National

સલમાન ખાનની હત્યાનો વધુ એક પ્રયાસ નિષ્ફળ, મુંબઇ પોલીસે 4ની અટકાયત કરી

મુંબઈઃ બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનની (Salman Khan) હત્યાના (Murder) નવા કાવતરાનો આજે 1 જૂનના રોજ પર્દાફાશ થયો હતો. આ કાવતરુ નવી મુંબઈના પનવેલમાં (Panvel) સલમાન ખાનની કાર પર હુમલો કરવા બાબતે ઘડવામાં આવ્યુ હતું. નવી મુંબઈ પોલીસે (Mumbai police) આ કાવતરું ઘડનારા 4 આરોપીઓની ધરપકડ કરી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર સલમાનને મારવા માટે પાકિસ્તાનથી હથિયાર લાવવામાં આવ્યા હતા. આ પ્લાન કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનો હતો. પ્લાન મુજબ લોરેન્સ બિશ્નોઈ ગેંગે નવી મુંબઈના પનવેલમાં સલમાન ખાનની કાર પર હુમલો કરવાની હતી. આ માટે પાકિસ્તાનના હથિયાર સપ્લાયર પાસેથી હથિયાર ખરીદવાની યોજના બનાવ્યા બાદ AK-47, M-16 અને AK-92 જેવા હથિયારો મંગાવવામાં આવ્યા હતા. તેમજ સૂત્રો પાસેથી માહિતી મળતા જ નવી મુંબઈ પોલીસે આ મામલામાં એફઆઈઆર નોંધીને 4 લોકોની ધરપકડ કરી હતી.

પનવેલમાં સલમાનની કાર ઉપર હુમલો કરવાની યોજના
મુંબઈને અડીને આવેલી નવી મુંબઈની પનવેલ પોલીસના જણાવ્યા મુજબ, લોકો લોરેન્સ બિશ્નોઈ ગેંગના હતા અને તેઓએ પનવેલમાં સલમાન ખાનની કાર પર હુમલો કરવાની યોજના બનાવી હતી. આ હુમલા માટે પાકિસ્તાનના હથિયાર સપ્લાયર પાસેથી હથિયારો ખરીદવાની યોજના હતી. તેમજ જ્યારે ઘટનાની માહિતી મળી ત્યારે નવી મુંબઈ પોલીસે આ મામલામાં એફઆઈઆર નોંધીને 4 લોકોની ધરપકડ કરી હતી. ત્યાર બાદ બિશ્નોઇ ગેંગના આ ચાર ગુર્ગાઓને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. ત્યારે કોર્ટે તમામ આરોપીઓને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા હતા. હાલ, પોલીસ આ કેસની તપાસ કરી રહી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, પોલીસને માહિતી મળી હતી કે જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ, તેના કેનેડા સ્થિત પિતરાઈ ભાઈ અનમોલ બિશ્નોઈ અને સહયોગી ગોલ્ડી બ્રાર સાથે મળીને એક હથિયારોના વેપારી પાસેથી AK-47, M-16 અને AK-92 સહિતનો દારૂગોળો ખરીદ્યો હતો. તેમજ આ ગેંગએ પાકિસ્તાન પાસેથી અત્યાધુનિક હથિયારો ખરીદીને અભિનેતા સલમાન ખાનની હત્યા કરવાનું કાવતરું ઘડ્યું હતું.

પોલીસે આ કેસમાં આઈપીસીની કલમ 115, 120(બી) અને 506(2) હેઠળ એફઆઈઆર નોંધી હતી. આ એફઆઈઆરમાં પોલીસે લોરેન્સ બિશ્નોઈ, અનમોલ બિશ્નોઈ, સંપત નેહરા, ગોલ્ડી બ્રાર, અજય કશ્યપ ઉર્ફે ધનંજય તપસિંગ, રોકી શૂટર, સતીશ કુમાર, સુખા શૂટર, સંદીપ બિશ્નોઈ ઉર્ફે ગૌરવ ભાટિયા, રોહિત ગોધરા, વસીમ ચેના, સિન્તુ કુમાર, ડોગર અને સિન્તુ કુમારને મુખ્ય આરોપી ગણાવ્યા છે. તેમજ વિશાલ કુમાર, સંદીપ સિંહ, રિયાઝ ઉર્ફે ચંદુ, કમલેશ શાહ અને અન્યને હુમલા માટે આરોપી બનાવવામાં આવ્યા છે.

Most Popular

To Top