અંકલેશ્વર: અંકલેશ્વર (Ankleshwar) નજીક નેશનલ હાઇવે (National Highway) ઉપર વર્ષા હોટલ (Varsha Hotel) પાસેના યુ ટર્ન નજીક આઈસર ટેમ્પોચાલકે રિક્ષાને ટક્કર મારતાં ૬ વર્ષીય બાળકનું ગંભીર ઇજાના પગલે ઘટના સ્થળે જ કરુણ મોત (Death) નીપજ્યું હતું.
અંકલેશ્વરના કોસમડી ગામના પટેલ ફળિયામાં રહેતા ૪૨ વર્ષીય મહેન્દ્ર મોહન પટેલ ગત રોજ પોતાના સાળાની રિક્ષા લઇ પાદરાના કુરાલ ગામ ખાતે રહેતી તેઓની બહેન અલ્કા ભાવેશ પટેલને લેવા ગયા હતા. તેમનાં બહેન અને ભાણી વિધિ તેમજ ભાણેજ પ્રેમકુમારને લઇ અંકલેશ્વર ખાતે આવી રહ્યા હતા, એ દરમિયાન રાતે આઠ વાગ્યાના અરસામાં અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર વર્ષા હોટલ પાસેના યુ ટર્ન નજીકથી પસાર થઇ રહ્યા હતા, એ દરમિયાન આઈસર ટેમ્પોચાલક અચાનક યુ ટર્ન લઈ રિક્ષાને ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ૬ વર્ષીય પ્રેમકુમારને ગંભીર ઈજા પહોંચતાં તેનુ ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે મહેન્દ્ર પટેલ અને તેઓની બહેન તેમજ ભાણીને ઈજા પહોંચી હતી. અકસ્માત અંગે શહેર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
એનામાં ભૂરી ખાડીમાં સાઈકલ સાથે તણાઈ ગયેલા 10 વર્ષીય બાળકની લાશ મળી
પલસાણા: પલસાણાના એના ગામે રહેતા એક ખેડૂત પરિવારનો ૧૦ વર્ષીય પુત્ર ગતરોજ સાંજે તેના મિત્રો સાથે સાઇકલ લઇ ખાડીમાં પાણી જોવા માટે ગયો હતો. જ્યાં તેની સાઇકલનું બેલેન્સ ખોરવાઇ જતાં તે પુલ પરથી ખાડીના પ્રવાહમાં તણાયો હતો. પોલીસ તેમજ ફાયરની ટીમે મોડી સાત સુધી તેની શોધખોળ કર્યા બાદ શુક્રવારે સવારથી જ ફાયરની ટીમે શોધખોળ હાથ ધરી હતી. દરમિયાન બપોરે બાળકની લાશ ફાયરની ટીમને મળી આવી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર પલસાણાના એના ગામે આહીર ફળિયામાં રહેતા પીન્ટુ આહીરનો ૧૦ વર્ષનો દીકરો દેવ ધો.૫માં અભ્યાસ કરતો હતો. જે સાઇકલ લઇ મિત્રો સાથે ભૂરી ખાડીનું પાણી જોવા માટે ગયો હતો. ત્યારે ખાડીના પુલ ૫૨ મિત્રો સાથે ઊભો હતો. એ વેળા સાઇકલનું બેલેન્સ ખોરવાતાં સાઇકલ સાથે ધસમસતા પ્રવાહમાં તણાઈ ગયો હતો. આથી મિત્રોએ બૂમાબૂમ કરી મૂકતાં લોકો દોડી આવ્યા હતા. અને પલસાણા પોલીસ, બારડોલી તથા કામરેજ ફાયર બ્રિગેડની ટીમને જાણ કરતાં પોલીસ સહિત ફાયરની ટીમનો કાફલો પણ સ્થળ પર દોડી આવ્યો હતો. અને દેવની શોધખોળ હાથ ધરી હતી. મોડી રાત સુધી સર્ચ ઓપરેશન કર્યા બાદ પણ બાળકની ભાળ મળી ન હતી. શુક્રવારે વહેલી સવારથી જ ફાયરની ટીમોએ દેવની શોધખોળ હાથ ધરી હતી. બાદ બપોરે તેની લાશ મળી હતી. એકના એક દીકરાની અણધારી વિદાયથી પરિવાર ઘેરા શોકમાં ગરકાવ થઇ ગયો હતો. આ અંગે પલસાણા પોલીસે જાણવાજોગ ફરિયાદ દાખલ કરી આગળની તજવીજ હાથ ધરી છે.