ધૂળેટીના રંગીન માહોલ વચ્ચે Surat શહેરમાંથી હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. ખુશીના પર્વે તાપી નદીના ઊંડા પાણીમાં નહાવા ગયેલા ત્રણ યુવકો ડૂબી ગયા, જેમાંથી બેના મૃતદેહ મળી આવ્યા છે જ્યારે એક યુવકની શોધખોળ હજુ યથાવત્ છે. રંગોની મોજમસ્તી એકાએક શોકમાં ફેરવાઈ ગઈ અને ત્રણ પરિવારો માટે તહેવાર બેરંગ બની ગયો.
પ્રથમ ઘટના સુરત ના સરથાણા નેચર પાર્ક પાછળ વહેતી Tapi River પાસે બની. ધૂળેટીની સાંજે ત્રણ મિત્રો મજા માટે નદીમાં ઉતર્યા, પરંતુ પાણીની ઊંડાઈનો અંદાજ ન આવતા ત્રણેય ગરકાવ થવા લાગ્યા. સદભાગ્યે એક યુવકને તરતા આવડતું હોવાથી તે બહાર આવી ગયો, પરંતુ બાકીના બે મિત્રોને બચાવી શકાયા નહીં. ફાયર બ્રિગેડે કલાકો સુધી શોધખોળ ચલાવી 19 વર્ષીય જયદીપનો મૃતદેહ બહાર કાઢ્યો, જ્યારે કૃષ્ણા નામનો યુવક હજુ લાપતા છે.
બીજી ઘટના મોટા વરાછા વિસ્તારમાં ગોકુલધામ પોલીસ ચોકી પાછળ આવેલા રિવરવ્યુ એપાર્ટમેન્ટ નજીક બની. અહીં પણ નદીમાં નહાવા પડેલો 30 વર્ષીય યુવક ડૂબી ગયો. ફાયર વિભાગે સર્ચ ઓપરેશન હાથ ધરી મૃતદેહ બહાર કાઢી પોલીસને સોંપ્યો.

તહેવારના દિવસે જ યુવાન દીકરાઓ ગુમાવવાના સમાચાર મળતા પરિવારો પર આભ તૂટી પડ્યું છે. ખાસ કરીને લાપતા યુવકના પરિવારજનોમાં ચિંતા અને આશંકા વ્યાપી છે. તંત્ર દ્વારા વારંવાર ચેતવણી આપવામાં આવતી હોવા છતાં નદીના અજાણ્યા પ્રવાહમાં ઉતરવાની બેદરકારી ફરી એકવાર જીવલેણ સાબિત થઈ છે.
રંગોનો પર્વ આ પરિવારો માટે હવે ક્યારેય પહેલો જેવો નહીં રહે , ખુશીની પળો શોકમાં બદલાઈ ગઈ છે.