Editorial

યુરોપમાં વિદેશીઓ માટેનો રોષ ઉગ્ર બન્યો છે

ગયા વર્ષે યુકેમાં આંતરરાષ્ટ્રીય સ્તરે જેની નોંધ લેવાઇ હતી તેવી એક મોટી ઘટના બની હતી જેમાં  હજારો ઇમિગ્રન્ટ્સ વિરોધીઓએ લંડનમાં કૂચ કરી હતી અને ‘તેમને ઘરે મોકલો!’ના નારા લગાવ્યા હતા. આ રેલી બ્રિટનમાં  સ્થાનિક પ્રજામાં વધી રહેલા ઇમિગ્રન્ટ એટલે કે વિદેશોથી આવતા લોકો પ્રત્યેના રોષનું પ્રતિબિંબ હતી. છેલ્લા કેટલાક સમયમાં યુકેમાં ઇમિગ્રન્ટ વિરોધ લાગણી વધતી ગઇ છે અને આવું જ યુરોપના બીજા પણ કેટલાક દેશોમાં  થયું છે. આ માટે વિદેશથી આવતા લોકોનું સાંસ્કૃતિક આક્રમણ, સ્થાનિક લોકોની છીનવાતી રોજગારીની તકો ઉપરાંત વિદેશથી આવેલા, ખાસ કરીને આફ્રિકન દેશોમાંથી આવેલા લોકોની ગુનાખોરીના બનાવોમાં નોંધપાત્ર સંડોવણી વગેરે બાબતો કારણભૂત જણાય છે.

યુકેમાં – અને સમગ્ર યુરોપમાં – ઇમિગ્રન્ટ્સ અને ઇમિગ્રન્ટ મૂળ ધરાવતા લોકોને ખુલ્લેઆમ રાક્ષસ તરીકે ચીતરવાનું તીવ્ર બની રહ્યું છે. આ બાબત હવે ત્યાં અનેકના રાજકીય એજન્ડાને આગળ ધપાવે છે અને જમણેરી પક્ષો  લોકપ્રિયતા મેળવી રહ્યા છે. કેટલાક યુરોપિયન દેશોમાં, મોટા પાયે દેશનિકાલની તરફેણ કરતા અને ઇમિગ્રેશનને રાષ્ટ્રીય ઓળખ માટે ખતરા તરીકે દર્શાવતા રાજકીય પક્ષો ઓપિનિયન પોલ્સમાં ટોચ પર અથવા તેની નજીક  આવે છે. રિફોર્મ યુકે, એલાયન્સ ફોર જર્મની અને ફ્રાન્સનો નેશનલ રેલી પક્ષ આના ઉદાહરણો છે.

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ જેમણે તાજેતરમાં અમેરિકામાં સોમાલી ઇમિગ્રન્ટ્સને કચરો કહ્યો હતો અને જેમની રાષ્ટ્રીય સુરક્ષા  વ્યૂહરચના યુરોપિયન દેશોને ઇમિગ્રેશન દ્વારા જોખમમાં મૂકાયેલા તરીકે દર્શાવતી હતી, તેઓ યુરોપની બરછટ, ઇમિગ્રન્ટ વિરોધી લાગણીઓને સમર્થન અને પ્રોત્સાહન આપતા દેખાય છે. વધતા તણાવ વચ્ચે, યુરોપના મુખ્ય  પ્રવાહના પક્ષો ઇમિગ્રેશન પર કડક વલણ અપનાવી રહ્યા છે અને ક્યારેક જાતિ વિશે વિભાજનકારી ભાષાનો ઉપયોગ કરી રહ્યા છે. “જેને એક સમયે ખૂબ જ જમણેરી રાજકારણના અત્યંત છેવટના છેડા તરીકે નકારી કાઢવામાં  આવતું હતું તે હવે રાજકીય ચર્ચાનો કેન્દ્રિય ભાગ બની ગયું છે,” એમ ક્વીન્સ યુનિવર્સિટી બેલફાસ્ટમાં બ્રિટિશ ઇતિહાસના લેક્ચરર કિઅરન કોનેલે જણાવ્યું હતું.

છેલ્લા દાયકામાં કેટલાક યુરોપિયન દેશોમાં ઇમિગ્રેશનમાં નાટ્યાત્મક વધારો થયો છે, જેનું મુખ્ય કારણ આફ્રિકા, મધ્ય પૂર્વ અને યુક્રેનમાં સંઘર્ષોથી ભાગીને યુરોપ આવેલા લાખો આશ્રય શોધનારાઓ છે.  જો કે, કુલ ઇમિગ્રેશનમાં  આશ્રય શોધનારાઓનો હિસ્સો થોડો છે, અને નિષ્ણાતો કહે છે કે જુદી સંસ્કૃતિ અને ઇમિગ્રેશન પ્રત્યેનો અણગમો વિવિધ પરિબળોના મિશ્રણથી ઉદ્ભવે છે. નિષ્ણાતો કહે છે કે 2008 ના વૈશ્વિક નાણાકીય કટોકટી પછીના વર્ષોમાં  આર્થિક સ્થિરતા, પ્રભાવશાળી રાષ્ટ્રવાદી રાજકારણીઓનો ઉદય અને સોશિયલ મીડિયાનો ધ્રુવીકરણ પ્રભાવ આ બધા ભૂમિકા ભજવે છે.

યુરોપભરમાં, એલાયન્સ ફોર જર્મની, ફ્રાન્સની નેશનલ રેલી અને હંગેરિયન વડા પ્રધાન વિક્ટર ઓર્બનની ફિડેઝ પાર્ટી જેવા જમણેરી પક્ષો દ્વારા વંશીય રાષ્ટ્રવાદને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. અમેરિકા અને કેનેડામાં પણ ઇમિગ્રેશન વિરોધી લાગણી વધી છે પરંતુ યુરોપના દેશોમાં તે વધુ તીવ્ર થયેલી જણાય છે. આમાં ખાસ કરીને આફ્રિકનો તરફનો રોષ વધારે છે પરંતુ સ્થિતિ વધુ વણસે તો ભારતીયો પણ અડફેટે આવી શકે છે આથી ભારતીયોએ પણ સાવધ રહેવું જરૂરી છે.

Most Popular

To Top