Gujarat

વડોદરા સહિત રાજ્યની ૧૬ મનપામાં ૨૧-૨૨ માર્ચે ‘અન્ન મહોત્સવ’

ગાંધીનગર: રાજ્યમાં તા. ૨૧ અને ૨૨ માર્ચે “શ્રી અન્ન મહોત્સવ અને પ્રાકૃતિક ખેડૂત બજાર-૨૦૨૬”નું રાજ્યવ્યાપી આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે માહિતી આપતા રાજ્યના કેબિનેટ પ્રવક્તા અને કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, રાજ્ય કક્ષાનો મુખ્ય કાર્યક્રમ અમદાવાદના સાબરમતી નદી કિનારે યોજાશે, જ્યારે અમદાવાદ સહિત રાજ્યની ૧૬ મહાનગરપાલિકાઓમાં એકસાથે આ મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. તેમાં સુરત, વડોદરા, રાજકોટ, ગાંધીનગર, ભાવનગર, જામનગર, જૂનાગઢ, નવસારી, વાપી, નડિયાદ, મહેસાણા, સુરેન્દ્રનગર, મોરબી, પોરબંદર અને ગાંધીધામ શહેરોનો સમાવેશ થાય છે.

બે દિવસીય આ મહોત્સવ દરમિયાન અમદાવાદમાં અંદાજે ૮૫ સ્ટોલ અને અન્ય શહેરોમાં કુલ ૬૨૦ સ્ટોલ ખેડૂત મંડળીઓ, ઉત્પાદક સંગઠનો અને ખેડૂતોને વિનામૂલ્યે ફાળવવામાં આવ્યા છે. આથી ખેડૂતોને તેમના ઉત્પાદનો સીધા ગ્રાહકો સુધી પહોંચાડવાની અને યોગ્ય ભાવ મેળવવાની તક મળશે. મહોત્સવમાં શ્રી અન્ન પ્રદર્શન, ખાદ્ય ઉત્સવ, કૃષિ તકનીકી વિસ્તાર, નવી કૃષિ પહેલો તેમજ મહિલા ઉદ્યોગ સાહસિકોના સ્ટોલ મુખ્ય આકર્ષણ બનશે. નાગરિકો અહીં પૌષ્ટિક અનાજની વિવિધ બનાવટો ખરીદી શકશે અને તાજી તેમજ સ્વસ્થ વાનગીઓનો સ્વાદ માણી શકશે. વાઘાણીએ વધુમાં જણાવ્યું હતું કે, શ્રી અન્ન ઓછા પાણીમાં અને રાસાયણિક ખાતર વગર પણ ઉગી શકે છે, જેથી પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે છે. રાજ્ય સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતોની આવકમાં વધારો કરવાનો અને પર્યાવરણને અનુકૂળ ખેતીને આગળ વધારવાનો છે. આ મહોત્સવ કૃષિ ક્ષેત્રમાં નવી દિશા આપશે અને ખેડૂતો તેમજ નાગરિકો માટે લાભદાયી સાબિત થશે.

Most Popular

To Top