Comments

બાળકોને તાલીમ આપતી આંગણવાડીને સાધનસજ્જ કરવાનો એક નવતર અભિગમ

વિજ્ઞાન અને તકનિકની વિકાસયાત્રામાં છેક ૨૧મી સદીના ઉંબરે પ્રથમ વખત જર્મનીથી માણસના મસ્તિષ્કનું મેપિંગ કરી શકે તેવાં કોમ્પ્યુટર વિકસ્યાં છે. ટેક્નોલોજી હજુ પ્રાથમિક સ્તરે છે. આમ છતાં ટેલિસ્કોપ અને માઇક્રોસ્કોપ પ્રકારે બ્રેઇન મેપિંગ ટેકનિક માનવ-સમુદાયને પોતાની આંતરચેતનાનો નકશો સમજવા અને ચૈતન્ય સાથેના અંદર-બહારના સંબંધો સમજવા નવી દિશા મળશે. વિજ્ઞાન અને તકનિકનો વિકાસ થતાં પ્રથમ વખત ખ્યાલ આવે છે કે ૧ થી ૫ વર્ષના માનવ-મસ્તિષ્કમાં તાલીમના કારણે ન્યુરેકોર્ડ ડેવલોપ થાય છે અને કોઇ સંજોગોમાં કુપોષણ, સંઘર્ષમય બાળપણ, મા-બાપની ગેરહાજરી પ્રકારની સ્થિતિવશાત્ બાળકમાં કેટલાક ન્યુરેકોર્ડ લિંક થવાનું રહી જાય છે ત્યારે એ વ્યક્તિને ૬૦-૬૫ વર્ષ પછી ન્યુરોલોજીકલ ડિસઓર્ડર્સ પરેશાન કરવા લાગે છે.

બાળપણની કેળવણી અને મસ્તિષ્કના અનુબંધનું તથ્ય સામે આવતાં યુનિસેફે પણ દુનિયાની વિવિધ યુનિવર્સિટીના મનોવિજ્ઞાનીઓને પૂર્વ પ્રાથમિક (બાલમંદિર)ના શિક્ષણના મહત્ત્વને પુનઃસ્થાપિત કરવા માટે સંશોધન પેપર તૈયાર કરવાનું આહ્વાન આપ્યું છે. ભાવનગરની ધરતી ઉપરથી ગિજુભાઇ બધેકાએ ૧૯૨૩માં બાળશિક્ષણની અનિવાર્યતાને ડંકાની ચોટે કહી અને અતિ મૂલ્યવાન સહભાગી અવલોકનો દ્વારા બાળઉછેરમાં પ્રેમના અભાવ, તિરસ્કાર અને શારીરિક શિક્ષાની હાનિ વિષયે વિસ્તારે વાત કહી. મેડમ મોન્ટેસરી અને ભાવનગરથી મૂંછાળી મા નાં નામે ખ્યાતિપ્રાપ્ત ગિજુભાઇએ જે વાત આજથી ૧૦૦ વર્ષ પહેલાં મૂકી તે જ વાત આજે વિજ્ઞાન પ્રમાણ સાથે કહે છે.

ભાવનગરના આંગણે શિશુવિહાર સંસ્થાએ પણ વર્ષ ૧૯૪૦થી બાળ શિક્ષણની અનિવાર્યતા સમજી શ્રમિક પરિવારનું કામ હાથમાં લીધું. ઠકકરબાપા અને ચિતલિયાજી પ્રકારના રાષ્ટ્રિય નેતૃત્વના માર્ગદર્શન હેઠળ વર્ષ ૧૯૫૪માં બાળસેવક શ્રી મોંઘીબહેન બધેકાના નામે બાળ કેળવણીનું કેન્દ્ર શરૂ કર્યું અને ધોરણ ૧૦ પાસ બહેનોને અનુભવ તાલીમ વર્ગ સાથે જોડીને બાળકેળવણી માટેના સ્વયંસેવકો તૈયાર કરવાનું પ્રારંભ્યું.

વોલીન્ટિયર્સ ફોર ચાઇલ્ડહુડ પ્રોટેક્શનના મિશન હેઠળ શિશુવિહાર બાલમંદિર દ્વારા ૬૩૮ બહેનોને શૈક્ષણિક સત્ર દરમિયાન ૬-૬ની બેચમાં તાલીમબદ્ધ કરાયાં છે. એટલું જ નહીં પણ પોતાના રહેણાંક વિસ્તાર આસપાસની નવી બાલવાડી શરૂ કરવા ઇચ્છનારને રૂા. ૮૦૦૦/- ની સાધનસહાય આપવામાં આવી છે. યુનિસેફના માર્ગદર્શક સિદ્ધાંતોને અનુસરતા ગુજરાત સરકારે ગામ શહેરની ૩૦૦ નાગરિકોની વસ્તીએ એક બાલવાડી શરૂ કરવાનું ધોરણ સ્વીકાર્યું હોવાથી ભાવનગર મહાનગરપાલિકાના ૧૭ વોર્ડમાં ચાલતી ૩૧૪ આંગણવાડીમાં શિક્ષક તાલીમનું કાર્ય પ્રારંભ્યું છે.

ભારત સરકારના સંકલિત મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આંગણવાડીનાં સંચાલક શિક્ષકો અને તેડાગરો માટે માનદ વેતનની વ્યવસ્થા કરવામાં આવે છે. રાજ્ય સરકારની યોજના હેઠળ કેન્દ્ર સંચાલન માટે મકાન, બાળકોને મીડ-ડે મીલ યોજના હેઠળ પોષક આહાર આપવામાં આવે છે. ઉપરાંત નગરપાલિકા પણ મહેકમ ચૂકવે છે. આમ છતાં, બાળ કેળવણી માટેની પ્રાથમિક તાલીમ અને સાધનો વિસ્તારવા બાકી રહેતા વર્ષ ૨૦૧૧થી શિશુવિહાર સંસ્થાએ તેની જવાબદારી લીધી છે.

