આઝાદીનો અમૃત મહોત્સવ- આઝાદી મળ્યાને 75 વર્ષ પૂર્ણ થયાં. તેની ઉજવણીના નગારા ચારે કોર વાગી રહ્યા છે. પંદરમી ઓગસ્ટના પંદર દિવસ અગાઉથી સર્વત્ર ઉજવણીના નીતનવા કાર્યક્રમો યોજાયા છે. ‘હર ઘર તિરંગા’ એટલે કે દરેકના ઘરે તિરંગો લહેરાવો જોઇએ તેને માટે કરોડો ઝંડા બની રહ્યા છે અને લોકોને વેચાતા અપાઈ રહ્યા છે. 26 જાન્યુઆરી અને 15 ઓગસ્ટ એ એવા બે મહત્ત્વપૂર્ણ રાષ્ટ્રીય તહેવારો છે જે ભારતના 135 કરોડ લોકો સાથે જોડાયેલા છે. ભારતની ધર્મનિરપેક્ષ કાનૂનવ્યવસ્થા દરેક ધર્મના લોકોને સ્પર્શે છે. ભારત ભલે ધર્મનિરપેક્ષ રાષ્ટ્ર છે પણ રાષ્ટ્ર પ્રત્યેની પ્રત્યેક લોકોની વફાદારી, પ્રેમ, સમતા અને એકતા જાળવવી એ રાષ્ટ્ર ધર્મ છે.
આઝાદ હિંદ ફોજની એક રેલી વખતે નેતાજી સુભાષચંદ્ર બોઝે કહ્યું હતું કે ગુલામીનાં મિષ્ટાન્ન કરતાં આઝાદીનો રોટલો વધુ મીઠો લાગશે. ગુલામીથી મોટી મજબૂરી કે અભિશાપ બીજો કોઇ નથી. આજે આઝાદીનાં 75 વર્ષ પૂરાં થયાં પણ શું એક સ્વતંત્ર દેશના નાગરિક તરીકે આપણે ખુશ છીએ ખરા? અને સૌથી મોટો પ્રશ્ન તો એ છે કે આપણે આ સ્વતંત્રતાને માટે લાયક છીએ ખરા? આપણે આપણા હક્કો માટે જાગૃત છીએ પરંતુ ફરજો પ્રત્યે સજાગ છીએ ખરા? આજે ચારેકોર ઉત્સાહનો માહોલ છે. સરકારી મકાનો, શાળાઓ, સોસાયટીઓમાં, કોલેજોમાં ધ્વજવંદન થશે. દિલ્હીના લાલ કિલ્લા પર આજે તિરંગો લહેરાવવામાં આવશે અને સરકારના એલાન મુજબ‘હર ઘર પર તિરંગા’ લહેરાશે. સૌ ઝંડાને સલામી આપશે. રાષ્ટ્રની આન અને બાન અને શાનને સદાય ઉન્નત રાખનાર ‘તિરંગો’ આપણો રાષ્ટ્રધ્વજ આપણા દેશની અને દેશવાસીઓની શાન એકતાનું પ્રતીક, કાપડનો બનેલો આ રાષ્ટ્રધ્વજ સામાન્ય કાપડનો ટુકડો નથી. એ સમગ્ર રાષ્ટ્રનો આત્મા છે.
જે દેશના યુવકો પોતાના દેશનો ગૌરવવંતો ઇતિહાસ જાણતા જ નથી તે દેશ કયારેય પ્રગતિ કરી શકતો નથી. આજની પેઢીને ડેનિમ જીન્સ કેવી રીતે આવ્યું? કેલોગના કોર્નફલેક્સ કેવી રીતે આવ્યા? કેપ્ટન કૂક કા આટા કૈસે આયા? જાત જાતના આઇસ્ક્રીમ, જાતજાતના જંકફૂડની નામાવલિ મોઢે છે. મોબાઇલ, ઇન્ટરનેટ બધાની કહાની-માહિતી ખબર છે પરંતુ આઝાદી કેવી રીતે મળી? તેનો ઇતિહાસ બહુ ઓછાને ખબર છે. આજે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છીએ ત્યારે એક વસ્તુ દિલમાં સદાય રહેવી જોઇએ- તે છે રાષ્ટ્રભકિત.
એક ઘટના જોઇએ જેનો સંદેશ છે- રાષ્ટ્રભકિત.જાપાનની એક ઘટના છે. એક શેઠના ઘરમાં રાત્રે ચોર ઘૂસ્યો. ચોર ઘણા દિવસોથી શેઠના ઘરમાં ચોરી કરવાની યોજનાઓ ઘડી રહ્યો હતો પરંતુ સતત તૈનાત ચોકીદારને કારણે ઘૂસી શકયો ન હતો. તે દિવસે શેઠનો ચોકીદાર રજા પર હતો અને ઘરના સૌ બહાર ગયા હતા. એકલા શેઠ જ ઘરે હતા. ઘરમાં ઘૂસતાં જ ચોરે ઘરેણાં હાથવગે કરવા માંડયાં, ઘરેણાંના ઝીણા ઝીણા અવાજને કારણે પણ શેઠની ઊંઘ ઊડી ગઇ. તે સમજી ગયા કે ઘરમાં ચોર ભરાયો છે. ફોનવાળા રૂમમાં ચોર હોવાથી પોલીસને ફોન કરી શકાય એમ નહોતું. શેઠને કંઇ ન સૂઝયું એટલે તેમણે ગ્રામોફોન પર રાષ્ટ્રગીત વગાડવા માંડયું. રાષ્ટ્રગીત સાંભળતાં જ ચોર સાવધાનની મુદ્રામાં સ્થિર થઇ ગયો.
