સુરત શહેરના વેસુ વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં 11 વર્ષની બાળકી તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ પામી છે. ભગવાન મહાવીર કોલેજ પાછળના તળાવ પાસે આ ઘટના બની હતી, જેના કારણે સમગ્ર વિસ્તારમાં શોક છવાઈ ગયો છે. અહેવાલો અનુસાર, અંજુમકુમારી ગોવિંદરા નામની આ બાળકી તેના ઘર પાસેના તળાવમાં માછીમારી કરવા ગઈ હતી. સવારે લગભગ 11.15 વાગ્યે તે તળાવ કિનારે હતી ત્યારે અચાનક લપસી ગઈ અને ઊંડા પાણીમાં પડી ગઈ હતી. નજીકના રહેવાસીઓએ છોકરીને ડૂબતી જોઈ અને તાત્કાલિક તેની મદદ માટે દોડી ગયા અને ફાયર બ્રિગેડને જાણ કરી.
ભીમરાડ અને વેસુ ફાયર સ્ટેશનની ટીમો ઘટનાસ્થળે પહોંચી અને શોધખોળ શરૂ કરી. ઘણા પ્રયત્નો પછી, ફાયર ફાઇટરોએ છોકરીને પાણીમાંથી બહાર કાઢી. તે સમયે તેની હાલત ગંભીર હતી. તેને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. ત્યારબાદ તેને સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, જ્યાં ટ્રોમા સેન્ટરના ડોકટરો દ્વારા તેની તપાસ કરવામાં આવી હતી. કમનસીબે, છોકરીને બચાવી શકાઈ ન હતી અને ડોકટરોએ તેને મૃત જાહેર કરી હતી. આ સમાચાર મળતાં જ પરિવાર શોકમાં ડૂબી ગયો હતો અને હોસ્પિટલ શોકનો મોહાલ સર્જાયો હતો.
ઘટનાની જાણ થતાં, પોલીસ હોસ્પિટલ અને ઘટનાસ્થળે પહોંચી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો હતો અને આકસ્મિક મૃત્યુનો કેસ નોંધવામાં આવ્યો છે. વધુ તપાસ પણ શરૂ કરવામાં આવી છે. આ ઘટના શહેર માટે ચેતવણી સમાન છે કે બાળકોને પાણીના તળાવો પાસે એકલા જવા દેવા જોખમી બની શકે છે. થોડી કાળજી અને સાવધાની મોટી દુર્ઘટનાને અટકાવી શકે છે.