કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઉપપ્રમુખ જગદીપ ધનખરના રાજીનામા અંગે પહેલીવાર પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે. શાહે જણાવ્યું કે ધનખરે બંધારણીય પદ સંભાળતા સમયે પ્રશંસનીય કાર્ય કર્યું અને પોતાના કાર્યકાળ દરમિયાન બંધારણની મર્યાદાઓનું પાલન કર્યું.
હાલ એક ઇન્ટરવ્યુ દરમિયાન ગૃહમંત્રીએ સ્પષ્ટતા કરી કે જગદીપ ધનખરે રાજીનામું વ્યક્તિગત સ્વાસ્થ્યના કારણોસર આપ્યું છે. અમિત શાહે કહ્યું “જગદીપ ધનખરજી બંધારણીય પદ પર રહ્યા અને તેમણે તેમના કાર્યકાળમાં સારું કામ કર્યું હતું પરંતુ રાજીનામું સ્વાસ્થ્યની પરિસ્થિતિને કારણે આપ્યું છે તેને અનાવશ્યક રીતે ખેંચવાની જરૂર નથી.”
ગૃહમંત્રીએ આ નિવેદન દ્વારા એ પણ સ્પષ્ટ સંદેશ આપ્યો કે રાજીનામા પાછળ કોઈ રાજકીય દબાણ કે વિવાદ જવાબદાર નથી. તેમના મુજબ આ સંપૂર્ણપણે વ્યક્તિગત અને સ્વાસ્થ્ય સંબંધિત નિર્ણય છે.
જગદીપ ધનખર અંગે થયેલી રાજકીય ટિપ્પણીઓનો જવાબ આપતા અમિત શાહે કહ્યું કે આવા મુદ્દાઓને વધુ દિશામાં ન જોવાં જોઈએ. તેમણે વધુમાં કહ્યું કે “જગદીપ ધનખરે પોતાના કાર્યકાળ દરમિયાન દેશ અને બંધારણ પ્રત્યે નિષ્ઠા રાખી છે તેમની સેવાઓને ભૂલવી શક્ય નથી.”
આ ઇન્ટરવ્યુ દરમિયાન ગૃહમંત્રીએ અન્ય મુદ્દાઓ પર પણ ચર્ચા કરી હતી પરંતુ ધનખરના રાજીનામાને લઈને આપેલી સ્પષ્ટતા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત થયું હતું. રાજકીય માહોલમાં છેલ્લા કેટલાક દિવસોથી ઉપપ્રમુખના અચાનક રાજીનામાને લઈને અનેક અટકળો ચાલી રહી હતી.
પરંતુ અમિત શાહના નિવેદન પછી આ અટકળોને મોટો વિરામ મળ્યો છે. ગૃહમંત્રીએ સ્પષ્ટ કરી દીધું કે રાજીનામું સંપૂર્ણપણે સ્વાસ્થ્ય સંબંધિત કારણોસર આપવામાં આવ્યું છે અને તેને રાજકીય ચશ્માથી જોવાની જરૂર નથી.