ગાંધીનગર : રાજ્યમાં વિવિધ શહેરોમાં લાગુ પાડવામાં આવેલા અશાંતધારામાં આજે વિધાનસભામાં અનેક સુધારાઓ કરવામાં આવ્યા હતા. હવેથી અશાંતધારા લાગુ હોય તેવા વિસ્તારમાં કલેકટર વિવાદી મિલકતના રક્ષણ માટે સુઓમોટો કામગીરી કરી શકશે. અશાંતધારાના વિસ્તારમાં રહેતી કોઈપણ નારાજ વ્યક્તિ મિલકતની તબદિલી સામે અરજી કરી શકશે. જેની સામે કલેકટરે કાર્યવાહી કરવાની રહેશે. અશાંતધારામાં થયેલી સુધારામાં કલેકટરને વિશાળ સત્તાઓ આપવામાં આવી છે. અશાંતધારા વિસ્તારને હવેથી સ્પેસિફાઈડ એરિયા તરીકે પણ ઓળખવાનો રહેશે.
ગુજરાત વિધાનસભામાં આજે મહેસૂલ રાજ્યમંત્રી સંજયસિંહ મહિડા દ્વારા રજૂ કરવામાં આવેલું ‘ગુજરાત અશાંત વિસ્તારોમાંની સ્થાવર મિલકતની તબદીલી પર પ્રતિબંધ (સુધારા) વિધેયક-૨૦૨૬’ પસાર કરવામાં આવ્યું હતું. આ સુધારા વિધેયકનો મુખ્ય ઉદ્દેશ્ય મિલકતોની ગેરકાયદેસર તબદીલી પર નિયંત્રણ લાવવાનો અને કાયદેસરના માલિકોના હિતોનું રક્ષણ કરવાનો છે.આ સુધારા દ્વારા રાજ્ય સરકાર મિલકતોના અનૈચ્છિક સ્થળાંતરને અટકાવવા અને સામાજિક સદભાવ જાળવી રાખવા માટે વધુ કડક પગલાં લેશે તેમ મહિડાએ જણાવ્યું હતું.
શું શું ફેરફારો અશાંતધારામાં કરાયા ?
- નામમાં ફેરફાર: હવેથી અધિનિયમમાં જ્યાં પણ અશાંત વિસ્તાર શબ્દનો ઉલ્લેખ છે, ત્યાં તેના બદલે નિર્દિષ્ટ વિસ્તાર (Specified Area) શબ્દનો પ્રયોગ કરવામાં આવશે.
- કલેક્ટરની સત્તામાં વધારો: મિલકતના રક્ષણ માટે કલેક્ટર હવે સુઓ મોટો (પોતાની મેળે) અથવા કોઈપણ નારાજ થયેલી વ્યક્તિની અરજી પર તપાસ કરી શકશે. જો મિલકતનો કબજો લેવામાં કોઈ પક્ષકાર ચૂક કરે, તો કલેક્ટર તે મિલકત કામચલાઉ ધોરણે પોતાના કબજામાં લઈ શકશે.
- નારાજ વ્યક્તિની વ્યાખ્યા: નારાજ થયેલી વ્યક્તિમાં હવે માત્ર મિલકતની તબદીલીના પક્ષકાર જ નહીં, પરંતુ તે નિર્દિષ્ટ વિસ્તારમાં રહેતી કોઈપણ વ્યક્તિનો સમાવેશ થશે, જે મિલકત તબદીલી સામે વાંધો ઉઠાવી શકશે.
- જાહેર વ્યવસ્થા અને તપાસ: જે વિસ્તારોમાં કોમી તંગદિલીને કારણે જાહેર વ્યવસ્થા ખોરવાય તેવી શક્યતા હોય અથવા જ્યાંથી લોકોનું અનૈચ્છિક સ્થળાંતર થવાની સંભાવના હોય, તેવા વિસ્તારોને રાજ્ય સરકાર નિર્દિષ્ટ વિસ્તાર જાહેર કરી શકશે.
