ભારતમાં જીએસટીએ સરકારને બખ્ખાં કરાવી દીધા છે. દર મહિને જીએસટી થકી સરકારને દોઢથી બે લાખ કરોડની આવક થાય છે. જીએસટીએ સરકારની તિજોરી તરબતર કરી નાખી છે પરંતુ આ જીએસટીએ દેશમાં ઉદ્યોગ-ધંધાને હેરાન કરી દીધા છે. જીએસટીમાં ચાર-ચાર સ્લેબને કારણે લાખો વેપારીઓ એવા છે કે જેમને વધુ જીએસટી ભરવાનો આવે છે અને તે પરત પણ મળતો નથી. જીએસટીની ક્રેડિટ પરત લેવા માટે અનેક મથામણ કરવી પડે છે. ચાર-ચાર સ્લેબને કારણે વેપાર કરવામાં અનેક મુશ્કેલીઓ પડી રહી છે અને અનેક વસ્તુઓ એવી છે કે જેના પર જીએસટીનો દર ઓછો હોવો જોઈએ તેને બદલે વધુ દર છે.
28 ટકા જેટલો જીએસટીનો સ્લેબ દરેક માટે કમરતોડ છે. જીએસટીના આટલા મોટા સ્લેબ સામે વેપારી સંગઠનો દ્વારા અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે અને હવે સરકારને જ્ઞાન લાધ્યું છે કે જીએસટીમાં ચાર સ્લેબને બદલે બે સ્લેબ કરવાની જરૂરીયાત છે. બુધવારથી જીએસટી કાઉન્સિલની બેઠક શરૂ થઈ રહી છે. એવી ચર્ચા છે કે જીએસટીના ચારને બદલે બે સ્લેબ કરવામાં આવશે.
જીએસટી કાઉન્સિલની બેઠકમાં આગામી બે દિવસમાં નાણાં મંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતમાં જીએસટીના દરોના પ્રસ્તાવો અને સુધારાઓ પર ચર્ચાઓ કરવામાં આવશે. જીએસટીમાં હાલમાં 5%, 12%, 18% અને 28%ના સ્લેબ છે. ફેરફાર પછી માત્ર 5 અને 18 ટકાના જ સ્લેબ રહેશે. જ્યારે 12 અને 28 ટકાના જીએસટીના સ્લેબને હટાવી દેવામાં આવશે.
એવું માનવામાં આવી રહ્યું છે કે આ નવા ફેરફારો પછી, દૂધ-ચીઝથી લઈને ટીવી-એસી અને કાર-બાઈક સુધીની રોજિંદા જીવનજરુરી વસ્તુઓના ભાવમાં ઘટાડો થશે. બે સ્લેબ દ્વારા કેન્દ્ર સરકાર જીએસટીના માળખાને સરળ બનાવવાનો પ્રયાસ કરશે. બની શકે છે કે લકઝરી વસ્તુઓને 40 ટકાના દાયરામાં પણ મુકવામાં આવે. નવા ફેરફારો આગામી તા.22મી સપ્ટેમ્બર એટલે કે નવરાત્રિની શરૂઆતથી અમલમાં આવશે.
સરકાર એવું માની રહી છે કે નવરાત્રિની શરૂઆત સાથે દેશમાં તહેવારોની મોસમ ચાલવાની હોવાથી જીએસટીના નવા દરને કારણે લોકોની ખરીદશક્તિ વધશે અને સાથે સાથે વેચાણમાં વધારો જોવા મળશે. હાલમાં અનેક ક્ષેત્રો એવા છે કે જેમાં વેચાણની પ્રક્રિયા ધીમી છે. જેને કારણે સરકાર ચિંતિત છે. સાથે સાથે રાજ્યોના મહેસૂલને પણ નુકસાન થઈ રહ્યું હોવાથી તેમાં પણ સુધારો લાવવાની જરૂરીયાત છે.
