મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા ગલ્ફ યુદ્ધના કારણે નિકાસ ક્ષેત્ર પર ભારે અસર પડી રહી છે અને તેની સીધી અસર દક્ષિણ ગુજરાતના ઉદ્યોગો પર જોવા મળી રહી છે. આ સંજોગોમાં સુરતના ઉદ્યોગકારો માટે સ્થિતિ વધુ મુશ્કેલ બની ગઈ છે. એક તરફ વિદેશી ઓર્ડર અને પેમેન્ટ અટવાઈ રહ્યા છે, તો બીજી તરફ રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ હેઠળની લગભગ 22,400 જેટલી ફાઇલો સરકારી કચેરીઓમાં પેન્ડિંગ છે. આ ફાઇલો ક્લિયર ન થતા ઉદ્યોગકારોની અંદાજે 4,000 કરોડ જેટલી સબસિડી અટવાઈ ગઈ છે. આ મુદ્દે સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (SGCCI) દ્વારા સરકાર પાસે તાત્કાલિક ચુકવણી છોડવાની માંગ કરવામાં આવી છે.
ચેમ્બર અનુસાર ગલ્ફ વિસ્તારમાં ઉભી થયેલી પરિસ્થિતિને કારણે રેડ સી મારફતે થતો વેપાર મોટા પાયે પ્રભાવિત થયો છે. સુરતના ટેક્સટાઇલ અને ડાયમંડ ઉદ્યોગના અનેક કન્ટેનર હાલમાં દરિયામાં જ અટવાયેલા છે. SGCCIના પ્રમુખ ના જણાવ્યા મુજબ માલ અટવાતા પેમેન્ટ સાયકલ પણ અટકી ગઈ છે, જેના કારણે ઉદ્યોગકારો સામે લિક્વિડિટીની ગંભીર સમસ્યા ઉભી થઈ છે. આ પરિસ્થિતિ ઉત્પાદન પ્રક્રિયા અને કામદારોના પગાર પર પણ અસર કરી રહી છે. ચેમ્બરનું કહેવું છે કે જ્યારે આર્થિક અનિશ્ચિતતા હોય ત્યારે સરકારની સબસિડી ઉદ્યોગો માટે મહત્વપૂર્ણ સહારો સાબિત થાય છે. પરંતુ હાલમાં દક્ષિણ ગુજરાતમાં અનેક પોલિસી હેઠળના ક્લેમ્સ લાંબા સમયથી પેન્ડિંગ છે. ગુજરાત ટેક્સટાઇલ પોલિસી 2024 હેઠળ અંદાજે 5,400 જેટલી ફાઇલો હજુ મંજૂરીની રાહ જોઈ રહી છે, જેના કારણે લગભગ 1,500 યુનિટ્સ પર આર્થિક દબાણ વધ્યું છે અને અંદાજે 1,000 કરોડની સબસિડી અટવાઈ છે. આ ઉપરાંત MSME આત્મનિર્ભર પોલિસી 2022 હેઠળ લગભગ 6,000 ફાઈલો હજુ પ્રોસેસિંગમાં છે અને અંદાજે 1,400 કરોડની સબસિડી બાકી છે. જો આ રકમ સમયસર ન મળે તો અનેક નાના ઉદ્યોગો બંધ થવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.
જૂની ટેક્સટાઇલ પોલિસી 2019ના મામલે પણ હજુ હજારો ક્લેમ્સ બાકી છે. લગભગ 3,000 ફાઈલો મંજૂરીની રાહ જોઈ રહી છે અને લગભગ 8,000 જેટલા ક્લેમ્સ ક્લિયર થયા નથી. આ જૂના બાકીદારોની કુલ રકમ લગભગ 1,500 કરોડ થાય છે. ચેમ્બરે રાજ્ય સરકારને અપીલ કરી છે કે વર્તમાન પરિસ્થિતિ અસાધારણ હોવાથી ફાઈલોની પ્રક્રિયા ઝડપી બનાવીને પેમેન્ટ તાત્કાલિક છોડવામાં આવે. SGCCIએ આ મુદ્દે રાજ્યના ગૃહ અને ઉદ્યોગ સંબંધિત મંત્રીઓ તેમજ નાણાં મંત્રાલયને પત્ર લખીને રજૂઆત કરી છે અને જરૂરી હોય તો ઉદ્યોગકારોનું પ્રતિનિધિમંડળ ગાંધીનગર જઈને પણ ચર્ચા કરશે. જો 31 માર્ચ પહેલા આ નાણાં છોડવામાં આવે તો દક્ષિણ ગુજરાતના ઉદ્યોગોને આ મુશ્કેલ સમયમાં મોટો રાહત મળશે એવી આશા ઉદ્યોગ જગત વ્યક્ત કરી રહ્યું છે.