અમેરિકા અને Israel દ્વારા Iran સામે ચાલી રહેલા યુદ્ધ દરમિયાન અમેરિકાની અંદર ગંભીર મતભેદો સામે આવ્યા છે. આ વચ્ચે નેશનલ કાઉન્ટર ટેરરિઝમ સેન્ટરના વડા Joseph Kentએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે, જે રાજકીય રીતે મહત્વપૂર્ણ ગણાઈ રહ્યું છે. જોસેફ કેન્ટે પોતાના રાજીનામા પત્રમાં Donald Trump પર સીધા આરોપ લગાવ્યા છે. તેમના કહેવા મુજબ, ટ્રમ્પને ખબર હતી કે મિડલ ઇસ્ટમાં થયેલા યુદ્ધોથી અમેરિકાને જ નુકસાન થયું છે અને દેશની સંપત્તિનો નાશ થયો છે, છતાં આ માર્ગ પસંદ કરવામાં આવ્યો. તેમણે આ પણ દાવો કર્યો કે ટ્રમ્પને એકતરફી માહિતી આપી ગેરમાર્ગે દોરવામાં આવ્યા હતા.
ડોનાલ્ડ ટ્રમ્પને લખેલા પત્રમાં, તેમણે કહ્યું હતું કે, “હું મારા અંતરાત્મા વિરુદ્ધ જઈ શકતો નથી અને ઈરાનમાં આ યુદ્ધને સમર્થન આપી શકતો નથી. ઈરાન તરફથી આપણા દેશને કોઈ તાત્કાલિક ખતરો નહોતો, અને તે સ્પષ્ટ છે કે આ યુદ્ધ ઇઝરાયલ અને તેની પ્રભાવશાળી લોબીના દબાણ હેઠળ શરૂ કરવામાં આવ્યું હતું.” તેથી રાજીનામું આપવું યોગ્ય માન્યું છે. આ ઘટનાએ અમેરિકાની અંદર યુદ્ધ મુદ્દે ચાલી રહેલા મતભેદોને ખુલ્લા મૂકી દીધા છે. નિષ્ણાતો માને છે કે કોઈપણ યુદ્ધ માટે તાત્કાલિક જોખમ હોવું જરૂરી છે, જે અહીં દેખાતું નથી.
ઉલ્લેખનીય છે કે Joseph Kent અગાઉ ગુપ્તચર એજન્સીમાં સેવા આપી ચૂક્યા છે અને તેઓ અનુભવી અધિકારી માનવામાં આવે છે. તેઓ Tulsi Gabbardના નજીકના ગણાય છે. ઈરાન સાથે યુદ્ધ શરૂ થયા પછીથી ગેબાર્ડે પણ આ મુદ્દે મૌન જાળવ્યું છે.યુદ્ધને શરૂ થયાને લગભગ 18 દિવસ થયા છે અને આ દરમિયાન અમેરિકાને સૈન્ય અને આર્થિક બંને રીતે નુકસાન સહન કરવું પડ્યું હોવાનું માનવામાં આવે છે. સતત વધતા તણાવ વચ્ચે આ રાજીનામાએ અમેરિકન સરકારની અંદરની અસહમતિને વધુ સ્પષ્ટ બનાવી છે. હજી સુધી White House તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવી નથી, પરંતુ આ ઘટનાએ સ્પષ્ટ કરી દીધું છે કે યુદ્ધ મુદ્દે માત્ર જનતા જ નહીં, પરંતુ ઉચ્ચ સ્તરના અધિકારીઓમાં પણ અસંતોષ વધી રહ્યો છે.