સુરત: બોગસ ખેડૂત હોવાની ઉઠેલી ફરિયાદ બાદ સુરતના જાણીતા બિલ્ડર અને હીરાની પેઢી સી.મહેન્દ્રના સંચાલક કનુ શાહનું બીજું ભોપાળું બહાર આવ્યું છે. કનુ શાહ દ્વારા વેસુમાં બીગબજારની ગલીમાં બનાવવામાં આવેલા કેપીએમ ટેરાપ્રાઈમ નામના પ્રોજેક્ટમાં બીયુસી લીધા વિના જ વસવાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. જેને કારણે મહાપાલિકા દ્વારા તાકીદના ધોરણે ફ્લેટ ખાલી કરાવવાની સાથે પ્રોજેકટના ડ્રેનેજ અને પાણીના કનેકશન પણ કાપી નાખવામાં આવ્યા છે. કનુ શાહનો આ પ્રોજેક્ટ એરપોર્ટના રન વેને નડતરૂપ પણ થાય છે.
- બિલ્ડર કનુ શાહે વેસુના પ્રોજેક્ટમાં બીયુસી વિના જ વસવાટ શરૂ કરાવી દીધો
- બોગસ ખેડૂત બન્યાની ફરિયાદનો સામનો કરી રહ્યા છે બિલ્ડર શાહ
- મનપાને જાણ થતાં નોટિસ આપી પાણી અને ગટરના કનેકશન કાપી નાખ્યા
સુરતના જાણીતા બિલ્ડર અને ડેવલપર કનુ શાહના કારનામાઓ બહાર આવતાં બિલ્ડરઆલમમાં હડકંપ મચી જવા પામ્યો છે. પોતાના જ ભાગીદાર સાથેના વિવાદમાં ખુદ ભાગીદાર મહેતા દ્વારા કનુ શાહ બોગસ ખેડૂત હોવાની કરાયેલી ફરિયાદ બાદ તેમનો પ્રોજેક્ટ પણ વિવાદમાં હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે. કનુ શાહ અને તેમના ભાગીદાર અભિષેક મહેતા સહિતના અન્યો દ્વારા વેસુમાં બીગબજારની બાજુમાં ભારતીમૈયા સ્કૂલની સામે કેપીએમ ટેરાપ્રાઈમના નામથી પ્રોજેકટ શરૂ કરાયો હતો. જોકે, આ પ્રોજેક્ટ જ્યારે બન્યો ત્યારે તે એરપોર્ટના રનવેમાં નડતરરૂપ બન્યો હતો. આ મામલે કોર્ટમાં કેસ પણ ચાલી રહ્યો છે, પરંતુ બીજી તરફ બિલ્ડર કનુ શાહ તેમજ અભિષેક મહેતા સહિતના અન્યો દ્વારા આ પ્રોજેક્ટમાં બીયુસી લીધા વિના જ બારોબાર વસવાટ શરૂ કરાવી દેવામાં આવ્યો હતો.
પ્રોજેક્ટના તમામ ભાગીદારોને નોટિસ આપી
બીયુસી વિના બારોબાર વસવાટ શરૂ થઈ ગયો હોવાની જાણ મહાપાલિકાને થતાં મનપાના ટાઉન પ્લાનિંગ વિભાગે તા.12-8-21ના રોજ પ્રોજેક્ટના તમામ ભાગીદારોને બીયુસી વિના વસવાટ કરવા સામે નોટિસ આપી હતી અને વસવાટ ખાલી નહીં કરે તો કનેકશન કાપી દેવામાં આવશે તેવી તાકીદ પણ કરી હતી. આ નોટિસની નકલ ફ્લેટમાં વસવાટ શરૂ કરી દેનાર 15 કબ્જેદારોને પણ મોકલવામાં આવી હતી. જોકે, છતાં વસવાટ ચાલુ રાખવામાં આવતા મનપા દ્વારા આ પ્રોજેક્ટ કેપીએમ ટેરાપ્રાઈમના ડ્રેનેજ અને પાણીના કનેકશન કાપી નાખવામાં આવ્યા હતા. મનપા દ્વારા આપવામાં આવેલી નોટિસમાં એવી તાકીદ પણ કરવામાં આવી હતી કે જો વસવાટ શરૂ કરવામાં આવશે અને જો કોઈ અકસ્માત થશે તો તેની સંપૂર્ણ જવાબદારી ડેવલપરની રહેશે.