ગયા અઠવાડિયે જ મંત્રીઓના સમુહે કેન્દ્ર સરકારને બે સ્લેબના પ્રસ્તાવને સ્વીકાર્યો હતો. નવા દરો લાગુ પડતા અનેક ચીજ-વસ્તુઓના ભાવો ગટવાની સંભાવના છે પરંતુ જેમાં ડ્રાયફ્રૂટ્સ, બ્રાન્ડેડ નમકીન, ટૂથ પાવડર, ટૂથપેસ્ટ, સાબુ, હેર ઓઇલ, સામાન્ય એન્ટિબાયોટિક્સ, પેઇનકિલર દવાઓ, પ્રોસેસ્ડ ફૂડ, નાસ્તો, ફ્રોઝન શાકભાજી, કન્ડેન્સ્ડ મિલ્ક, કેટલાક મોબાઇલ, કેટલાક કમ્પ્યુટર, સિલાઈ મશીન, પ્રેશર કૂકર, ગીઝર જેવી વસ્તુઓનો સમાવેશ થાય છે. જ્યારે નોન-ઇલેક્ટ્રિક વોટર ફિલ્ટર્સ, ઇલેક્ટ્રિક ઇસ્ત્રી, વેક્યુમ ક્લીનર્સ, 1,000 રૂપિયાથી વધુ કિંમતના તૈયાર કપડાં, 500-1,000 રૂપિયાની રેન્જમાં શુઝ, મોટાભાગની વેક્સિન, HIV/TB ડાયગ્નોસ્ટિક કીટ, સાયકલ અને વાસણો પર પણ ટેક્સ ઘટશે.
આ ઉપરાંત જ્યોમેટ્રી બોક્સ, નકશા, ગ્લોબ્સ, ગ્લેઝ્ડ ટાઇલ્સ, પ્રિ-ફેબ્રિકેટેડ બિલ્ડિંગ, વેન્ડિંગ મશીનો, પબ્લિક ટ્રાન્સપોર્ટ વાહનો, કૃષિ મશીનરી, સોલાર વોટર હીટર જેવા ઉત્પાદનોને હાલના 12 ટકાને બદલે 5 ટકાના સ્લેબમાં લઈ જવામાં આવશે. જ્યારે સિમેન્ટ, બ્યુટી પ્રોડક્ટ્સ, ચોકલેટ, રેડી-મિક્સ કોંક્રિટ, ટીવી, રેફ્રિજરેટર, વોશિંગ મશીન, એસી, ડીશવોશર, પ્રાઇવેટ પ્લેન, પ્રોટીન કોન્સન્ટ્રેટ, સુગર સીરપ, કોફી કોન્સન્ટ્રેટ, પ્લાસ્ટિક પ્રોડક્ટ્સ, રબર ટાયર, એલ્યુમિનિયમ ફોઇલ, ટેમ્પર્ડ ગ્લાસ, પ્રિન્ટર, રેઝર, મેનીક્યુર કીટ, ડેન્ટલ ફ્લોસ પર 28ને બદલે 16 ટકાનો સ્લેબ લાગુ પાડવામાં આવશે.
જીએસટીના દરોમાં ભલે ફેરફાર કરવામાં આવતો હોય પરંતુ આ ફેરફારથી વેચાણમાં સુધારો થાય કે મોંઘવારી ઓછી થાય તેવી સંભાવના ઓછી છે. ખરેખર સરકારે પહેલા જીએસટીના મામલે ગહન સંશોધન કરવાની જરૂરીયાત છે અને કઈ વસ્તુ પર કેટલો જીએસટી લગાડવાથી તેની શું અસર થશે તેનો અભ્યાસ કરીને જ નિર્ણય લેવો જોઈએ કે જેથી જીએસટીના દરોમાં ફેરફારનો લાભ સીધો લોકોને મળી શકે. જો તેમ થશે તો જ તેનો અર્થ સરશે તે નક્કી છે.