રંગભૂમિ અગણિત રંગકર્મીઓને જન્મ આપી ઉછેરતી રહે છે; જેમાંથી કોઈક અભિનેતા પોતાનું જીવન રંગભૂમિને એ રીતે સમર્પિત કરે છે કે તેઓ બની જાય છે ‘અભિનય સદેહે’. અરવિંદ જોષી આવા જ એક અદ્વિતીય ને અપ્રતિમ અભિનય સ્વરૂપ છે… હા છે અને રહેશે. આપણા કળાકારો સાથેના અનેક પ્રસંગોમાંના અવિસ્મરણીય છતા અતિસ્મરણીય બે અનોખા પ્રસંગો.
નાટક “કાચનો ચંદ્ર”, દિગ્દર્શન અને પ્રમુખ ભૂમિકા અરવિંદભાઈ, જૂન 1947 , સ્થળ ભવન્સ-ચોપાટી. આ નાટક માણી બે યુવાનો ગ્રીનરૂમની બહાર કળાકારોને મળવા ઉભા છે, અચાનક કોઈ કામ માટે મેકઅપ ઉતારતા અરવિંદભાઈ બહાર આવે છે, પાછા અંદર જતા બેવ યુવાનોને અંદર બોલાવી લે છે. એક યુવાન હાથ લંબાવી તેમને અભિનંદન આપવા જાય છે,
અરવિંદભાઈ – મારા હાથ મેકઅપ ઉતારતા ઓઈલી છે… ધોઈ લઉં….પછી…..
યુવાન – ના ના,… એ હાથે જ હાથ મેળવવો વધુ ગમશે, ભલે થોડો અમારા હાથમા પણ તે રંગ લાગતો. જવાબ સાંભળી તેઓ યુવાનને ભેટી પડે છે. આ પ્રથમ પરિચય એ સદાબહાર અભિનેતા સાથે.…..અને પછી લગભગ ૩૫ વર્ષ પસાર થાય છે.
પેલા યુવાનનું એક નાટક 2007માં એજ ભવન્સમાં ભજવાય છે. નાટક જોઈ તે ખૂબ ગમવાથી અરવિંદભાઈ, કવિ સુરેશ દલાલ અને ઉત્પલ ભાયાણી ગ્રીનરૂમમા કળાકારને મળવા આવે છે અને અરવિંદભાઈ એજ નાટક પોતે મુંબઈમાં ત્યાંના કળાકારો સાથે ભજવવાની ઈચ્છા વ્યક્ત કરે છે, કાંતિ મડિયા પણ આ યોજનામાં કળાકાર તરીકે સાથે થાય છે, પણ અરવિંદભાઈને તે દરમ્યાન અચાનક પેરેલિસિસ થાય છે અને વાત અટકી જાય છે. તો ચાલો વચ્ચેના ૩૫ વર્ષોમાં એવું તે શું થયું કે અરવિંદ જોષી આપણી રંગભૂમિ ઉપર અદકેરા પોંખાયા?
અરવિંદ જોષી, મોટાભાઈ પ્રવીણ જોષી સાથે “કૌમાર અસંભવમ્” નાટકથી અભિનયની શરૂઆત કરે છે, સાથી કળાકારો છે તરલા જોષી, ડી.એસ. મહેતા, સાહિત્ય પરિષદ પૂર્વ પ્રમુખ સાહીત્યકાર વર્ષા અડાલજા. જયહિંદમા વરસાદની ઋતુમા શો હોય ત્યારે શો પૂરો કરી મરીનડ્રાઈવ પર જઈ ખૂબ ભીંજાઈ સફળતાની મઝા માણતા. પછી “તીલોત્તમા” આવે છે. ત્યારબાદ “માણસ નામે કારાગાર” જે નવુ સીમા ચિહ્ન રચે છે, પ્રવીણભાઈ તેમા એક મહત્વનું પાત્ર અરવિંદભાઈની જવાબદારીમાં આવે છે.
