દેશમાં આવતીકાલથી રાષ્ટ્રીય ધોરીમાર્ગો અને એક્સપ્રેસવે પર વાર્ષિક FASTag પાસ સુવિધા શરૂ થઈ રહી છે. આ યોજનામાં ફક્ત રૂ.3,000માં એક વર્ષ માટે અથવા 200 મુસાફરી માટે હાઈવે પર મુસાફરી કરી શકાશે.
કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ થોડા સમય પહેલા આ યોજના જાહેર કરી હતી. આ પાસ તા.15 ઑગસ્ટ 2025થી અમલમાં આવશે અને તેનો હેતુ મુસાફરોનો ખર્ચ અને સમય બંને બચાવવાનો છે.
કયા વાહનોને પાસ મળશે?
આ વાર્ષિક FASTag પાસ ફક્ત નોન-કોમર્શિયલ ખાનગી વાહનો માટે ઉપલબ્ધ રહેશે. તેમાં કાર, વાન અને જીપનો સમાવેશ થાય છે. ટ્રક, બસ અને અન્ય કોમર્શિયલ નાના વાહનો માટે આ સુવિધા લાગુ નહીં થાય.
આ પાસ ક્યાં-ક્યાં માન્ય રહેશે?
આ પાસ સમગ્ર દેશમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગો અને એક્સપ્રેસવે પર માન્ય રહેશે. તેનો ઉપયોગ જારી થતી તારીખથી એક વર્ષ સુધી અથવા 200 મુસાફરી સુધી થઈ શકશે. પાસ હાઈવે ટ્રાવેલ એપ, નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI)ની વેબસાઇટ અને માર્ગ પરિવહન મંત્રાલય (MoRTH)ની વેબસાઇટ પરથી મેળવી શકાશે.
આ સુવિધાનો સૌથી મોટો ફાયદો તેઓને મળશે જે વારંવાર એક રાજ્યથી બીજા રાજ્યમાં હાઈવે મારફતે મુસાફરી કરે છે. હાલની સિસ્ટમમાં વારંવાર FASTag રિચાર્જ કરવું પડે છે, જેના કારણે હજારો રૂપિયા ટોલમાં ખર્ચ થાય છે. હવે આ પાસથી ફક્ત એક વખત રૂ.3,000 ચૂકવીને આખું વર્ષ અથવા 200 મુસાફરી સુધી મુસાફરી શક્ય બનશે.
આ યોજનાથી ટોલ પરની લાંબી કતારો ઓછી થશે, ટ્રાફિકમાં રાહત મળશે અને મુસાફરોનો કિંમતી સમય પણ બચશે. સરકારનું માનવું છે કે આ સુવિધાથી દેશના વાહન પરિવહન વ્યવસ્થામાં ઝડપ અને સુવિધા બંનેમાં વધારો થશે.