બાંગ્લાદેશમાં સામાન્ય ચૂંટણીઓને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે દેશભરમાં અશાંતિનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજધાની ઢાકામાં અજ્ઞાત હુમલાખોરોએ BNP નેતા અઝીઝુર રહેમાન મુસબ્બીરને સરાજાહેર ગોળી મારી હત્યા કરી છે. આ ઘટનાથી રાજકીય તણાવ વધુ ઘેરો બન્યો છે.
પોલીસના જણાવ્યા મુજબ આ હત્યાકાંડ ગઈ કાલે રાત્રે અંદાજે 8:30 વાગ્યે ઢાકાના વ્યસ્ત કારવાં બજાર વિસ્તારમાં આવેલી સુપર સ્ટાર હોટલ પાસે થયો હતો. હુમલાખોરોએ ભીડભાડવાળા વિસ્તારમાં મુસબ્બીરને ખૂબ નજીકથી પેટમાં ગોળી મારી હતી. જેના કારણે ગંભીર ઈજાઓને કારણે તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
આ અંધાધૂંધ ફાયરિંગ દરમિયાન અન્ય એક વ્યક્તિ પણ ઘાયલ થયો હતો. જેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરાયો છે અને હાલ તેની હાલત સ્થિર હોવાનું જણાવાયું છે.
મૃતક અઝીઝુર રહેમાન મુસબ્બીર બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટી (BNP)ની સ્વયંસેવી વિંગ ‘ઢાકા મેટ્રોપોલિટન નોર્થ સ્વેચ્છાસેવક દળ’ના પૂર્વ મહાસચિવ છે. તેમની હત્યા બાદ વિસ્તારમાં તણાવ ફેલાયો હતો. ઉશ્કેરાયેલા લોકોએ કારવાં બજારમાં રસ્તા પર ઉતરી આવી વિરોધ પ્રદર્શન શરૂ કર્યા હતા. જેના કારણે વાહનવ્યવહાર ઠપ્પ થયો હતો.
પરિસ્થિતિ વધુ વણસતી જોઈ બાંગ્લાદેશ આર્મીના જવાનોને રાત્રે લગભગ 10:30 વાગ્યે વિસ્તારમાં તૈનાત કરવામાં આવ્યા હતા. સેનાએ રસ્તો ખાલી કરાવી સ્થિતિ પર નિયંત્રણ મેળવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે બાંગ્લાદેશમાં 12 ફેબ્રુઆરીએ મતદાન થવાનું છે અને હાલ આચારસંહિતા અમલમાં છે. તેમ છતાં સતત થઈ રહેલી રાજકીય હત્યાઓ અને હિંસક ઘટનાઓને કારણે ચૂંટણીની સુરક્ષા અને લોકશાહી પ્રક્રિયા પર પ્રશ્નો ઉઠી રહ્યા છે.
ઢાકા મેટ્રોપોલિટન પોલીસના જણાવ્યા મુજબ હુમલાખોરોએ ઘટનાને અંજામ આપ્યા બાદ હવામાં અનેક રાઉન્ડ ફાયરિંગ કરીને વિસ્તારમાં દહેશત ફેલાવી હતી. આરોપીઓને પકડવા માટે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. જોકે હાલ સુધી કોઈ ધરપકડ થઈ નથી