Dakshin Gujarat Main

અંકલેશ્વરના યુવાનની દરિયાદિલી, યુદ્ધમાં ફસાયેલા 6 ભારતીય યુવાનોને પોલેન્ડમાં આશરો આપ્યો

અંકલેશ્વર: પોલેન્ડમાં રહેતા મૂળ અંકલેશ્વરના એક યુવાને પણ 6 ભારતીય યુવાનોને પોતાના ઘરે આશરો આપ્યો હતો. મૂળ અંકલેશ્વરના સેલારવાડનો વતની વસીમ આશિક શેખ નામનો યુવાન હાલ પોલેન્ડમાં રહે છે. રશિયા અને યુક્રેન વચ્ચેના ભીષણ યુદ્ધમાં યુક્રેનમાં ભણતા ભારતીય વિદ્યાર્થીઓ ભારે નિરાધાર હાલતમાં મુકાઈ ગયા છે અને બોર્ડર ક્રોસ કરી પોલેન્ડ, રોમાનિયા, હંગેરી, સ્લોવેકિયા જેવા દેશોમાં આશ્રય લઇ રહ્યા છે. આવા કપરા સમયમાં ભારતીયો પણ ભારતીયોની મદદ કરવામાં પાછું વળીને જોતા નથી. યુક્રેનની લ્વીવ સ્ટેટ યુનિવર્સિટી ઓફ ફિઝિકલ કલ્ચરમાં અભ્યાસ કરતા ભરૂચના ત્રણ યુવાનો એઝાઝ હુસૈન મુનશી, હુસેન, નાખુદા અને કાજી મુજમીલ તથા કીવ નેશનલ યુનિવર્સિટી ઓફ કલ્ચર એન્ડ આર્ટસમાં અભ્યાસ કરતા અમદાવાદના કમલનયન તથા હૈદરાબાદના સફીર સૈયદ સહિત છ યુવાન મહા મહેનતે યુક્રેનની બોર્ડર પાર કરી પોલેન્ડ પહોંચ્યા હતા.

કોર્કઝોવા-ક્રેકોવેત્સ બોર્ડર પર પહોંચેલા આ યુવાનો અંગે વસીમ શેખને જાણકારી મળતાં પોતાના ઘરથી ૫૪૫ કિલોમીટર દૂર હોવા છતાં આ યુવાનોને મદદરૂપ થવા અને લેવા માટે તુરંત જ તે પહોંચી ગયો હતો અને યુવાનોને પરત લાવીને પોતાના ઘરે રાખ્યા છે. પોલેન્ડમાં મૂળ ભારતીય વસીમ શેખનો આશ્રય મળતાં તમામ યુવાનો ખૂબ જ રાહતની લાગણી અનુભવી રહ્યા છે અને પરત વતન આવવા માટે પ્રયત્નશીલ પણ બન્યા છે. ભારત સરકારની સાથે સાથે જ યુક્રેનની આસપાસના દેશોમાં રહેતા મૂળ ભારતીય લોકો તરફથી ભારતના વિદ્યાર્થીઓને જે મદદ અને સહાય મળી રહી છે, એ ખરેખર પ્રશંસનીય છે અને માનવીય સંવેદનાનું ઉત્તમ ઉદાહરણ છે.

ઓલપાડના ખેડૂત પરિવારની દીકરી ૮ દિવસે પરત ફરી
ગતરોજ ઓલપાડ તાલુકાના સરોલી ગામના ખેડૂત પરિવારની દીકરી યુક્રેનથી સહીસલામત ભારત પરત ફરી હતી અને તેનું પરિવાર સાથે મિલન થતાં હૃદયદ્રાવક દૃશ્યો સર્જાયાં હતાં. તેમજ ગ્રામજનોએ તેનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. પ્રાપ્ત માહિતી મુજબ ઓલપાડના સરોલીના ખેડૂત ભગવતી ઈશ્વર પટેલની દીકરી દિનલ પટેલ ધો.12 સાયન્સ પરીક્ષામાં ડિસ્ટ્રિક્શન સાથે પાસ કરી ડોક્ટર બનવા માટે યુક્રેનમાં ચેનવિસ્ટી શહેરમાં બુકો વિનિયન સ્ટેટ મેડિકલ કોલેજમાં MBBSના અભ્યાસ અર્થે ગત 3જી ડિસેમ્બરે ભારતથી યુક્રેન રવાના થઈ હતી. જો કે, ત્રણ માસ બાદ રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ફાટી નીકળતાં ભારતીયોની હાલત અત્યંત કફોડી બની હતી.

૧૦ કિલોમીટર પદયાત્રા કરી રોમાનિયા બોર્ડર પહોચ્યા : દિનેલ
દિનલે જણાવ્યું હતું કે, યુદ્ધની શરૂઆત થતાં બુકો વિનિયન સ્ટેટ મેડિકલ કોલેજના વહીવટી વિભાગે 24 ફેબ્રુઆરીએ તમામ ભારતીય વિદ્યાર્થીઓને એરપોર્ટ જવા બસની સુવિધા ઉપલબ્ધ કરાવી હતી. જો કે, તેઓ માંડ 8 કિ.મી. સુધી જઈ શક્યા હતા. જાહેર માર્ગો પર ભયંકર ટ્રાફિકને કારણે તેઓ 10 કિ.મી. જેટલો માર્ગ પગપાળા ચાલી રોમાનિયા દેશની બોર્ડર સુધી પહોંચ્યા હતા. જો કે, ત્યાં રોમાનિયાના સૈનિકોએ પ્રવેશ નહીં આપતાં તેમણે ભારતીય દુતાવાસ સાથે સંપર્ક કર્યો હતો અને ભારતીય દુતાવાસ અને ભારત સરકારના સારા પ્રયત્નોથી રોમાનિયાના એરપોર્ટ થઈ વિમાન માર્ગે દિલ્હી અને ત્યારબાદ વડોદરા એરપોર્ટ ખાતે પહોંચી હતી. જે ગતરોજ પરત ફરી હતી. વધુમાં તેણે યુક્રેનમાં યુદ્ધની વિનાશક પરિસ્થિતિનો ચિતાર આપતાં જણાવ્યું હતું કે, રશિયા દ્વારા ભયંકર ગોળીબાર અને બોમ્બ વિસ્ફોટોની પરિસ્થિતિ અત્યંત દયનીય બની હતી. ત્યાં હજારોની સંખ્યામાં લોકો મોતના મુખમાં ધકેલાઈ ગયા છે.

રોમાનિયા બોર્ડર પર ભારતીય વિદ્યાર્થીઓની હાલત કફોડી
વધુમાં તેણે જણાવ્યું હતું કે, તેઓ રોમાનિયાની બોર્ડર ઉપર આશરે 5 હજારથી વધુ ભારતીય વિદ્યાર્થી હતા. અને ત્યાં માઇનસ 10 ડિગ્રી તાપમાનમાં ભયંકર ઠંડી વચ્ચે કફોડી હાલતમાં ચારથી પાંચ દિવસ વિતાવ્યા હતા. જમવાની પરિસ્થિતિ અંગે તેણે જણાવ્યું હતું કે, કફોડી હાલતમાં પણ ભોજનનો થોડો જથ્થો સંગ્રહ કરી રાખ્યો હતો. તેણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારત સરકારના દુતાવાસની સફળ કામગીરીને પગલે હેમખેમ પરત લાવવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. અને ત્યાં ફસાયેલા ભારતીયોને સુરક્ષિત લાવવા પણ વિનંતી કરી હતી.

Most Popular

To Top