સ્વાભાવિક રીતે રામાયણ પછી મહાભારતનો વારો આવે પણ મહાભારત તો મસમોટું વન છે, એ માટે જરા વધુ ધીરજ પણ જોઈએ. એ દરમિયાન પુરાણોની સૃષ્ટિમાં વિહાર કરીએ. અહીં માત્ર કથાવાર્તાઓ નથી પરંતુ ભારતીય સંસ્કૃતિના આરોહઅવરોહ છે. ઈશ્વરની નિર્ગુણ-નિરાક્ષર સ્વરૂપે સ્તુતિ કરવાનું સામાન્ય માનવી માટે શક્ય નથી, એને તો મૂર્ત આકાર જોઈએ, ઈશ્વરની મૂર્તિ જોઈએ. અદ્વૈતનું તત્ત્વજ્ઞાન અતિ સમૃદ્ધ પણ સામાન્ય માનવીને એ પચે નહીં. વળી બધા જ પ્રાકારની પ્રજાને ધર્મ તરફ વાળવી હોય તો કોઈ બીજો માર્ગ ગ્રહણ કરવો જોઈએ એવું ઘણાને લાગવા માંડ્યું હશે અને એટલે ભક્તિ સંપ્રદાયનો ઉદય થયો.
પ્રજાને જે જોઈતું હતું તે મળી ગયું. કોઈ અનામી સર્જકે શ્રીમદ્દ ભાગવતની રચના કરી. આમ તો એના કર્તા તરીકે વ્યાસનું નામ સગવડ ખાતર આપવામાં આવે છે પરંતુ મહાભારત સાથે વ્યાસનું નામ સંક્ળાયું હોવા છતાં આ મહાકાવ્ય કોઈ એક કવિની રચના નથી, હોઈ પણ ન શકે. એટલે જે નામી-અનામી સર્જકોએ આ કાવ્યોની રચના કરી તેને કારણે ભારતીય સંસ્કૃતિ ટકી રહી, સમૃદ્ધ થઈ. અહીં હવેથી ભારતીય પ્રજાને ચેતનવંતી રાખનારાં પુરાણોમાં વિહાર કરીશું, આરંભ શ્રીમદ્દ ભાગવતથી કરીશું.
આ બધા જ પ્રાચીન સાહિત્યગ્રંથો કેટલા ઉપકારક છે, લાભદાયી છે એની વાતો અવારનવાર કરવામાં આવી છે. પ્રાચીન કાળથી માંડીને મધ્યકાળ સુધી ગ્રંથોના લાભ-સ્થૂળ અને સૂક્ષ્મ વર્ણવ્યા છે. સાહિત્ય સિધ્ધાંતોમાં પણ સાહિત્ય દ્વારા થતી ફળશ્રુતિ વર્ણવાઈ છે. એવું કહેવામાં આવ્યું છે કે શ્રીમદ્દ ભાગવત દરેક વૈષ્ણવને ત્યાં હોવું જોઈએ. આપણે આજની તારીખે જોઈ શકીએ છીએ કે ભારતની પ્રજા મોટે ભાગે ધર્મભીરુ છે. વીસમી સદીના છસાત દાયકા સુધી તો ઠેર ઠેર ધર્મકથાઓ કહેવાતી રહી, ત્યાર પછી પણ કથાવાર્તાઓમાં પ્રજાનો મોટો સમૂહ જોડાતો રહ્યો. કળિયુગમાં આત્માની ઉન્નતિ માટે શું કરવું?
નારદ જેવા નારદ પણ અસ્વસ્થ, અશાંત થઈ ગયા હતા કારણ કે કોઈના પર વિશ્વાસ મૂકી શકાય એવી સ્થિતિ નથી. ભાગવતમાં પણ સ્વીકારાયું કે સાધુસંતો સુધ્ધાં પાખંડી, સ્વાર્થી, દંભી થઈ ગયા છે. આજે તો આ પાખંડનું પ્રમાણ અતિશય વધી ગયું છે, કોઈ વિદ્વાન નથી, જ્ઞાની નથી, બધાં જ લોકો લક્ષ્મીદાસ બની ગયા છે. નારદ પોતાનો અનુભવ વર્ણવે છે. એક વેળા મેં એક દુ:ખી સ્ત્રી જોઈ, તેની પાસે બે વૃધ્ધ-જ્ઞાન અને વૈરાગ્ય રૂપી વૃધ્ધો હતા. એ શું કહે છે? ‘હું દ્રવિડ દેશમાં જન્મી, કર્ણટકમાં વિકસી, મહારાષ્ટ્રમાં મારો આદર થયો પણ ગુજરાતમાં હું વૃધ્ધ થઈ ગઈ.’ આનો અર્થ શો ઘટાવવો? ( એક કહેણી પ્રચલિત છે. પંજાબમાં વીરતા, મહારાષ્ટ્રમાં વિદ્વત્તા, બંગાળમાં બુદ્ધિ પૂજાય છે અને ગુજરાતમાં? ગુજરાતમાં ઢોંગ પૂજાય છે.)