કોઇ પણ સરકારી ગ્રાન્ટ લીધા માત્ર જન સહયોગથી ભાવનગરની સેવાભાવી સંસ્થાએ પ્રારંભાએલ બાળ-તાલીમ સાધન સહાય કાર્યક્રમ અંતર્ગત શહેરની તમામ આંગણવાડીને ૧૦-૧૦ શૈક્ષણિક ચાર્ટ આપવામાં આવ્યા છે ત્યાર બાદ ફર્સ્ટ એડ બોકસ વર્ષ ૨૦૧૩-૧૪માં ૩૦-૩૦ આંગણવાડીને શિશુવિહાર પરિસરમાં નિમંત્રણ આપીને ૫-૫ ગ્લો-પપેટસ, બાળ જોડકણાં, ગીતો, વાર્તાની પુસ્તિકા, બાળગીતોની સીડી, તાલીમ સાથે આપવામાં આવેલ છે. આંગણવાડીની તાલીમાર્થી બહેનોને બાળકો સાથે ક્યા હાવભાવથી ગીતો ગાવાં, તેને વાર્તાઓ કહીને તેમને સામાજિક મૂલ્યો સાથે જોડવાં તે વિષયે તાલીમ સાથે તમામ ૩૧૪ આંગણવાડીને ઢોલક-મંજરી-મંજીરાની બે-બે જોડ પણ આપવામાં આવ્યાં છે.

બાળક સર્જનશીલ બને અને તેની રચનાત્મકતામાંથી જ તેના મસ્તિષ્કના ન્યુરેકોર્ડ સમયસર વિકસિત થઇ જાય તે દિશાના પ્રયત્નને પદ્ધતિસર વિકસાવી બાલમંદિરનાં શિક્ષક શ્રી બીરવાબહેન છાયા, પ્રીતિ ભટ્ટ તથા જીવનકૌશલ કેન્દ્રનાં સંચાલક અંકિતાબહેન ભટ્ટે તાલીમ પુસ્તિકા તૈયાર કરીને શહેરની તમામ આંગણવાડી સુધી પહોંચવાનો પ્રયત્ન પ્રારંભ્યો છે. મહિનાના છેલ્લા શનિવારે યોજાતી તાલીમના પ્રારંભે પ્રાર્થના, ચા-નાસ્તો પછી ૧૦ થી ૧૧ કાગળ, શાકભાજી, રબ્બરના ફુગ્ગા પ્રકારનાં હાથવગાં સાધનોથી વિવિધ ક્રાફટ બહેનોને શીખવવામાં આવે છે.

બપોરના ભોજન બાદ ફરી ૨ થી ૪ દરમિયાન હાથની પ્રિન્ટ, ઓરોગામી, શેડ પેઇન્ટિંગ પ્રકારે અન્ય ૫ કૌશલની તાલીમ અને સાધનોની કીટ શિક્ષકોને સુપ્રત કરવામાં આવે છે. તેમ વર્ષ ૨૦૨૨-૨૩માં શહેર આંગણવાડીનાં ૬૦૦ બાળકો અને ૭૦૦ શિક્ષકોને શિશુવિહારમાં નિમંત્રણ આપી તાલીમબદ્ધ કરાયાં છે. પોતાના આયુષ્યનાં ૯૬ વર્ષ સુધી બાળકેળવણી સાથે જોડાઇ રહેલ સ્વાતંત્ર્ય સેનાની અને ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરના વિદ્યાર્થી શ્રી પ્રેમશંકરભાઇ ભટ્ટ પરિવારના સૌજન્યથી યોજાતી તાલીમ સમગ્ર ગુજરાતનાં બાળકેન્દ્રો માટે દર્શનીય બને છે. ભાવનગરના આંગણેથી સાચા અર્થમાં બાળકોના ભવિષ્યના નિર્માણનું કામ થાય છે જે અજોડ છે.

દુનિયાના અનેક દેશોને આજે મેન્ટલ ડિસઓર્ડર્સ માટે ઘણો મોટો ખર્ચ કરવો પડે છે જે દુઃખદ વાસ્તવિકતા જોવા મળે છે. પરંતુ બાલમંદિરો બાળકોને સમૂહજીવન સાથે પરિચય આપે છે. બાળકને સામાજિક એકમ બનાવે છે. આંગણવાડીની રમતોમાં બાળકના શરીરને યોગ્ય પોષણ મળતાં તેમ મસ્તિષ્કનો વિકાસ થતાં તે સંપૂર્ણ માણસ તરીકે તૈયાર થાય છે. પોતાનાં મા-બાપને કામકાજમાં મદદ કરતાં કરતાં તે જીવનશિક્ષણના પાઠ શીખી લે છે. આ પણ સુખદ હકીક્ત છે ત્યારે હવે વિચારવું પડશે કે રાજય વ્યવસ્થાએ બાલમંદિરો માટે બજેટ ફાળવવું છે કે હોસ્પિટલો માટે! ભાવનગરથી શિશુવિહાર સંસ્થાએ શહેરની ૩૧૪ આંગણવાડીને ૧૧ તાલીમો થકી રૂા. ૨૭, ૭૮૦૦૦ની શૈક્ષણિક સાધન સહાય પહોંચાડી છે અને ૨૮૦૦૦ બાળકોનાં જીવનમાં હકારાત્મક પરિવર્તન રોપ્યું છે જે નોંધનીય બને છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top