એક ટોચના અધિકારીએ ધ ન્યૂઝ ઈન્ટરનેશનલને જણાવ્યું કે, સ્ટેટ બેંક ઓફ પાકિસ્તાન 2 અબજ ડોલરની વધારાની રકમ માટે ઈદ બાદ ટૂંક સમયમાં જ સાઉદી ફંડ ફોર ડેવલપમેન્ટ (SFD) સાથે કરાર કરશે. અહેવાલો અનુસાર અધિકારીએ કહ્યું કે, સાઉદી અરેબિયાએ IMF સાથે દ્વિપક્ષીય સહયોગની પુષ્ટિ કરી લીધી છે.
જો ઇન્ટરનેશન મોનિટરિંગ ફંડ તરફથી પાકિસ્તાનને મદદ નહીં મળે તો તે ખૂબ જ જલદી પાયમાલ થઇ જાય તેમ છે. પરિસ્થિતિ તો એટલી ગંભીર છે કે, પાકિસ્તાન પાસે ચૂંટણી યોજવાના પણ રૂપિયા નથી અને આ કબૂલાત પાકિસ્તાનના જ એક મંત્રી દ્વારા કરવામાં આવી હતી. ત્યારે ફરી એક વખત સાઉદી અરેબિયાએ આડકતરી રીતે પાકિસ્તાનને મદદ કરવાની તૈયારી બતાવી છે. તે જોતા તો એવું લાગે છે કે પાકિસ્તાનનું અર્થતંત્ર ત્યાંની સરકાર નહીં પરંતુ સાઉદી અરેબિયા જ ચલાવી રહી છે. જો કે, એક વાત સ્પષ્ટ છે કે સાઉદી અરેબિયા સિવાય કોઇ દેશ પાકિસ્તાનનો હાથ પકડવા તૈયાર નથી.