Gujarat

ગુજરાતમાં ટૂંક સમયમાં એન્ટિવેનમ ઉપલબ્ધ થશે

ગાંધીનગર: ગુજરાતમાં સર્પદંશથી થતાં માનવ મૃત્યુને ઘટાડવા માટે રાજ્ય સરકાર ટૂંક સમયમાં મહત્ત્વપૂર્ણ પગલું ભરવા જઈ રહી છે. દક્ષિણ ગુજરાતના ધરમપુર ખાતે સ્થાપિત Snake Research Institute દ્વારા ગુજરાતમાં જોવા મળતા ઝેરી સાપોના ઝેર પરથી રાજ્ય માટે જ એન્ટિવેનમ તૈયાર કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. તાજેતરમાં SRI સંસ્થાએ ગુજરાતમાં જોવા મળતી ચાર મુખ્ય ઝેરી સાપની પ્રજાતિઓ—ઇન્ડિયન કોબ્રા, કોમન ક્રેટ, રસેલ્સ વાયપર અને સૉ-સ્કેલ્ડ વાયપરના લાયોફિલાઇઝ્ડ (પાવડર સ્વરૂપમાં પરિવર્તિત) ઝેરની ઇ-હરાજી યોજી હતી.

સંસ્થાના અધિકારીઓના જણાવ્યા મુજબ ઇન્ડિયન કોબ્રાના ઝેર માટે પ્રતિ ગ્રામ ₹40,000ની આધાર કિંમત નક્કી કરવામાં આવી હતી, પરંતુ હરાજીમાં તેને ₹44,000 પ્રતિ ગ્રામ સુધી કિંમત મળી હતી. તેવી જ રીતે સૉ-સ્કેલ્ડ વાયપરના ઝેર માટે પ્રતિ ગ્રામ ₹50,000ની આધાર કિંમત સામે ₹56,500 સુધી બોલી લાગી હતી. અન્ય પ્રજાતિઓ માટે પણ સારો પ્રતિસાદ મળ્યો.
Gujarat Forestry Research Foundation હેઠળ કાર્યરત આ સંસ્થા માટે 2.25 હેક્ટર જમીન ફાળવવામાં આવી છે. તેને વિશ્વ કક્ષાની સંસ્થા બનાવવા ₹11.68 કરોડનો પ્રસ્તાવ રજૂ થયો છે. હાલ દેશમાં ઝેર એકત્રિત કરવાની પ્રવૃત્તિ મુખ્યત્વે Irula Snake Catchers Industrial Cooperative Society દ્વારા કરવામાં આવે છે. ધરમપુર સ્થિત સંસ્થા હવે આ ક્ષેત્રે દેશની બીજી મહત્ત્વપૂર્ણ સંસ્થા બની છે.

ભારત સર્પદંશ એન્વેનોમિંગ માટે રાષ્ટ્રીય કાર્યયોજના જાહેર કરનાર વિશ્વનો પ્રથમ દેશ છે. SRI સંસ્થાએ અત્યાર સુધીમાં 300થી વધુ સાપ રેસ્ક્યુઅર્સને તાલીમ આપી છે. 23 જિલ્લામાં 1,495થી વધુ ડૉક્ટરો અને મેડિકલ અધિકારીઓને સર્પદંશ વ્યવસ્થાપન અંગે તાલીમ આપી છે.

ગુજરાતના સાપોના ઝેર પરથી બનેલું એન્ટિવેનમ વધુ અસરકારક
સર્પ સંશોધન કેન્દ્રના ઉપાધ્યક્ષ ડૉ. ડી.સી. પટેલે જણાવ્યું હતું કે, “સાપનું ઝેર પ્રદેશ પ્રમાણે બદલાય છે. દૂરના પ્રદેશના ઝેર પરથી બનેલું એન્ટિવેનમ ઘણી વખત ઓછું અસરકારક સાબિત થાય છે. ગુજરાતમાં પકડાયેલા સાપોના ઝેર પરથી બનેલું એન્ટિવેનમ વધુ અસરકારક રહેશે.” ડૉ. પટેલ છેલ્લા 35 વર્ષથી સર્પદંશની સારવાર કરી રહ્યા છે અને 98%થી વધુ સફળતા દર ધરાવે છે. તેઓ દ્વારા સંભાળાયેલા તમામ કેસનું દસ્તાવેજીકરણ પણ કરવામાં આવે છે. રાજ્ય સરકાર આ ઝેર પરથી તૈયાર થતું એન્ટિવેનમ ખરીદી રાજ્યની હોસ્પિટલોને ઉપલબ્ધ કરાવશે, જેથી ગ્રામ્ય વિસ્તારોમાં પણ ઝડપી અને અસરકારક સારવાર મળી રહે.

પાવડર સ્વરૂપના ઝેરની હરાજી

  • ધરમપુર સ્થિત સર્પ સંશોધન કેન્દ્ર દ્વારા ચાર મુખ્ય ઝેરી સાપના ઝેરની ઇ-હરાજી યોજાઈ
  • ઇન્ડિયન કોબ્રા, કોમન ક્રેટ, રસેલ્સ વાયપર અને સૉ-સ્કેલ્ડ વાયપરના પાવડર સ્વરૂપના ઝેરની હરાજી
  • ઇન્ડિયન કોબ્રાના ઝેરને ₹40,000ની આધાર કિંમત સામે ₹44,000 પ્રતિ ગ્રામ મળ્યા
  • સૉ-સ્કેલ્ડ વાયપરના ઝેરને ₹50,000 સામે ₹56,500 પ્રતિ ગ્રામ સુધી બોલી લાગી
  • ઉચ્ચ ગુણવત્તાને કારણે ધાર્યા કરતાં વધુ આવક પ્રાપ્ત
  • ઝેર એકત્રિત અને પ્રક્રિયા દરમિયાન વિશ્વ આરોગ્ય સંસ્થાની માર્ગદર્શિકાનું પાલન
  • લાઇસન્સ ધરાવતા એન્ટિવેનમ ઉત્પાદકો દ્વારા ઉત્સાહપૂર્વક ભાગીદારી
  • સ્થાનિક સાપના ઝેર પરથી રાજ્ય માટે વધુ અસરકારક એન્ટિવેનમ તૈયાર થવાની દિશામાં મહત્ત્વપૂર્ણ પગલું

Most Popular

To Top