મુંબઇના પૂર્વ પોલીસ કમિશનર પરમબીરસિંહે સીએમ ઉદ્ધવ ઠાકરેને એક પત્ર લખ્યો હતો. આ પત્રમાં એન્ટિલિયા કેસમાં ઝડપાયેલા સચિન વાજેનો ઉલ્લેખ છે. પત્રમાં મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન અનિલ દેશમુખ પર આરોપ લગાવતા કહેવામાં આવ્યું છે કે તેમણે સચિન વાજેને દર મહિને 100 કરોડ રૂપિયા એકત્રિત કરવા જણાવ્યું હતું. આ મુદ્દા પર, અનિલ દેશમુખે ટ્વિટ કર્યું છે કે પરમબીરસિંહે કાનૂની કાર્યવાહીથી પોતાને બચાવવા માટે આવા આક્ષેપો કર્યા છે.
પરમબીર સિંઘને તાજેતરમાં જ મુંબઈના પોલીસ કમિશનર પદ પરથી હટાવવામાં આવ્યા હતા. આ પછી, આજે (શનિવારે) તેમણે સીએમ ઉદ્ધવ ઠાકરેને એક પત્ર લખ્યો હતો. જેમાં અનિલ દેશમુખ ઉપર ઘણું આરોપ કરવામાં આવ્યા હતા. પરમબીરસિંહે પત્રમાં લખ્યું છે કે સચિન વાજેએ મને કહ્યું હતું કે અનિલ દેશમુખે તેમને દર મહિને 100 કરોડ રૂપિયા એકત્રિત કરવા જણાવ્યું હતું.
પરમબીરસિંહે પત્રમાં લખ્યું છે કે મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાંચના ક્રાઈમ ઈન્ટેલિજન્સ યુનિટના વડા સચિન વાજેને છેલ્લા કેટલાક મહિનાઓમાં મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન અનિલ દેશમુખ દ્વારા તેમના સરકારી નિવાસમાં અનેક વખત બોલાવ્યા હતા. અહીં વારંવાર સચિન વાજેને પૈસા વસૂલવાની સૂચના આપી હતી.
ફેબ્રુઆરીના મધ્યમાં અને ત્યારબાદ, ગૃહમંત્રીએ વાજેને તેમના સત્તાવાર નિવાસ સ્થાને બોલાવ્યા. તે સમયે, તેમના અંગત સચિવ સહિત ગૃહ પ્રધાનના એક-બે કર્મચારીઓ ત્યાં હાજર હતા. ગૃહમંત્રીએ ત્યાં વાજેને કહ્યું હતું કે દર મહિને 100 કરોડ રૂપિયા જમા કરાવવાનું લક્ષ્યાંક છે.
ગૃહમંત્રીએ વાજેને જણાવ્યું હતું કે મુંબઇમાં લગભગ 1750 બાર, રેસ્ટોરન્ટ્સ અને અન્ય મથકો છે. જો પ્રત્યેક પાસેથી રૂ. 2-3- લાખ એકત્રિત કરવામાં આવે તો દર મહિને 50 કરોડ પ્રાપ્ત થશે. બાકીનો સંગ્રહ અન્ય માધ્યમથી થઈ શકે છે.
બીજી તરફ, આ મુદ્દે, અનિલ દેશમુખ કહે છે કે પરમબીરસિંહે પોતાની જાતને બચાવવા તેમજ આગળની કાનૂની કાર્યવાહી ટાળવા માટે આ ખોટો આરોપ લગાવ્યો છે. જ્યારે મુકેશ અંબાણી કેસ તેમજ મનસુખ હિરેન હત્યા કેસમાં સચિન વાજેની સંડોવણી સ્પષ્ટ થઈ રહી છે અને તપાસ તત્કાલિન પોલીસ કમિશનર પરમબીર સિંહ સુધી પહોંચે તેવી સંભાવના છે.
આ સાથે જ આ કેસમાં ભાજપ નેતા કિરીટ સોમૈયાનું નિવેદન આવ્યું છે. તેમણે કહ્યું કે મુંબઈના પૂર્વ પોલીસ કમિશનરે કહ્યું છે કે મુંબઇમાં ખંડણી ચાલી રહી છે અને સચિન વાજે ગૃહમંત્રીના એજન્ટ હતા. બીઅર બારથી અન્ય સ્થળોએ પૈસા વસૂલવામાં આવતા હતા. અનિલ દેશમુખને હવે હટાવવા જોઈએ.