અમેરિકામાં એક મોટો નાણાકીય કૌભાંડ બહાર આવ્યો છે. અમેરિકન રોકાણ કંપની બ્લેકરોક (BlackRock)એ તેના ભારતીય મૂળના CEO બંકિમ બ્રહ્મભટ્ટ પર લગભગ $500 મિલિયન (રૂ. 4,200 કરોડ)ની છેતરપિંડીનો આરોપ લગાવ્યો છે. કંપનીનો દાવો છે કે બ્રહ્મભટ્ટે નકલી ખાતા અને નાદાર કંપનીઓનો ઉપયોગ કરીને આ કૌભાંડ આચર્યું છે.
શું છે આખો મામલો?
બ્લેકરોકની ખાનગી ક્રેડિટ રોકાણ શાખા HPSએ સપ્ટેમ્બર 2020માં બ્રહ્મભટ્ટની ટેલિકોમ કંપની સાથે એક મોટો સોદો કર્યો હતો. 2021માં HPSએ $385 મિલિયનનું રોકાણ કર્યું હતું. જેને ઓગસ્ટ 2024માં વધારીને $430 મિલિયન સુધી પહોંચાડવામાં આવ્યું.
પરંતુ જુલાઈ 2025માં HPSને રોકાણ સંબંધિત કેટલાક નકલી ઇમેલ એડ્રેસ અને દસ્તાવેજો મળ્યા. ત્યારબાદ કંપનીએ બ્રહ્મભટ્ટનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો પરંતુ તેમણે કોઈ જવાબ આપ્યો નહીં. જ્યારે HPSના અધિકારીઓ તેમની કંપનીના ઑફિસ પર પહોંચ્યા ત્યારે ઓફિસ બંધ મળી આવી.
તપાસમાં ખુલ્યું કે બ્રહ્મભટ્ટની કંપની નાદાર (દિવાળિયા) થઈ ગઈ છે અને ઘણા નકલી ખાતા દ્વારા રૂપિયા ભારત અને મોરેશિયસમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.
બ્લેકરોકનો દાવો
કંપનીએ દાવો કર્યો છે કે બ્રહ્મભટ્ટે નકલી બેલેન્સ શીટ બનાવી હતી. જેમાં કંપનીની આર્થિક સ્થિતિ વિશે ખોટી માહિતી આપી હતી. બધા રોકાણો કાગળ પર જ દર્શાવવામાં આવ્યા હતા. HPSએ આ મામલે બ્રહ્મભટ્ટ સામે અદાલતમાં દાવો દાખલ કર્યો છે.
બ્રહ્મભટ્ટનો પ્રતિસાદ
બ્રહ્મભટ્ટના વકીલે આ તમામ આરોપોને સખત રીતે નકારી કાઢ્યા છે. તેમના કહેવા પ્રમાણે આ એક વ્યાપારી વિવાદ છે અને કોઈ છેતરપિંડી થઈ નથી.
તપાસ શરૂ
વોલ સ્ટ્રીટ જર્નલના અહેવાલ અનુસાર જ્યારે અધિકારીઓએ બ્રહ્મભટ્ટના ગાર્ડન સિટી (અમેરિકા) સ્થિત ઘરની તપાસ કરી, ત્યારે તેઓ સ્થળ પર હાજર નહોતા. HPSનું કહેવું છે કે હાલમાં બ્રહ્મભટ્ટ ભારતમાં છે. પોલીસે હવે આ આખા મામલાની તપાસ શરૂ કરી છે અને નાણાંના પ્રવાહને ટ્રૅક કરવા માટે આંતરરાષ્ટ્રીય સહકાર લેવામાં આવી રહ્યો છે.
આ કેસ અમેરિકાની ફાઇનાન્સિયલ દુનિયામાં મોટી ખોટ માનવામાં આવી રહી છે. કારણ કે બ્લેકરોક જેવી વિશ્વપ્રસિદ્ધ રોકાણ કંપની સાથે આ સ્તરે છેતરપિંડી થવી એક ગંભીર બાબત છે.