Business

વિઝા મળી ગયા હશે તો એનો મતલબ એવો નથી થતો કે અમેરિકા જઇ શકાશે!

સુરત: ચેમ્બર ઓફ કોમર્સ (Surat chamber of commerce) એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા અમેરિકાની વીઝા પોલિસી (american visa policy) પર યોજાયેલા સેમિનાર (Seminar)ને સંબોધતા આ ક્ષેત્રના નિષ્ણાંત સુધીર શાહે જણાવ્યું હતું કે, ઉચ્ચ અભ્યાસ માટે ગુજરાતી (Gujarati)ઓની પહેલી પસંદ અમેરિકા હોય છે. ઇબી– પ અને એલ– ૧ વિઝા અંગે તેમણે કહ્યુ હતું કે, અમેરિકા જવા માટે વિઝા મળી ગયા હશે તો એનો મતલબ એવો નથી થતો કે અમેરિકા જઇ શકાશે. જો ઇન્ટરવ્યુ દરમિયાન અધિકારીને એવું જણાય કે, ખોટું બોલીને વિઝા મેળવવામાં આવેલા છે તો અમેરિકા જવાનું સ્વપ્ન પૂર્ણ થશે નહીં. અમેરિકામાં જો બાઇડન (Joe Biden)ની સરકાર આવ્યા પછી વીઝા પોલિસીમાં ઘણા ફેરફારો થયા છે.

બી– ૧ વિઝા, બિઝનેસ માટે અને બી– ર વિઝા, ટુરીસ્ટ તરીકે ફરવા માટે આપવામાં આવે છે. બી– ૧ વિઝા લઇને બિઝનેસમેન અમેરિકા જઇને બિઝનેસ મીટિંગ અટેન્ડ કરી શકે છે, એક્ઝિબિશનમાં ભાગ લઇ શકે છે, સેમિનારમાં ભાગ લઇ શકે છે અને ઓર્ડર લઇ શકે છે અને આપી શકે છે, પરંતુ ઓફિસમાં બેસીને બિઝનેસ કરી શકશે નહીં. જો કે, બી– ૧ વિઝા લઇને બિઝનેસના હેતુથી ગયેલા ઉદ્યોગકારોને અમેરિકામાં જો બિઝનેસની તકો દેખાય તો તેઓ પોતાનું સ્ટેટસ બદલીને એલ– ૧ વિઝા લઇ શકે છે.

આ સેગમેન્ટના બીજા નિષ્ણાંત વિપુલ દોશીએ જણાવ્યું હતું કે, સ્ટુડન્ટ વિઝા ઉપર અમેરિકામાં અભ્યાસ કરવા માટે જનારા વિદ્યાર્થીઓને ધ્યાનમાં લેવાની કેટલીક મહત્વની બાબતો વિશે માર્ગદર્શન આપ્યું હતું. ખાસ કરીને અભ્યાસ પૂર્ણ થયા બાદના ૯૦ દિવસની અંદર જોબ કરવા માટેના નિયમો છે તેના વિશે તેઓને અવગત કરાવ્યા હતા. સાથે જ અમેરિકામાં પ૦૦થી ૧૦૦૦ ડોલર લઇને જોબ આપવાની લાલચ આપતી બોગસ કંપનીઓથી પણ સાવધાન રહેવા માટે ચેતવ્યા હતા. એલ– ૧ એ વિઝા એક્ઝિક્યુટિવ, મેનેજર અને કંપની સંબંધિત ખાસ પ્રકારની જાણકારી ધરાવનારી વ્યકિતઓ માટે હોય છે. ભારતમાં બિઝનેસ કરતી કંપની જો પાર્ટનરશિપ તરીકે અથવા પોતાની બ્રાન્ચ અમેરિકામાં ખોલે છે ત્યારે ભારતમાં આ કંપનીમાં છેલ્લા ત્રણ વર્ષથી નોકરી કરતા મેનેજર તથા એક્ઝિક્યુટિવને કંપની એલ– ૧ એ વિઝા ઉપર અમેરિકા મોકલી શકે છે.

એલ– ૧ એ વિઝાને આધારે વ્યકિત અમેરિકામાં સાત વર્ષ સુધી રહી શકે છે અને કામ કરી શકે છે. ત્યારબાદ કંપની કર્મચારીને બે-બે વર્ષનું એકસટેન્શન આપી શકે છે અને બાદમાં તેઓને ગ્રીન કાર્ડ પણ મળવાની જોગવાઇ કાયદામાં રહેલી છે.

Most Popular

To Top