આ સ્ત્રી વૃંદાવનમાં આવીને નવયૌવના થઈ ગઈ પણ પુત્રો તો વૃદ્ધ જ રહ્યા. નારદે આ સ્ત્રીને ધીરજ બંધાવીને કળિયુગમાં હરિકીર્તનનો મહિમા સમજાવ્યો. વર્તમાન જીવનમાં લોકો અધર્મી થઈ ગયા છે. પણ પ્રહલાદ, ધ્રુવ, દ્રૌપદીનાં દૃષ્ટાંત આપીને કહ્યું કે શ્રીકૃષ્ણની ભક્તિ કરવાથી બધાં દુ:ખ દૂર થઈ જશે. આમ ભક્તિનો ભારે મહિમા નારદ ઋષિએ ગાયો. વિષ્ણુને કે શ્રીકૃષ્ણને સાધવાથી બધાં દુ:ખ દૂર થઈ જાય. ભક્તિના કહેવાથી નારદ ઋષિએ જ્ઞાન અને વૈરાગ્યમાં ચેતના પ્રગટાવવાનો પ્રયત્ન કર્યો. પણ સફળ ન થયા. અનેક તીર્થોમાં ભટકી ભટકીને છેવટે બદરી વનમાં સનક ઋષિઓને મળ્યા અને તેમણે શ્રીમદ્દ ભાગવત કથાનો ઉપાય બતાવ્યો એટલે તેમણે ગંગાકાંઠે આવેલા હરિદ્વારમાં આ કથા – વાર્તા કરવા જણાવ્યું અને પછી તો બધા ઋષિમુનિઓ પરિવાર સાથે ઉપસ્થિત થયા અને સનક મુનિઓએ ભાગવત મહિમા સમજાવ્યો.
ભક્તિ પણ ત્યાં આવી અને ભક્તોના હૃદયમાં પ્રવેશી, આ જોઈને વિષ્ણુ ભગવાન પણ ત્યાં આવી ચઢ્યા. એવો પ્રચાર થયો કે બધા પાપી, મૂર્ખ ભાગવત શ્રવણથી રૂપાંતરિત થઈ ગયા. હવે આજે આપણે વિજ્ઞાન-ટેક્નોલોજીના જમાનામાં જીવીએ છીએ. કથાવાર્તાઓમાં જોવા મળેલા, સાંભળેલા કોઈ ચમત્કારને હવે કશો અવકાશ નથી, જે અંધશ્રદ્ધા ધરાવતા હોય તેઓ જ ચમત્કારો પર વિશ્વાસ કરી શકે, તો વાતને સમજવી કેવી રીતે? મૂળમાં તો જે સંસારમાં આપણે રહીએ છીએ, જે માનવીઓને મળીએ છીએ તેમના પ્રત્યે આપણો વ્યવહાર કેવો છે? કરુણા, અનુકંપા, ઉદારતા, પ્રેમ જેવાં મૂલ્યોને સ્વીકારીને જો ચાલીએ તો જાતનો સાચો પરિચય થાય અને પછી ધીરે ધીમે જગતનો પરિચય પણ થાય.
ઋષિમુનિ માત્ર જ્ઞાની નથી, તેઓ કથાકાર પણ છે. એટલે કથાવાર્તાઓ દ્વારા તે સામાન્ય માનવીને સાચા માર્ગે વાળવા માગે છે એટલે કથાવાર્તાનો આરંભ થાય છે. ભલે અખા ભગતે કહ્યું કે કથા સાંભળી ફૂટ્યા કાન-પણ કથાવાર્તાઓ આપણા હૃદયને સ્પર્શતી હોય છે, અને એટલે જ ઈ.સ. પૂર્વેથી કથાઓ દુનિયાભરમાં કહેવાતી આવી છે.