મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવ વચ્ચે પરિસ્થિતિ વધુ જટિલ બની રહી છે, જ્યાં પાકિસ્તાને અચાનક ઈઝરાયલ સામે કડક વલણ અપનાવ્યું છે. એક અહેવાલ મુજબ પાકિસ્તાન સરકાર સાથે જોડાયેલા “પાકિસ્તાન સ્ટ્રેટેજિક ફોરમ”એ ઈઝરાયલને કડક શબ્દોમાં ચેતવણી આપી છે. ફોરમે જણાવ્યું કે ઈઝરાયલે સમજવું જોઈએ કે પાકિસ્તાન કોઈ નબળો દેશ નથી. જો દુનિયાના કોઈપણ ભાગમાં પાકિસ્તાની ડિપ્લોમેટ્સને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ થશે, તો તેનો કડક અને ગંભીર જવાબ આપવામાં આવશે.જો અમારા અધિકારીઓને કંઈ થશે તો પરિણામ ગંભીર આવશે.” જોકે, પાકિસ્તાની દૂતાવાસ અથવા સ્ટાફને કોઈ સીધું નુકસાન થયું નથી, પરંતુ આસપાસની ઇમારતોને અસર પહોંચી હોવાનું જાણવા મળે છે. આ વચ્ચે ઇઝરાયલ સંરક્ષણ દળોએ દાવો કર્યો છે કે તેમણે મધ્ય તેહરાનમાં ઈરાનના સૈન્ય અને આતંકવાદી માળખાને નિશાન બનાવીને મોટા પાયે હુમલા કર્યા છે. બીજી તરફ, ઇરાને “ઓપરેશન ટ્રુ પ્રોમિસ 4” હેઠળ નવા ડ્રોન હુમલાઓ શરૂ કર્યા હોવાના અહેવાલો સામે આવ્યા છે, જેમાં હાઈફા સહિતના વ્યૂહાત્મક ઈઝરાયલી ઠેકાણાઓને નિશાન બનાવાયા છે.
જંગની વચ્ચે પાકિસ્તાન રાજદ્વારી ભૂમિકા ભજવી રહ્યું છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી ઇશાક દારે પુષ્ટિ કરી છે કે દેશ યુનાઇટેડ સ્ટેટસ અને ઈરાન વચ્ચે સંદેશાઓનું આદાનપ્રદાન કરાવી રહ્યો છે. તેમણે જણાવ્યું કે પશ્ચિમ એશિયામાં શાંતિ માટે વાતચીત જ એકમાત્ર માર્ગ છે, અને તુર્કી તથા ઈજિપ્ત પણ આ પહેલને સમર્થન આપી રહ્યા છે. અહેવાલો મુજબ, અમેરિકા તરફથી 15 મુદ્દાનો પ્રસ્તાવ ઈરાનને આપવામાં આવ્યો છે, જેના પર ઈરાન વિચારણા કરી રહ્યું છે. પાકિસ્તાને ઇસ્લામાબાદને સંભવિત શાંતિ વાટાઘાટોના સ્થળ તરીકે પણ પ્રસ્તાવિત કર્યું છે. આ સાથે જ, ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનની વિનંતી પર ઈરાની પાવર પ્લાન્ટ પર હુમલો કરવાની કાર્યવાહી 10 દિવસ માટે મુલતવી રાખવાનો નિર્ણય લીધો હોવાનું જણાવ્યું છે, જેના કારણે તણાવમાં થોડી રાહતની આશા દેખાઈ રહી છે. એકંદરે, સૈન્ય કાર્યવાહી અને રાજદ્વારી પ્રયાસો વચ્ચે મિડલ ઈસ્ટમાં સ્થિતિ અત્યંત સંવેદનશીલ બની છે, જ્યાં કોઈ પણ ક્ષણે પરિસ્થિતિ વધુ ગંભીર બની શકે છે.