નવી દિલ્હી: બિહારના (Bihar) હાજીપુર શહેરના ઔદ્યોગિક વિસ્તારમાં આવેલી રાજ ફ્રેશ મિલ્ક ફેક્ટરીમાં (Milk Factory) એમોનિયા ગેસ (Ammonia gas) ચેમ્બરમાં વિસ્ફોટ થયો હતો. જેમાં એક કર્મચારીનું મોત થયું હતું જ્યારે લગભગ 40 કર્મચારીઓને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી. શ્વાસ લેવામાં તકલીફ થવાના કારણે ઘણાં લોકો બેહોશ થઈ ગયા. જેના કારણે તમામને હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા. વહીવટીતંત્રને ઘટના અંગેની જાણ થતાં તેમણે તાત્કાલિક 15 એમ્બ્યુલન્સને ફેક્ટરીમાં મોકલી હતી. આ ઉપરાંત પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી.
- રાજ ફ્રેશ મિલ્ક ફેક્ટરીમાં અચાનક એમોનિયા ગેસની ચેમ્બરમાં વિસ્ફોટ થયો
- મોડી રાત સુધી પાણીનો છંટકાવ કરીને ગેસ લીકેજની તીવ્રતાને મહદઅંશે કાબુમાં લેવાઈ
- રાહત અને બચાવ કાર્યમાં જોડાયેલા કામદારોને પણ શ્વાસ લેવામાં તકલીફ પડી હતી
રવિવારની મધ્યરાત્રિએ બિહારમાં આવેલી રાજ ફ્રેશ મિલ્ક ફેક્ટરીના મિલ્ક પેશ્ચરાઇઝેશન યુનિટમાં કામ ચાલી રહ્યું હતું. દરમિયાન અચાનક એમોનિયા ગેસની ચેમ્બરમાં વિસ્ફોટ થયો હતો. ગેસ લીક થવાના કારણે કારખાનામાં કામ કરતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો. મજૂરોમાં અફરાતફરીનો માહોલ ફેલાયો હતો. એમોનિયા ગેસ લીક થવાથી લગભગ એક ડઝન મજૂરો ફેકટરીમાં જ બેહોશ થઈ ગયા હતા. ઘટનાની માહિતી મળતા જ સ્થાનિક પોલીસ અને જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. જ્યારે ફાયરની ગાડીઓ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. વહીવટીતંત્ર દ્વારા 3 કિમી વિસ્તાર ખાલી કરાવવામાં આવ્યો હતો અને તમામને સાવચેત રહેવા જણાવાયું હતું
મોડી રાત સુધી પાણીનો છંટકાવ કરીને ગેસ લીકેજની તીવ્રતાને મહદઅંશે કાબુમાં લીધી
રાહત અને બચાવ કાર્યમાં જોડાયેલા કામદારોને પણ એમોનિયા ગેસના કારણે શ્વાસ લેવામાં તકલીફ પડી હતી. પોલીસની ટીમ અને ફાયર ફાઈટરોએ ફેક્ટરીમાં કામ કરતા લોકોને જેમ તેમ બહાર કાઢ્યા હતા. જે કર્મચારીની હાલત ખરાબ હોય તમામને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ટીમે મોડી રાત સુધી પાણીનો છંટકાવ કરીને ગેસ લીકેજની તીવ્રતાને મહદઅંશે કાબુમાં લીધી હતી. આ સાથે આસપાસના લોકોને સતર્ક રહેવાની સલાહ આપવામાં આવી હતી.