Sports

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ અને ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત

નવી દિલ્હી: આવતા મહિને ન્યુઝીલેન્ડ (New Zealand) સામે રમાનારી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ(WTC)ની ફાઇનલ તેમજ ઇંગ્લેન્ડ સામેની પાંચ ટેસ્ટની સીરિઝ (ENGLAND TEST SERIES) માટે શુક્રવારે 20 સભ્યોની મજબૂત ભારતીય ટીમ (INDIAN TEAM)ની જાહેરાત કરવામાં આવી ત્યારે તેમાં ફરીથી ફિટ થઇ ગયેલા રવિન્દ્ર જાડેજા અને રિદ્ધિમાન સાહા તેમજ મહંમદ શમીની વાપસી થઇ છે અને તે સિવાય કોઇ મોટો આશ્ચર્યજનક ફેરફાર કરાયો નથી.

પસંદગીકારોએ વિકેટકીપર રિદ્ધિમાન સાહા અને કેએલ રાહુલને ટીમમાં ફિટનેસ ટેસ્ટ પાસ કરવાની શરતે સામેલ કર્યા છે. 20 સભ્યોની આ ટીમમાં હાર્દિક પંડ્યાને સામેલ કરાયો નથી, અને પૃથ્વી શોનું નામ પણ વિચારણામાં લેવાયું નથી. આઉટ ઓફ ફોર્મ સ્પિનર કુલદીપ યાદવ અને ઝડપી બોલર નવદીપ સૈનીને બહાર કરવામાં આવ્યા છે. ભારતીય ટીમ 18થી 22 જૂન દરમિયાન ન્યુઝીલેન્ડ સામે ઇંગ્લેન્ડના સાઉધેમ્પ્ટન ખાતે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ રમશે. ભારતીય ટીમ આવતા મહિને આઇસીસીની પહેલી ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ રમવા માટે ઇંગ્લેન્ડ રવાના થશે.

20 સભ્યોની ટીમમાં મોટાભાગના ઓસ્ટ્રેલિયા-ઇંગ્લેન્ડ સામે રમનારા ખેલાડી
પસંદગીકારોએ આજે જાહેર કરેલી 20 સભ્યોની ભારતીય ટીમમાં મોટાભાગના ખેલાડી ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ સામે હાલમાં રમી ચુક્યા છે. ઇજા પછી ટીમમાં વાપસી કરનારા ઇશાંત શર્મા, મહંમદ શમી, ઉમેશ યાદવ, રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા અને હનુમા વિહારીના નામ તેમાં સામેલ છે. આ ઉપરાંત ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ સામેની સીરિઝમાં સારું પ્રદર્શન કરવાનું શાર્દુલ ઠાકુર અને વોશિંગ્ટન સુંદર તેમજ અક્ષર પટેલને ઇનામ મળ્યું છે.

WTC ફાઇનલ અને ઇંગ્લેન્ડ સામેની સીરિઝ માટે ભારતીય ટીમ 2 જૂને ઇંગ્લેન્ડ રવાના થશે
અહેવાલો અનુસાર ભારતીય ટીમ 2 જૂને ઇંગ્લેન્ડ જવા રવાના થશે. ત્યાં 18થી 22 જૂન દરમિયાન ન્યુઝીલેન્ડ સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ રમશે. તે પછી ભારતીય ટીમ અને ઇંગ્લેન્ડ વચ્ચે 4 ઓગસ્ટથી 14 સપ્ટેમ્બર દરમિયાન પાંચ ટેસ્ટની સીરિઝ રમાશે. જેમાં 4 ઓગસ્ટથી નોટિંગગામમાં પહેલી ટેસ્ટ રમાશે, તે પછી 12થી 16 ઓગસ્ટ દરમિયાન લોર્ડસમાં બીજી, 25થી 29 ઓગસ્ટ દરમિયાન લીડ્સમાં ત્રીજી, 2થી 6 સપ્ટેમ્બર દરમિયાન ઓવલમાં ચોથી અને 10થી 14 સપ્ટેમ્બર દરમિયાન માન્ચેસ્ટરમાં પાંચમી ટેસ્ટ રમાશે

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ અને ઇગ્લેન્ડ પ્રવાસ માટેની ભારતીય ટીમ
વિરાટ કોહલી (કેપ્ટન), અજિંકેય રહાણે, રોહિત શર્મા, શુભમન ગીલ, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પુજારા, હનુમા વિહારી, ઋષભ પંત (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, જસપ્રીત બુમરાહ, ઇશાંત શર્મા, મહંમદ શમી, મહંમદ સિરાજ, શાર્દુલ ઠાકુર, ઉમેશ યાદવ. (કેએલ રાહુલ અને રિદ્ધિમાન સાહા ફિટનેસ ટેસ્ટ પાસ કરવાની શરતે)

પંસદગીકારોએ પસંદ કરેલા સ્ટેન્ડબાયમાં ઉમરગામના અર્ઝાન નગવસવાલાનો સમાવેશ
ભારતીય ટીમના પસંદગીકારોએ આજે ન્યુઝીલેન્ડ સામેની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ તેમજ ઇંગ્લેન્ડ સામેની પાંચ ટેસ્ટની સીરિઝ માટે ટીમની આજે પસંદગી કરી ત્યારે તેની સાથે જ ચાર ઝડપી બોલરોની સ્ટેન્ડબાય તરીકે પસંદગી કરવામાં આવી છે. જેમાં ઉમરગામ નારગોલના પારસી ખેલાડી અર્ઝાન નગવસવાલાનો પણ નંબર લાગ્યો છે. તેની સાથે અભિમન્યુ ઇશ્વરન, પ્રસિદ્ધ કૃષ્ણા અને અવેશ ખાનને પણ સ્ટેન્ડ બાય તરીકે પસંદ કરવામાં આવ્યા છે.

Most Popular

To Top