Gujarat

ઉમરેઠ વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણીની જાહેરાત

ગાંધીનગર: દેશના પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી સાથે ગુજરાતમાં પણ ચૂંટણીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આણંદ જિલ્લાના ઉમરેઠ વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી યોજવાની જાહેરાત ભારતના ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવી છે.ઉમરેઠના ભાજપના ધારાસભ્ય ગોવિંદ પરમારના અવસાનને કારણે ખાલી પડેલી બેઠક પર હવે ૨૩ એપ્રિલ, ૨૦૨૬ના રોજ મતદાન યોજાશે અને ૪ મે, ૨૦૨૬ના રોજ મતગણતરી બાદ પરિણામ જાહેર કરવામાં આવશે.

ચૂંટણી કાર્યક્રમ અનુસાર ૩૦ માર્ચ, ૨૦૨૬ના રોજ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવશે. ઉમેદવારો ૬ એપ્રિલ, ૨૦૨૬ સુધી ઉમેદવારી પત્રક ભરી શકશે. ૭ એપ્રિલે ઉમેદવારી પત્રોની તપાસ કરવામાં આવશે, જ્યારે ૯ એપ્રિલ સુધી ઉમેદવારી પરત ખેંચવાની સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે. ચૂંટણી પંચે જાહેર કરેલા કાર્યક્રમ મુજબ ૧૫ માર્ચ, ૨૦૨૬થી આ બેઠક માટે આદર્શ આચાર સંહિતા અમલમાં આવી ગઈ છે.

ઉલ્લેખનીય છે કે ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારનું તાજેતરમાં હૃદયરોગના હુમલા બાદ નિધન થયું હતું. તેઓ લાંબા સમયથી અસ્વસ્થ હતા અને સારવાર દરમિયાન તેમનું અવસાન થયું હતું. ગોવિંદભાઈ પરમાર મધ્ય ગુજરાતમાં ભારતીય જનતા પક્ષના મજબૂત નેતા તરીકે જાણીતા હતા. તેઓ ૨૦૧૭ અને ૨૦૨૨ની વિધાનસભા ચૂંટણીમાં સતત બે વખત ઉમરેઠ બેઠક પરથી ચૂંટાઈ આવ્યા હતા. સહકારી ક્ષેત્ર અને સંગઠનમાં પણ તેમનું નોંધપાત્ર પ્રભુત્વ રહ્યું હતું.

આ દરમિયાન દેશના પશ્વિ બંગાળ , કેરળ, આસામ,તામિલ નાડુ અને પોન્ડુચેરીમાં વિધાનસભા ચૂંટણીના કાર્યક્રમની પણ જાહેરાત કરવામાં આવી છે. પાંચેય રાજ્યોના ચૂંટણી પરિણામો ૪ મેના રોજ જાહેર કરવામાં આવશે. આ રીતે દેશના વિવિધ રાજ્યો સાથે ગુજરાતમાં પણ ચૂંટણીનો રાજકીય માહોલ ગરમાયો છે.

Most Popular

To Top