- નાણાકીય સહાય માટે છૂટછાટ: નિર્દિષ્ટ વિસ્તારમાં આવેલી મિલકત પર નાણાકીય સંસ્થાઓ (બેંકો અથવા કોર્પોરેશન) પાસેથી લોન કે આર્થિક સહાય મેળવવા માટે તેને ગીરો મૂકવાની પ્રક્રિયાને આ કાયદાના પ્રતિબંધોમાંથી મુક્તિ આપવામાં આવી છે, જેથી નાગરિકોને આર્થિક હાડમારી ન ભોગવવી પડે.
- દેખરેખ અને સલાહકાર સમિતિ: આ સમિતિ હવે વિસ્તારની જાહેર વ્યવસ્થા અને કોમી તંગદિલીની સ્થિતિનો અભ્યાસ કરી રાજ્ય સરકારને વખતોવખત સલાહ આપશે.
અશાંત વિસ્તારોમાં ભૂમાફિયા મિલકતો પર પદ્ધતિસર કબજો કરે છે: ભાજપના સંગીતા પાટીલ,
30 વર્ષથી તમારૂં શાસન છે તો તમે અત્યાર સુધી શું કર્યું: કોંગ્રેસના કિરીટ પટેલ
ગુજરાત વિધાનસભામાં અશાંતધારા (નિર્દિષ્ટ વિસ્તાર) સુધારા વિધેયક-૨૦૨૬ પરની ચર્ચા માત્ર કાયદાકીય સુધારા પૂરતી મર્યાદિત ન રહેતા તીવ્ર રાજકીય જંગમાં ફેરવાઈ ગઈ હતી. મહેસૂલ રાજ્યમંત્રી સંજયસિંહ મહિડા દ્વારા રજૂ કરાયેલા આ વિધેયક પર શાસક પક્ષ અને વિપક્ષ સામસામે આવી ગયા હતા. ભાજપના ધારાસભ્ય સંગીતા પાટીલે પોતાના વિસ્તારની ગંભીર સ્થિતિ વર્ણવતા જણાવ્યું હતું કે, ૫૦૦ હિન્દુ ઘરો વચ્ચે એક મુસ્લિમ ઘર સંપૂર્ણપણે સુરક્ષિત છે, પરંતુ ૫૦૦ મુસ્લિમ ઘરો વચ્ચે એક હિન્દુ ઘર સુરક્ષિત નથી. તેમણે આક્ષેપ કર્યો હતો કે લઘુમતી વસતી ધરાવતા વિસ્તારોમાં હિન્દુઓને શારીરિક અને માનસિક ત્રાસ આપીને સ્થળાંતર કરવા મજબૂર કરવામાં આવે છે.
આવા તત્ત્વો સામે કડક કાર્યવાહી કરવા માટે કલેક્ટરને વધુ સત્તા આપવી જરૂરી છે. અશાંત વિસ્તારોમાં ભૂમાફિયાઓ દ્વારા મિલકતો પર પદ્ધતિસરના ગેરકાયદે કબ્જા કરવામાં આવે છે. જેમાં પહેલા પ્લોટ પર ઝૂંપડું બાંધીને દબાણ થાય છે અને ધીમે-ધીમે પાકું મકાન બનાવી કબજો જમાવી લેવામાં આવે છે. શાસક પક્ષના આ આક્ષેપો સામે વળતો પ્રહાર કરતા કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે સરકારની નિષ્ફળતા પર સવાલ ઉઠાવતા પૂછ્યું હતું કે, ‘છેલ્લા ૩૦ વર્ષથી રાજ્યમાં પંચાયતથી લઈને કોર્પોરેશન સુધી ભાજપનું શાસન છે, તો અત્યાર સુધી તમે શું કર્યું? શા માટે આ દબાણો રોકી શકાયા નથી?’ આમ, મિલકતોના રક્ષણ માટે લાવવામાં આવેલા આ બિલની આડમાં વિધાનસભામાં રાજ્યની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તેમજ સત્તાધારી પક્ષની કામગીરીને લઈને સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે જોરદાર શાબ્દિક ટપાટપી જોવા મળી હતી.