અમદાવાદ: કોંગ્રેસના મોટા નેતા ભરતસિંહ સોલંકીનો બે દિવસ અગાઉ વિડીયો વાયરલ થયો હતો. જે બાદ વિવાદ શરુ થતા તેઓએ પત્રકાર પરિષદ કરીને ખુલાસા આપ્યા હતા તેમજ રાજકીય સંન્યાસની જાહેરાત કરી છે. તેમણે જાહેરાત કરી કે, સક્રિય રાજનીતિમાંથી હું થોડો સમય બ્રેક લેવાનો છું. સામાજિક સંગઠન માટે હું કામ કરતો રહીશ.
મને કોરોના થયો તો પણ તેમને મારા રૂપિયામાં રસ હતો: ભરતસિંહ
ભરતસિંહ સોલંકીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, આજે મેં વિચાર કર્યો છે કે સક્રિય રાજકારણમાંથી મારે વિરામ લેવો છે. આ નિર્ણય મારો પોતાનો અંગત નિર્ણય છે. પત્ની સાથેનાં વિવાદ મામલે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે, મારી પત્નીને મારી મિલકતમાં રસ છે. મને કોરોના થયો હતો ત્યારે અહેમદ પટેલે મદદ કરી. મને વડોદરાથી અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં લઈ આવ્યા. મેં જેને છૂટાછેડા આપવા માટે અરજી કરી તેણે મારા પિતાને કહ્યું હતું કે હવે ભરત નહીં બચે. મને એ હોસ્પિટલમાં મળવા આવ્યા ત્યારે એક જ વાત કરતાં હતાં કે તમે મરી જશો તો મારું શું થશે. તેને મારા રૂપિયા ક્યાં છુપાયેલા છે એ શોધવામાં જ રસ હતો. મારા મૃત્ય બાદ બધી મિલકત તો તેને જ મળવાની હતી. તેમ છતાં તે દોરાધાગા કરાવીને હું ક્યારે મરીશ એવું પૂછે છે.
મારે ત્રીજા લગ્ન પણ કરવા છે: ભરતસિંહ
બે દિવસ આગાઉ વાયરલ થયેલા વિડીયો અંગે તેઓએ ખુલાસો કરતા જણાવ્યું હતું કે, એ વિડીયો આણંદના મકાનનો હતો ત્યાં હું આઈસક્રીમ ખાવા ગયો હતો. તે યુવતીનું ઘર હતું અને આ ટોળું ત્યાં આવી ગયું હતું. મને દુઃખ થાય છે કે વ્યક્તિગત જીવનની જાહેરમાં ચર્ચા કરવી પડે છે. માટે જ મારે મીડિયાની સામે આવવું પડ્યું. મને કોઈ સ્વીકારવા તૈયાર હશે તો મારા ત્રીજા લગ્ન પણ થશે. હું મારા છૂટાછેડાની રાહ જોઈ રહ્યો છું. મને વિચાર થાય કે કોઈની સાથે મારા લગ્ન થાય તો તેના પરિવારે નક્કી કરવાનું કે મારી સાથે લગ્ન કરવા દે કે નહીં.