નવી દિલ્હી: અંબાણી પરિવારના (Ambani family) ભવ્ય લગ્નના કાર્યક્રમો પૂર્ણ થઈ ગયા છે. લગ્ન પહેલાથી લઈને રિસેપ્શન સુધી લગભગ 7 મહિના સુધી ચાલેલા આ ભવ્ય કાર્યક્રમમાં દેશ-વિદેશના મહેમાનોનો મેળાવડો જામ્યો હતો. ત્યારે આખી દુનિયામાં અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના લગ્નની ચર્ચા થઇ હતી. દરમિયાન અનંત અંબાણીએ લગ્નમાં હાજર રહેલા પોતાના કેટલાક મિત્રોને રિટર્ન ગિફ્ટ (Return gift) તરીકે રૂ. 2 કરોડની ઘડિયાળ ભેટમાં આપી હતી.
આ ઘડિયાળની વિશેષતા એ છે કે તેમાં 18 કેરેટ સોનાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ઘડિયાળનો કેસ 41 mmનો છે અને તેની જાડાઈ 9.5 mm છે. ઘડિયાળમાં સેફાયર ક્રિસ્ટલ બેક અને સ્ક્રુ-લોક ક્રાઉન છે, જેનું ઉત્પાદન ઓડેમાર્સ પિગ્યુટ દ્વારા કરવામાં આવ્યું છે. આ કંપની માત્ર લક્ઝરી ઘડિયાળો બનાવે છે. અનંત અંબાણીએ આ ઘડિયાળ પોતાના ખાસ એવા 25 મિત્રોને આપી છે. ત્યારે આ લક્ઝરી ઘડિયાળનો ટેક્સ પણ રસપ્રદ છે.
2 કરોડની આ ઘડિયાળ પર ટેક્સ લાગશે?
આવકવેરા દ્વારા કેટલીક વિશેષ ભેટોને કરવેરામાંથી બહાર રાખવામાં આવી છે – જેમ કે લગ્ન પ્રસંગે મળેલી ભેટ, સંબંધીઓ પાસેથી મળેલા નાણાં વગેરે. અનંત-રાધિકાના લગ્નમાં મળેલી ગિફ્ટ અને પૈસા ટેક્સ હેઠળ રાખવામાં આવશે નહીં, પરંતુ રિટર્ન તરીકે આપવામાં આવેલી ગિફ્ટ પર ટેક્સ લાગશે. ત્યારે અનંતે તેના મિત્રોને જે રિટર્ન ગિફ્ટમાં ઘડિયાળ આપી છે, તેના પર ટેક્સ લાગશે.
કેટલો ટેક્સ ભરવો પડશે?
આવકવેરા મુજબ જો કોઈ સંપત્તિ જન્મદિવસ, વર્ષગાંઠ અથવા મિત્રો તરફથી રિટર્ન ગિફ્ટ તરીકે પ્રાપ્ત થાય છે, તો તે કરપાત્ર છે. રિટર્ન ગિફ્ટની કુલ કિંમત એક વર્ષમાં રૂ. 50 હજારથી વધુ ન હોય ત્યારે જ ટેક્સમાં છૂટ લાગુ પડે છે. એકવાર આ મર્યાદા ઓળંગી ગયા પછી, સમગ્ર રકમ ટેક્સને પાત્ર છે. ત્યારે આ લક્ઝરી ઘડિયાળના કિસ્સામાં, 2 કરોડ રૂપિયાની સંપૂર્ણ આવક પર ટેક્સ લાગુ થશે, એટલે કે હવે આ ઘડિયાળ ઉપર અનંતે ટેક્સ ચૂકવવો પડશે.
ઘડિયાળની રકમ વાર્ષિક આવકમાં ઉમેરવામાં આવશે
Taxbuddy.comના સ્થાપક સુજીત બાંગરના જણાવ્યા મુજબ રાધિકા-અનંત અંબાણીના લગ્નમાં મિત્રોને આપવામાં આવેલી ઘડિયાળ કરપાત્ર હોવી જોઈએ. જો અનંત અંબાણીએ આ ઘડિયાળો શાહરૂખ, રણવીર વગેરેના નામે ખરીદી છે, તો તેમણે તેની બજાર કિંમત પર ટેક્સ ચૂકવવો પડશે કારણ કે તે રોકડ ભેટ તરીકે ગણવામાં આવશે અને આ રોકડ તમારી કુલ વાર્ષિક આવકમાં ઉમેરવામાં આવશે. આવી સ્થિતિમાં ટેક્સ સ્લેબ મુજબ વાર્ષિક કુલ આવક પર ટેક્સ લાગુ થશે.