સુરત: માંગરોળના પીપોદરા ગામની સીમાએ એક રાહદારી જે પીપોદરા પાસે નેશનલ હાઇવે 48 પરથી જઈ રહ્યો હતો ત્યારે એક બાઇક પર બે અજાણ્યા લૂંટારુઓએ યુવકને આંતરી તેની પાસેથી મોબાઈલ તફડાવવા ઝપાઝપી કરી હતી અને યુવકના ગળે બ્લેડ જેવું તીક્ષ્ણ ધારદાર વસ્તુથી તેના ગળા પર હુમલો કરતા યુવક લોહીલુહાણ થઈ ફસડાઈ પડ્યો હતો. તેના હાથમાંથી કિંમતી મોબાઈલ આંચકી એ લૂંટારાઓ ત્યાંથી પૂરપાટ ઝડપે ફરાર થઈ ગયા હતા. યુવકના ગળાના ભાગે ગંભીર ઈજા થતા તેને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. મળતી માહિતી અનુસાર યુવકની હાલત હાલ નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે. ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે અને હોસ્પિટલે કાફલા સાથે પહોંચી હતી. આગળ તપાસ ચાલુ છે. ઘટનાને પગલે વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે. પોલીસ દ્વારા આસપાસના સીસીટીવી કેમેરાની તપાસ હાથ ધરવામાં આવી છે. લૂંટારાઓની ઓળખ માટે કાર્યવાહી તેજ કરવામાં આવી છે. સ્થાનિક લોકોએ રાત્રિના સમયે પેટ્રોલિંગ વધારવાની માંગ કરી છે. પોલીસે આરોપીઓને ઝડપી પાડવા માટે ખાસ ટીમ બનાવી આગળની તપાસ કરાશે એમ પણ જણાવ્યું હતું.