જયપુર: સમ્મેત શિખર (Sammed Shikharji)ને પ્રવાસન સ્થળ તરીકે જાહેર કરવાનો મુદ્દો વધી રહ્યો છે. દેશભરમાં વિરોધ થઇ રહ્યો છે અને અનેક જૈન (Jain) સાધુઓ ઉપવાસ પર બેઠા છે. જયપુરમાં ઉપવાસ પર બેઠેલા વધુ એક જૈન સાધુએ પોતાના પ્રાણની આહુતિ આપી દીધી છે. મોડી રાત્રે મુનિ સમર્થ સાગરનું નિધન થયું છે. સમ્મેત શિખરને લઇને છેલ્લા ચાર દિવસમાં બે જૈન મુનિઓએ દેહ છોડ્યો હતો. અગાઉ જૈન ઋષિ સુજ્ઞેય સાગરે પોતાનું બલિદાન આપ્યું હતું. જો કે, ગઇકાલે જ કેન્દ્ર સરકારે તાત્કાલિક અસરથી સમ્મેત શિખરને પ્રવાસન સ્થળ બનાવવાના નિર્ણય પર રોક લગાવી દીધી હતી. આ સાથે આ મુદ્દે એક કમિટી પણ બનાવવામાં આવી છે. કેન્દ્રએ ઝારખંડ સરકારને પણ આ મુદ્દે જરૂરી પગલાં લેવા જણાવ્યું છે. સમ્મેત શિખરને પ્રવાસન સ્થળ બનાવવાના નિર્ણયથી જૈન સમુદાયમાં ભારે નારાજગી હતી.
જૈન મુનિઓનું બલિદાન હંમેશા યાદ રહેશે
આચાર્ય સાગર મહારાજના શિષ્ય મુનિ સમર્થ સાગર સાંગીજી દિગંબર જૈન મંદિર, સાંગાનેર, જયપુરમાં આમરણાંત ઉપવાસ પર હતા. આ મંદિરમાં જૈન સાધુ સુજ્ઞેય સાગરે મંગળવાર, 3જી ડિસેમ્બરે પોતાના પ્રાણની આહુતિ આપી હતી. આચાર્ય સુનિલ સાગર મહારાજ મંદિરમાં રોકાયા છે અને તેમની હાજરીમાં આજે જૈન વિધિ સાથે મુનિ સમર્થ સાગરને સમાધિ આપવામાં આવી હતી. સમર્થ સાગર મહારાજની યાત્રા સંઘજી મંદિરથી વિધાધર નગર પહોંચી હતી, જેમાં મોટી સંખ્યામાં જૈન સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. લોકો કહે છે કે જૈન ઋષિ સમર્થ સાગર દ્વારા સમેદ શિખરને બચાવવા માટે આપેલું આ બલિદાન હંમેશા યાદ રહેશે
શા માટે વિરોધ છે?
દેશની વસ્તીમાં 0.4 ટકા હિસ્સો ધરાવતા જૈન સમુદાય ઝારખંડ સરકારના યાત્રાધામ સમ્મેત શિખરને પ્રવાસન સ્થળ બનાવવાના નિર્ણયથી નારાજ હતા. સમ્મેત શિખરને પ્રવાસન સ્થળ બનાવવા માટે માત્ર ઝારખંડમાં જ નહીં, પરંતુ દિલ્હી, જયપુર અને ભોપાલમાં પણ પ્રદર્શનો થઇ રહ્યા હતા.
સમગ્ર વિવાદ શું છે?
ઓગસ્ટ 2019 માં, કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રાલયે સમેદ શિખર અને પારસનાથ ટેકરીને ઇકો-સેન્સિટિવ ઝોન તરીકે જાહેર કર્યા હતા. આ પછી ઝારખંડ સરકારે તેને પર્યટન સ્થળ જાહેર કર્યું હતું . હવે આ યાત્રાધામને પર્યટનના હિસાબે ફેરવવાનું હતું. આ મુદ્દે જૈન સમાજનો વાંધો હતો. તેમણે કહ્યું કે આ એક પવિત્ર ધર્મસ્થાન છે અને પ્રવાસીઓના આવવાથી તે પવિત્ર નહીં રહે. જૈન સમાજને આશંકા હતી કે તેને પર્યટન સ્થળ બનાવવાથી અસામાજિક તત્વો પણ અહીં આવી જશે અને અહીં દારૂ અને માંસનું સેવન પણ થઇ શકે છે. જૈન સમાજની માંગ હતી કે આ સ્થળને ઇકો ટુરીઝમ તરીકે જાહેર કરવામાં ન આવે. જે ગતરોજ સરકારે સ્વીકારી લીધી હતી.
શા માટે સમ્મેદ શિખર આટલું મહત્વનું છે?
સંમેદ શિખર, જૈન ધર્મનું તીર્થસ્થાન, ઝારખંડના ગિરિડીહ જિલ્લામાં પારસનાથ ટેકરી પર આવેલું છે. આ ટેકરીનું નામ જૈનોના 23મા તીર્થંકર પારસનાથના નામ પરથી રાખવામાં આવ્યું છે. તે ઝારખંડના સૌથી ઊંચા શિખર પર આવેલું છે. એવું માનવામાં આવે છે કે જૈન ધર્મના 24માંથી 20 તીર્થંકરોએ અહીં નિર્વાણ પ્રાપ્ત કર્યું હતું, તેથી તે જૈનો માટે સૌથી પવિત્ર સ્થાનોમાંથી એક છે. આ ટેકરી પર ટોક્સ બનાવવામાં આવે છે, જ્યાં તીર્થંકરોના ચરણ હાજર છે. એવું માનવામાં આવે છે કે અહીંના કેટલાક મંદિરો બે હજાર વર્ષથી પણ જૂના છે. જૈન ધર્મમાં માનતા લોકો દર વર્ષે સંમેદ શિખરની મુલાકાત લે છે. લગભગ 27 કિલોમીટરની આ યાત્રા પગપાળા જ પૂરી કરવાની હોય છે. એવું માનવામાં આવે છે કે જીવનમાં ઓછામાં ઓછા એક વખત આ સ્થાનની મુલાકાત લેવી જોઇએ.