અંકલેશ્વર: અંકલેશ્વર (Ankleshwar) પાસેના નેશનલ હાઈવે (National highway) પર નિલેશ ચોકડી પાસે રોડ ઉપર ઉભેલા ટેન્કરની (Tanker) પાછળ ટેમ્પો (Tempo) ભટકાતાં ટેમ્પા ચાલકને ગંભીર ઇજા પહોંચતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે ટેન્કર ચાલક ટેન્કર મૂકી ફરાર થઈ જતાં શહેર પોલીસે તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર નેશનલ હાઈવે પર નિલેશ ચોકડી પાસે શુક્રવારની રાત્રે એક ટેન્કર રોડ ઉપર બંધ હાલતમાં હતું. જોકે ટેન્કર ચાલકે કોઈપણ પાર્કિંગ લાઈટ કે સાઈડ લાઈટ ચાલુ રાખી ન હતી અને પાછળથી આવતો ટેમ્પો ટેન્કર પાછળ ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ટેમ્પોના ચાલક અસલમ આબીદહુસૈનને ગંભીર ઈજા થતાં ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે ટેન્કર ચાલક ટેન્કર મૂકી ફરાર થઇ ગયો હતો. પોલીસે ટેન્કર ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તેની શોધખોળના ચક્રો ગતિમાન કર્યા છે.
ભીલાડ નજીક ડેહલી પાસે અકસ્માતમાં એક યુવકનુ કરુણ મોત
ઉમરગામ : ભીલાડ નજીક ડેહલી પાસે અકસ્માતમાં એક યુવકનુ કરુણ મોત નીપજ્યાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. પોલીસના જણાવ્યા મુજબ ભીલાડ નજીક ડેહલી અંબર હોટલની સામે મુંબઈ થી વાપી તરફ જતા રોડ હાઈવે ઉપર શુક્રવારે મોડી સાંજના એક અજાણ્યા વાહનચાલકે અકસ્માત સર્જીને એક યુવકનું મોત નિપજાવ્યું હતું. પોલીસ તપાસમાં મૃતકનું નામ અમરનાથ ગુપ્તા હોવાનું તેમજ તે મૂળ ઉત્તર પ્રદેશ અને હાલમાં ભિલાડના ગુલશન નગર ખાતે રહેતો હોવાનું બહાર આવ્યું છે. પોલીસે રામદીન ગુપ્તાની ફરિયાદના આધારે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધ્યો છે.
ડાંગનાં વાંગણ ગામ નજીક ટ્રક પલ્ટી મારી ગઈ…
સાપુતારા: આહવા તાલુકાનાં અંતરીયાળ વાંગણ ગામ નજીક વિજપોલ ભરેલી ચડાણમાં પલટી ગઈ હતી. ઘટના સ્થળ પરથી મળતી વિગતો મુજબ આજે શનિવારે વ્યારા તરફથી વિજપોલ ભરી સતી વાંગણ તરફ જઈ રહેલ ટ્રક.નં.જી.ટી.ટી.6846 આહવા તાલુકાનાં અંતરીયાળ વાંગણ ગામ નજીકનાં આંતરીક માર્ગનો ઢોળાવ ચઢી રહી હતી ત્યારે અચાનક રિવર્સ આવી ગઇ હતી. અને કોઝવે નજીક પલટી જતાં સર્જાયેલા અકસ્માતમાં વિજપોલ સહીત ટ્રકને જંગી નુકશાન થયું હતું. જ્યારે ચાલક અને ક્લીનરનો ચમત્કારિક બચાવ થયો હતો.