સુરત શહેરના વરાછા વિસ્તારમાંથી લાપતા થયેલા પાલતુ લેબ્રાડોર શ્વાન ને પોલીસે આશરે ૭૦ જેટલા સીસીટીવી કેમેરા ચેક કરીને ડીંડોલી વિસ્તારમાંથી સુરક્ષિત રીતે શોધી કાઢ્યો હતો. પોલીસે ત્રણ દિવસની સતત મહેનત બાદ શ્વાન ને માલિકને પરત સોંપતા નકુમ પરિવારમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો.
વરાછા પોલીસ પાસે થી મળતી માહિતી અનુસાર, પુણા રોડ ઉપર આઈ માતા ચોક નજીક વિજયનગર વિભાગ-૨માં રહેતા મયુર વિજયભાઈ નકુમ તેમના પરિવાર સાથે વસવાટ કરે છે. નકુમ પરિવાર પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલો છે અને તેમણે લગભગ દસ મહિના પહેલા લેબ્રાડોર જાતિનો શ્વાનને પરિવાર નો સભ્ય બનાવ્યો હતો. પરિવારના સભ્ય સમાન બનેલા આ શ્વાન નું નામ ‘જેક્સ’ રાખવામાં આવ્યું હતું. ગત ૪ ફેબ્રુઆરીના રોજ સવારે અચાનક જેક્સ ઘરેથી નીકળી ગયો હતો અને બાદમાં ગાયબ થઈ ગયો હતો. પરિવારજનો દ્વારા આસપાસના વિસ્તારમાં ભારે શોધખોળ કરવામાં આવી હતી, પરંતુ કોઈ માહિતી મળી નહોતી.

તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે જેક્સ છેલ્લે અર્ચના સ્કૂલ પાસે બ્રિજ નીચે જોવા મળ્યો હતો. ત્યારબાદ કોઈ માહિતી ન મળતા મયુર નકુમ તેમના પિતા સાથે વરાછા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને શ્વાન ને શોધી આપવાની વિનંતી સાથે અરજી કરી હતી. પોલીસે માનવતાના ધોરણે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. જે બાદ પોલીસે અર્ચના સ્કૂલ આસપાસના વિસ્તારોના સીસીટીવી કેમેરા ચેક કરતા એક કેમેરામાં એક યુવક જેક્સને એક્ટિવા પર બેસાડી લઈ જતા જોવા મળ્યો હતો.આ માહિતીના આધારે પોલીસે એક્ટિવા ગયેલી દિશામાં વધુ સીસીટીવી કેમેરાની તપાસ શરૂ કરી હતી. સતત તપાસ અને ટેકનિકલ વિશ્લેષણ દ્વારા પોલીસે ત્રણ દિવસમાં આશરે ૭૦ જેટલા સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા અને અંતે ડીંડોલી વિસ્તારમાં પહોંચીને એક્ટિવા ચાલક યુવકને શોધી કાઢ્યો હતો. પૂછપરછ દરમિયાન યુવકે સ્વીકાર્યું હતું કે તેણે રસ્તા પર રખડતો જોઈ શ્વાન ને પોતાના મિત્રના ઘરે રાખવા માટે આપી દીધો હતો.
પોલીસ યુવક સાથે તેના મિત્રના ઘરે પહોંચી અને ત્યાંથી જેક્સને કબજે લીધો હતો. શ્વાન મળી આવ્યાની જાણ થતા નકુમ પરિવારમાં ખુશી છવાઈ ગઈ હતી. પોલીસે તેને પોલીસ સ્ટેશન લાવે તે પહેલા જ માલિક વિજયભાઈ અને તેમના દિકરા ઓ ત્પયાં હોંચી ગયા હતા. માલિકને જોઈ જેક્સ તરત જ તેમની તરફ દોડી ગયો હતો અને ખુશી વ્યક્ત કરી હતી. જેક્સ મળી જતાં પરિવારજનોએ યુવક સામે કોઈ કાર્યવાહી કરવાની ના પાડી હતી. ત્યારબાદ પોલીસે જરૂરી નોંધ કરી જેક્સને તેના માલિકને સોંપી દીધો હતો.