Editorial

મહારાષ્ટ્રની ચૂંટણી માટે ઉમેદવારોની જાહેરાત શરૂ, મહાયુતિ માટે કપરી પરિસ્થિતિના એંધાણ

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગવાના શરૂ થઈ ગયા છે. મહારાષ્ટ્રમાં આ વખતે છથી વધુ પાર્ટી ચૂંટણી લડી રહી છે. ભૂતકાળમાં ક્યારેય આ રીતે છ જેટલી મોટી પાર્ટીઓ ચૂંટણી લડતી નહોતી. છ-છ પાર્ટીઓ પૈકી ત્રણ-ત્રણ પાર્ટી ગઠબંધન કરીને ચૂંટણી લડી રહી હોવાથી આ વખતે ખરાખરીનો જંગ થવાનો છે. હરિયાણામાં ગઠબંધન નહીં કરીને હારી ચૂકેલી કોંગ્રેસ હવે સત્ય સમજી ચૂકી છે અને તેને કારણે મહારાષ્ટ્રમાં કોંગ્રેસે લાંબી માથાકૂટ વિના ગઠબંધન કરી લીધું છે.

  મહારાષ્ટ્ર વિધાનસભાનો કાર્યકાળ 26 નવેમ્બર 2024 ના રોજ પુરો થાય છે. મહારાષ્ટ્રમાં મહાયુતિ એટલે કે શિવસેના, ભાજપ અને એનસીપી અજિત પવાર જૂથની સરકાર છે. જ્યારે તેની સામે કોંગ્રેસ, શિવસેના (ઉદ્ધવ ઠાકરે) અને એનસીપી (શરદ પવાર)નું ગઠબંધન ચૂંટણી લડી રહ્યું છે. આ વખતની ચૂંટણીમાં એન્ટીઈનકમ્બેંસી અને છ મોટા પક્ષો વચ્ચે મતોનું વિભાજન ભાજપ સહિતના સાથીપક્ષો માટે મોટો પડકાર હશે.

2019માં ભાજપે 105 અને શિવસેનાએ 56 બેઠક જીતી હતી. જ્યારે ગઠબંધનમાં રહેલા એનસીપીને 54 અને કોંગ્રેસને 44 બેઠક મળી હતી. તે સમયે ભાજપ અને શિવસેનાની સરકાર આવે તેવું હતું પરંતુ મતભેદને કારણે આ ગઠબંધન તૂટી જતાં સત્તા પર કોંગ્રેસ અને એનસીપીના ટેકાથી શિવસેનાએ સરકાર બનાવી હતી. આમ તો 23 નવેમ્બર 2019 ના રોજ, ફડણવીસે મુખ્યમંત્રી અને અજિત પવારે નાયબ મુખ્યમંત્રી પદના શપથ લીધા. પરંતુ બંનેએ બહુમત પરીક્ષણ પહેલા 26 નવેમ્બર 2019ના રોજ રાજીનામું આપી દીધું હતું. 28 નવેમ્બર 2019 ના રોજ, શિવસેના, એનસીપી અને કોંગ્રેસની મહા વિકાસ અઘાડી સત્તામાં આવી.

આ પછી શિવસેના અને એનસીપી વચ્ચે બળવો થયો અને 4 પક્ષો બની ગયા હતા. જોકે, હવે તેમાંથી પણ બે નવા પક્ષોની રચના થઈ જતાં છ પક્ષો વચ્ચે ચૂંટણી જંગ ખેલાઈ રહ્યો છે. અત્યાર સુધીમાં ભાજપ સહિતના પક્ષોની મહાયુતિએ 182 ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે.  જેમાં ભાજપના 99, શિવસેના (શિંદે જૂથ)ના 45 અને અજીત જૂથના 38 ઉમેદવારોના નામ સામેલ છે. જ્યારે કોંગ્રેસ, એનસીપી (શરદ પવાર) અને શિવસેના (ઉદ્ધવ ઠાકરે) દ્વારા 85-85-85 બેઠક માટે સમજૂતિ કરીને ઉદ્ધવ ઠાકરે પોતાના ઉમેદવારોની જાહેરાત કરવા માંડી છે.

18 બેઠકો મહાવિકાસ અઘાડીએ અન્ય પક્ષો માટે છોડી દીધી છે. મહારાષ્ટ્રની ચૂંટણી લોકસભાની દ્રષ્ટિએ પણ મહત્વની ગણવામાં આવે છે. મહારાષ્ટ્રમાં લોકસભાની 48 બેઠક છે. જે દેશમાં ત્રીજા ક્રમે છે. તાજેતરમાં 2024ની લોકસભા ચૂંટણીમાં મહારાષ્ટ્રની 48 બેઠકોમાંથી INDIA ગઠબંધનને 30 અને NDAને 17 બેઠકો મળી હતી. જેમાં ભાજપને 9, શિવસેનાને 7 અને એનસીપીને માત્ર 1 સીટ મળી છે. ભાજપે 23 બેઠકો ગુમાવી છે. 2019ની લોકસભા ચૂંટણીમાં NDAને 41 બેઠકો મળી હતી.

2014માં આ આંકડો 42 હતો. એટલે કે અડધા કરતાં પણ ઓછો થઈ ગયો છે. જે હાલની વિધાનસભાની ચૂંટણીમાં પણ ભાજપ માટે ચિંતાનું કારણ છે. જો 2024ની લોકસભા ચૂંટણીના પરિણામોને જોવામાં આવે તો આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં  ભાજપની લગભગ 60 જેટલી સીટ ઘટી જવાની સંભાવના છે. વિપક્ષી ગઠબંધન દ્વારા જે સરવે કરવામાં આવ્યો છે તેમાં મહાવિકાસ અઘાડીને રાજ્યની 288 બેઠકોમાંથી 160 બેઠકો મળવાનો અંદાજ છે.

બીજી તરફ એવું મનાય છે કે ભાજપ માટે મરાઠા આંદોલન સૌથી મોટો પડકાર છે. બીજી તરફ શિવસેના અને એનસીપીમાં થયેલી જોડતોડ પછી લોકોને ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર પ્રત્યે સહાનુભૂતિ છે તેવું જોવા મળી રહ્યું છે. મહારાષ્ટ્રની ચૂંટણી ભાજપ માટે મોટા ટેસ્ટ સમાન છે. જ્યારે આ ચૂંટણી એકનાથ શિંદે અને અજીત પવાર-પ્રફુલ્લ પટેલનું ભાવિ નક્કી કરશે. જો મહાયુતિ આ ચૂંટણી નહીં જીતે તો હાલના ગઠબંધનોમાં પણ ફેરફાર થાય તેવી પુરી સંભાવના છે.

Most Popular

To Top