વર્ષ 2026ની પ્રથમ સવાર ભક્તિ અને આધ્યાત્મિકતાના અનોખા સંગમ સાથે ઉગી છે. ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામોમાં નવા વર્ષના પ્રારંભે આસ્થાનો એવો જુવાળ જોવા મળ્યો છે કે તમામ મુખ્ય મંદિરોમાં ભક્તોનું કીડીયારું ઉભરાયું હોય તેવા દૃશ્યો સર્જાયા છે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથથી લઈને શક્તિપીઠ અંબાજી સુધી ‘હર હર મહાદેવ’ અને ‘જય માતાજી’ના નાદ ગુંજી રહ્યા છે.
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં નવા વર્ષની ઉજવણી કરવા માટે માનવ મહેરામણ ઉમટી પડ્યો છે. છેલ્લા એક સપ્તાહમાં અંદાજે 7થી 8 લાખ શ્રદ્ધાળુઓએ દાદાના ચરણોમાં શીશ ઝુકાવ્યું છે. સમુદ્ર કિનારે વસેલું સોમનાથ મંદિર નવા વર્ષે ભક્તિમય બની ગયું છે અને વહેલી સવારની આરતીમાં હજારો ભક્તોએ હાજરી આપી સુખ-શાંતિની પ્રાર્થના કરી હતી.
જગતમંદિર દ્વારકામાં પણ ભગવાન દ્વારકાધીશના દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે. ગોમતી ઘાટ પર સ્નાન કરી ભક્તો કાળિયા ઠાકોરના શરણમાં પહોંચ્યા હતા. દ્વારકાની તમામ હોટલો અને ધર્મશાળાઓ હાઉસફુલ થઈ ગઈ છે, જે દર્શાવે છે કે લોકોએ મોજ-મજાના બદલે આધ્યાત્મિકતા સાથે વર્ષનો પ્રારંભ કરવાનું વધુ પસંદ કર્યું છે.
નાતાલના વેકેશન અને નવા વર્ષની ઉજવણી માટે ભગવાન શ્રીકૃષ્ણની કર્મભૂમિ દ્વારકામાં 20 ડિસેમ્બરથી જ દર્શનાર્થીઓ અને પ્રવાસીઓનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે. દેશ-વિદેશ અને ખાસ કરીને ભારતના હિન્દીભાષી રાજ્યોમાંથી લાખો ભક્તો ભાવ અને શ્રદ્ધા સાથે દ્વારકાધીશના દર્શન કરવા આવી રહ્યા છે.
આ ભીડને ધ્યાનમાં રાખીને દેવભૂમિ દ્વારકા જિલ્લાના વહીવટી તંત્રના વડાઓ, જેમાં જિલ્લા કલેક્ટર રાજેશ તન્ના, એસ.પી. જયરાજસિંહ વાળા, દ્વારકા ડિવિઝનના ડીવાય.એસ.પી. સાગર રાઠોડ, પ્રાંત અધિકારી અમોલ આવટે અને દ્વારકાધીશ દેવસ્થાન સમિતિના વહીવટદાર હિમાંશુ ચૌહાણનો સમાવેશ થાય છે, તેમણે વ્યવસ્થાની કમાન સંભાળી છે. અધિકારીઓ હેડક્વાર્ટર છોડીને દ્વારકામાં ખડેપગે મુકામ કરી રહ્યા છે જેથી યાત્રીકોને સુઘડ વ્યવસ્થા મળી રહે.
યાત્રીકોની હકડેઠઠ ભીડને કારણે વાણિજ્ય-વ્યાપાર સાથે સંકળાયેલા ધંધાર્થીઓ પણ પ્રભાવિત થયા છે. જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓ, ટ્રાન્સપોર્ટેશન અને ઉતારાની વ્યવસ્થા ખૂબ જ ટૂંકી પડી રહી છે. હોટલ, રિસોર્ટ, અતિથિગૃહો અને હોમ-સ્ટે સહિત 2500 જેટલા રૂમો હાઉસફૂલ થઈ ગયા છે, જેના કારણે ઘણા પ્રવાસીઓને જામનગર, પોરબંદર અને રાજકોટ જેવા નજીકના શહેરોમાં રોકાવું પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે.