National

ભારતીય વાયુ સેનાના ફાઇટર જેટએ ‘ભૂલથી’ પોખરણમાં બોમ્બ ફેંક્યો, પછી થયું આવું..

નવી દિલ્હી: રાજસ્થાનના પોખરણમાં ગઇકાલે બુધવારે એક આશ્ચર્યજનક ઘટના બની હતી. અહીં ભારતીય વાયુસેના (IAF)ના ફાઇટર જેટમાંથી એક બોમ્બ બ્લાસ્ટ થયો હતો. ત્યારે આશ્ચર્યની વાત તો એ છે કે આ બ્લાસ્ટ ભૂલથી થયો હતો. જો કે સદનસીબે બ્લાસ્ટના સ્થળે કોઇ વ્યક્તિ હાજર ન હતી જેથી જાન-માલના નુકશાનના અહેવાલ નથી.

પ્રાપ્ત માહિતી મુજબ ગઇકાલે રાજસ્થાનના જેસલમેરમાં પોખરણ ફાયરિંગ રેન્જ વિસ્તાર પાસેના એક ગામથી થોડે દૂર મોટા ‘ધડાકા’નો અવાજ સંભળાયો હતો. 21 ઓગસ્ટના રોજ બનેલી આ ઘટના અંગે ગામના લોકોએ જણાવ્યું હતું કે વિમાનમાંથી કોઈ ‘વસ્તુ’ નીચે પડી હતી, જેના કારણે જોરદાર ‘વિસ્ફોટ’ થયો હતો. ત્યાર બાદ ચારે તરફ ધુમાડાના વાદળો છવાઇ ગયા હતા. આટલું જ નહી પણ જે જગ્યાએ ‘વસ્તુ’ પડી ત્યાં 5 થી 7 ફૂટનો ખાડો પડી ગયો હતો. જેની તસવીરો પણ સામે આવી હતી. ત્યારે અકસ્માત બાદ ભારતીય એરફોર્સે પણ એક નિવેદન જારી કર્યું હતું.

ભારતીય વાયુસેનાના નિવેદન મુજબ રાજસ્થાનના પોખરણમાં એક ટ્રેનિંગ મિશન દરમિયાન ફાયટર જેટમાંથી આકસ્મિક રીતે ‘એર સ્ટોર્સ’ ડ્રોપ થયું હતું. ત્યારે આ ડ્રોપ ટેક્નિકલ ખામીને કારણે થયો હોવાની માહિતી સાંપડી હતી. જો કે સદનસીબે આ ડ્રોપ ખુલ્લી જગ્યાએ થયું હોય, ઘટનાને પગલે કોઇ જાનહાનિ કે નુકસાન થયું નથી. પરંતુ આવી ગંભીર બેદરકારી બદલ તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

ઘટનાની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે ભારતીય વાયુસેનાનું એક વિમાન 21 ઓગસ્ટના રોજ પોખરણ ફાયરિંગ રેન્જ વિસ્તારમાં ઉડી રહ્યું હતું. દરમિયાન ટાર્ગેટ ફાયરિંગની પ્રેક્ટિસ સમયે જેટમાંથી એક બોમ્બ ટેકનિકલ કારણોસર ‘મિસફાયર’ થયું હતું. આ ‘પ્રેક્ટિસ બોમ્બ’ જેસલમેરના રામદેવરા પોલીસ સ્ટેશન વિસ્તારના રાઠોડા ગામ પાસે ફાયરિંગ રેન્જની બહાર પડ્યો હતો. જેના કારણે ઘટના સ્થળે ગામ લોકોની ભીડ ઉમટી પડી હતી.

સમગ્ર મામલે એક પ્રત્યક્ષ દર્શીએ કહ્યું હતું કે, “સવારે 11 વાગ્યે, એક વિમાન આકાશમાં ઉડી રહ્યું હતું. તે વિમાનમાંથી કંઈક જમીન ઉપર પડ્યું હતું. જમીન પર વિમાનમાંથી કોઇ વસ્તુ પડતાની સાથે જ જોરદાર વિસ્ફોટ થયો હતો, અને ધુમાડો ફેલાઇ ગયો હતો. ત્યારે વિસ્ફોટનો અવાજ સાંભળીને અમે કેટલાક ગામવાસીઓ સાથે ઘટના સ્થળે ગયા હતા. ત્યાં અમે જોયું કે જ્યાં વસ્તું પડેલી હતી ત્યાં 5 થી 7 ફૂટનો ખાડો હતો. તેમજ ત્યાંનો પાક લગભગ નાશ પામ્યો હતો. ત્યાર પછી અમે તાત્કાલિક રામદેવરા પોલીસને બોલાવી હતી.

Most Popular

To Top