મહારાષ્ટ્રના થાણે શહેરમાં ગઈ કાલે ગુરુવારે મોડી રાત્રે એક મોટો અકસ્માત ટળી ગયો. શહેરના ઘોડબંદર રોડ પર આવેલા બ્લુ રૂફ ક્લબ ખાતે લગ્નના રિસેપ્શન દરમિયાન અચાનક ભીષણ આગ લાગી. જેના કારણે કાર્યક્રમમાં હાજર મહેમાનોમાં અફરાતફરી મચી ગઈ હતી. જોકે સમયસર બચાવ કામગીરી શરૂ થવાથી 1,000થી વધુ મહેમાનોને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા અને કોઈ જાનહાનિ થઈ નથી.
આ ઘટના 18 ડિસેમ્બર ગુરુવારે રાત્રે લગભગ 11 વાગ્યાની આસપાસ ઓવાલા વિસ્તારમાં આવેલા મેરેજ હોલ સંકુલમાં બની હતી. થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનના ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના વડા યાસીન તડવીના જણાવ્યા અનુસાર બ્લુ રૂફ ક્લબના લોન વિસ્તારમાં એક કેબિનની બહાર લગાવવામાં આવેલી મંડપ સજાવટમાં આગ ભભૂકી ઊઠી હતી. તે સમયે ત્યાં લગ્નનું રિસેપ્શન ચાલી રહ્યું હતું અને મોટી સંખ્યામાં મહેમાનો હાજર હતા.
પ્રાથમિક માહિતી અનુસાર ફટાકડા ફોડવાના કારણે આગ લાગી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, જો કે આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. આગ ઝડપથી ફેલાતી જોઈ મહેમાનોમાં ભય ફેલાઈ ગયો પરંતુ હોલના સ્ટાફ અને સુરક્ષા કર્મચારીઓએ તાત્કાલિક લોકોને બહાર કાઢવાનું શરૂ કર્યું.
ઘટનાની જાણ થતાં જ બે ફાયર એન્જિન અને એક બચાવ વાહન તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ફાયર ફાઇટર્સે ભારે જહેમત બાદ લગભગ એક કલાકમાં આગ પર કાબુ મેળવી લીધો હતો. મધ્યરાત્રિ સુધીમાં સ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં આવી ગઈ હતી.
થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનના ડિઝાસ્ટર ડિપાર્ટમેન્ટના અધિકારી યાસીન તડવીએ જણાવ્યું કે આગ ખૂબ મોટી હતી પરંતુ સમયસર પ્રતિસાદના કારણે કોઈ જાનહાનિ કે ઈજાના અહેવાલ નથી. હાલ આગ લાગવાના કારણોની તપાસ ચાલી રહી છે. અધિકારીઓ શોર્ટ સર્કિટ કે અન્ય સંભવિત કારણોની પણ તપાસ કરી રહ્યા છે.