તક જોઇને શેઠે તેના હાથપગ બાંધી દીધા અને પોલીસને જાણ કરી દીધી. પોલીસે આવીને ચોરને પકડી લીધો. કેસ કોર્ટ સુધી પહોંચ્યો. ન્યાયમૂર્તિએ ચુકાદો આપ્યો ચોરની રાષ્ટ્રભકિત વખાણવાલાયક છે. અદાલત તેને ભવિષ્યમાં ચોરી નહિ કરવાની ચેતવણી આપીને નિર્દોષ છોડી મૂકે છે પરંતુ શેઠને રાષ્ટ્રગીતની અવગણના કરવા બદલ બે વર્ષની કેદની સજા કરે છે. આ ઘટના આપણને રાષ્ટ્રગીતનું સન્માન કરવાની શીખ આપે છે. દેશના નાગરિક તરીકે આપણા હૃદયમાં હંમેશાં રાષ્ટ્રભકિત જીવંત રહેવી જોઇએ. જયારે આપણે સ્વતંત્રતાની વાત કરતા હોઇએ ત્યારે એક વાત પણ સમજવી કે મહામૂલી મોંઘી મળેલી આઝાદીની રક્ષા કરવી આપણી મુખ્ય ફરજ છે. તે માટે દેશને માટે જેણે કુરબાની આપી છે એવા મહાન પુરુષોની… ‘જરા યાદ કરો કુરબાની’…!
15 ઓગષ્ટ 2022ના રોજ આઝાદીના 75 વર્ષ પૂર્ણ થાય તે પૂર્વે 75 સપ્તાહ પહેલાં 12મી માર્ચ 2021ના રોજ અમદાવાદના સાબરમતી આશ્રમ ખાતે વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આ આઝાદીના અમૃત મહોત્સવનું ઉદ્ઘાટન કરી દેવાયું હતું અને તે 15 ઓગષ્ટ 2022 સુધી ચાલશે તેવી પણ જાહેરાત કરી દેવાઇ હતી. આ ઉજવણી એટલે ‘જો શહીદ હુએ હૈ ઉનકી જરા યાદ કરો કુરબાની’… યાદ કરવાનો દિવસ છે. ઇ.સ. 1931ની 23મી માર્ચ યાદ કરીએ. એ દિવસે એક સાથે ત્રણ વીરોને ફાંસી દેવાઇ હતી. સરદાર ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવ. ખોલીમાંથી બહાર આવીને ત્રણ એકબીજાને ગાઢ આલિંગનથી ભેટયા હતા પછી ગીત ગાયું ‘દિલ સે નિકલેગી ન મરકર ભી વતન કી ઉલફત, મેરી મિટ્ટી સે ભી ખુશ્બૂ વતન કી આયેગી’.
આઝાદીની ચળવળ ચાલુ હતી. અનેક નવયુવાનો માથે કફન બાંધીને મા ભોમની રક્ષા કાજે નીકળી પડયા હતા. માત્ર 19 વર્ષનો બ્રાહ્મણ પુત્ર મંગલ દેશપાંડે આ ચળવળમાં સામેલ થયો. મંગલ પાંડેને ખબર પડી કે કંપની સરકારે પ્રાઇવેટ કારખાનામાં બંદૂકની ગોળીઓને ગાયોની ચરબીમાં બોળવાનું કાવતરું ચાલુ કરી દીધું છે. સૈનિકોને એલાન કર્યું કે બહાર નીકળો ધર્મરક્ષા માટે આગળ આવો. એટલામાં તો લેફટેનન્ટ બર્ફે પાંડેને ગોળી મારી. પાંડેએ સામે ગોળીબાર કર્યો. પાંડેનું ઝનૂન જબરું હતું. તલવાર લઇને ધસ્યો. ઊભો ને ઊભો બર્ફને વેતરી નાંખ્યો. પાંડે કાળ મટીને મહાકાળ બની ગયો હતો. અંગ્રેજો ગભરાયા. જાહેરાત કરી પાંડેને મારી નાંખવાની. પાંડેએ વિચાર્યું કે તેઓના હાથે મરવું એના કરતાં હું જાતે જ શહીદ થઇ જાઉં અને દેશપાંડેએ જાતે જ પોતાની છાતીમાં ગોળી હુલાવી દીધી.