અરવિંદભાઈએ આપણી રંગભૂમિના યાદગાર નાટકોમા કરેલી ભૂમિકા ઇતિહાસમાં સોનેરી અક્ષરોમાં નોંધવી પડે એવી છે. “શરત”મા લખલૂટ દામ અને નામ કમાઈને પરદેશથી પાછી આવતી એકવારની તરછોડેલી પ્રિયતમા-વાગદત્તાનો સામનો કરતો નિર્બળ, જુનવાણી માણસ.
“સળગ્યા સૂર્યમુખી”નો નપુંસક પતિ જેને પત્ની ભોગવવા માટે આહ્વાન આપે છે ત્યારની મન:સ્થિતિ. ખેલંદોમા એક વિચિત્ર લેખકની પત્નીનો પ્રેમી તેજ લેખક પાસે તેમની પત્નીને પરણવાનો પ્રસ્તાવ લઈને જતો માણસ.
“ધુમ્મસ”મા ખૂનના ધુમ્મસમાં માર્ગ કાઢતો રૂવાંડા ઊભા કરી દેતો પતિ. “એની સુગંધનો દરિયો” એ કદાચ અરવિંદભાઈના જીવન અનુભવના નિચોડસમું મનને આકુળવ્યાકુળ કરી દેતું નાટક.
“બાણશય્યા” એ એક જ નાટક જે અરવિંદભાઈએ ક્રાંતિ મડિયાના દિગ્દર્શનમા કર્યું. આખુ નાટક માંદગીને કારણે માત્ર ખાટલામા જ હોવા છતા સ્થળ-કાળથી આરપાર વહેતું સાંપ્રત સમસ્યાનું અરવિંદભાઈની અભિનય ક્ષમતા બ્રોડવેના કોઈ કળાકાર જેટલી જ અસાધારણ હોવાની સાહેદી પૂરતું નાટક. આમ ઘણા ઘણા નાટકોમાં વૈવિધ્યસભર પાત્રો અરવિંદભાઈ કરતા રહે છે.
સાથે શોલેથી શરૂ કરી ગુજરાતી-હિંદી ઘણી ફિલ્મો-સીરીયલોમાં અભિનય કરતા રહે છે.
સર્જનાત્મક અભિનય દ્વારા અરવિંદભાઈ આપણી રંગભૂમિના સર્વસમયના શ્રેષ્ઠ અભિનેતાની પ્રથમ પંક્તિમાં સુપ્રતિષ્ઠિત છે અને રહેશે. તેમની આ સિધ્ધિ અને સ્થિતિ અપૂર્વ છે.
“જીવનભારતી” ને 60 વર્ષના પ્રસંગે “માણસ નામે કારાગાર” નું વાચિકમ્ સુરતના કળાકારો સાથે કર્યું ત્યારે તેઓ મહાન હોવા છતા એટલા સહજરીતે સૌ સાથે કામ કરતા શીખવતા કે એ એક વાચિકનો વર્કશોપ બની રહ્યો હતો. તો 2004મા એચકે આર્ટ્સ દ્વારા યોજાયેલા રંગપર્વમા પણ ઉષાબહેન સાથે ત્રણ દિવસ રોકાયા અને અમારા નાટકો માણ્યા હતા. મુંબઈ તેમને ઘેર જાવ તો ક્યારેય એમનેમ પાછા ન ફરવાનું તેમની ફરમાઈશ મુજબ ખાવું જ પડે.
અરવિંદભાઈ, ઉષાબહેન, શર્મન, નેહા અને તેના પતિ, મોટા પ્રવીણભાઈ-સરિતાબહેન, તેમની દીકરીઓ પૂર્વી, કેતકી-પતિ રસિક, આમ આખુ કુટુંબ જ્યારે નાટ્યકળાને વરેલું હોય ત્યારે તેમની ઓળખ આપણી રંગભૂમિની વિશિષ્ટ ઓળખ બની જાય છે. આ કુટુંબના દરેક સભ્યોએ રંગમંચ ઉપર પોતાની પણ એવી જ સ્વતંત્ર ઓળખ ઉભી કરી છે.