ગોળી સીધી હૃદય પર લાગવાને બદલે સાઇડમાંથી માંસ ફાડીને આરપાર નીકળી ગઇ. જનરલે ઘવાયેલા દેશપાંડેને જીવતો પકડયો ને ફાંસી આપી દીધી. નફરત, વિરોધ અને દ્વેષની આગ ભડકી ઊઠી અને ત્યારથી 1857ના બળવાની શરૂઆત થઇ ગઇ. આ અમૃત મહોત્સવ પર્વે આવા જેટલા દેશભકતોને યાદ કરીએ તેટલા ઓછા છે, વીર વિનાયક દામોદર સાવરકર જેમને અંગ્રેજ સરકારે બે બે કાળાપાણીની આંદામાનની કાળકોટડીમાં સજા ફટકારી હતી. એમની સાહસવૃત્તિ કેટલી પ્રચંડ હતી. 14 વર્ષની ઉંમરનું બાળક માતૃભૂમિની મુકિત માટે શપથ લે.
આંદામાનની કાળકોટડીમાં ખીલ્લી કાંટાના સાધનથી દીવાલો પર શ્રેષ્ઠ સાહિત્યનું લખાણ કરી 6000 પંકિતઓ લખી કંઠસ્થ કરી. ગાંધીજી, સરદાર, જવાહરની ત્રિપુટીએ પછી રંગ રાખ્યો. બાબાસાહેબ આંબેડકર બધા જોડાયા આ લિસ્ટ તો ઘણું લાંબું થાય તેમ છે. ખુમારી, શૌર્ય અને શહાદતની જવાલાઓથી ધબકતા આ દેશમાં ત્યારે અ..ધ..ધ..ધ.. થઇ જાય એટલા શૂરવીર દેશભકતો હતા. આજે દેશદાઝ દાખવી દેશ માટે ફાંસી ખાનારા કેટલા? સાચા લોકસેવકોના પ્રયત્નથી, નિ:સ્વાર્થ નેતાઓના માર્ગદર્શનથી, માતૃભૂમિ માટે સર્વસ્વ અર્પણ કરનારા દેશભકત જવાહર, સરદારના બલિદાનથી અમારી ભારત માતા સ્વતંત્રતાનો મુગુટ પહેરી શકી. આજે આપણે તેનો અમૃત મહોત્સવ ઉજવીએ છીએ. આ એક સોહામણું વર્ષ છે. સર્વત્ર ઉત્સાહનો માહોલ છે. સાથે આઝાદી ટકાવી રાખવા કેટલું ય હૈયે ધરવાનું છે.
ભ્રષ્ટાચાર નાબૂદ થવો જોઇએ. સત્ય, અહિંસા અને દેશનિષ્ઠાનું શસ્ત્ર લઇને ચાલીશું. મારો દેશ તેને માટે ખોટું જરાયે નહીં- હરઘડી દેશપ્રેમથી છલકાતું હૃદય લઇને ચાલીશું તો આઝાદીનું અમૃત પર્વ આપણને સૌભાગ્યશાળી બનાવશે. તો વાચકમિત્રો! ‘યે વંદન કી ભૂમિ, અભિનંદન ભૂમિ’ વિશ્વનો શકિતશાળી દેશ બનવા તરફ ભારત આગળ વધી રહ્યો છે પણ આપણી ઘરઆંગણાની સમસ્યાઓનો ઉકેલ ન આવશે ત્યાં સુધી વિકાસના કે સ્વતંત્રતાના ફળ દેશનો સામાન્ય નાગરિક કયાંથી પ્રાપ્ત કરી શકશે? ઉપરથી ફૂલગુલાબી દેખાતા વિકાસના ચિત્રને નીચેથી કેટકેટલી ઊધઇઓ કોતરી રહી છે. જો આ ઊધઇઓનો નાશ ન કરવામાં આવશે તો આપણી હાલત ગુલામીયુગ કરતાં બદતર બની જશે.
આપણી માનવી તરીકેની, એક સ્વતંત્ર દેશના નાગરિક તરીકે સાચી સ્વતંત્રતાનું સુખ માણવું હશે તો દેશને તોડનારા, ભ્રષ્ટાચારમાં રાચનારા, લોકોને પૈસે તાગડધિન્ના કરનારા લોકો સામે ફરી આઝાદીના મોરચા જેવો જંગ માંડવો પડશે. ગરીબી, ગંદકી, આળસ, કામચોરી, ભ્રષ્ટાચાર વગેરે આજે રાષ્ટ્રીય રોગ બની ચૂકયા છે. તેને ડામ્યા વિના સ્વતંત્રતાના આકાશમાં મુકિતનો ઓકિસજન નહીં મેળવી શકીએ- ત્યાં વગર આઝાદીના અમૃત પર્વની ઉજવણી ફીકી રહેશે. અને એની શરૂઆત આપણાથી જ કરીએ. ‘હેપ્પી ઇન્ડીપેન્ડન્સ ડે’