World

“અમેરિકાએ આપણો ઉપયોગ ટોઇલેટ પેપરની જેમ કર્યો!” પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન આસિફ ખ્વાજા આ શું બોલી ગયા?

પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે રાષ્ટ્રીય સભામાં આપેલું નિવેદન આંતરરાષ્ટ્રીય રાજકારણમાં ભારે ચર્ચાનું કારણ બન્યું છે. તેમણે અમેરિકાને લઈને અત્યંત કડક શબ્દોમાં ટીકા કરી અને કહ્યું કે અમેરિકાએ પોતાના સ્વાર્થ માટે પાકિસ્તાનનો ઉપયોગ “ટોઇલેટ પેપરની જેમ કરી અને પછી ફેંકી દીધું”. આ નિવેદન પાકિસ્તાનની વિદેશ નીતિ અને ભૂતકાળના નિર્ણયો પર ગંભીર પ્રશ્નો ઊભા કરે છે. ખ્વાજા આસિફે જણાવ્યું કે પાકિસ્તાન છેલ્લા અનેક દાયકાઓથી મોટી શક્તિઓના યુદ્ધોમાં ફસાતું આવ્યું છે, જેનો સીધો ફાયદો દેશને ક્યારેય મળ્યો નથી. તેમણે ખાસ કરીને અફઘાનિસ્તાન સાથે જોડાયેલા યુદ્ધોની ચર્ચા કરી અને કહ્યું કે આ તમામ યુદ્ધો પાકિસ્તાનના રાષ્ટ્રીય હિત માટે નહીં પરંતુ અન્ય દેશોના વ્યૂહાત્મક હિત માટે લડવામાં આવ્યા હતા. પરિણામે પાકિસ્તાનને લાંબા ગાળાના ગંભીર નુકસાન ભોગવવા પડ્યા.

સંરક્ષણ મંત્રીએ કહ્યું કે 1980ના દાયકામાં સોવિયેત સંઘ સામેના યુદ્ધ દરમિયાન પાકિસ્તાનને આગળ ધપાવવામાં આવ્યું. તે સમયે જેહાદના નામે જે નિર્ણય લેવાયા, તે દેશ માટે ઘાતક સાબિત થયા. ત્યારબાદ 9/11ના હુમલાઓ પછી ફરી એક વખત પાકિસ્તાન અમેરિકાની આગેવાની હેઠળના આતંકવાદ વિરોધી યુદ્ધમાં સામેલ થયું. પરંતુ દરેક વખતની જેમ, જ્યારે અમેરિકાનો હેતુ પૂર્ણ થયો, ત્યારે તેણે પ્રદેશ છોડીને પાકિસ્તાનને તેના પરિણામો ભોગવવા એકલું છોડી દીધું. આસિફે વાતને આગળ ધપાવતા આગળ જણાવ્યું કે આ યુદ્ધોના કારણે પાકિસ્તાનમાં આતંકવાદ, ધાર્મિક કટ્ટરપંથ, હિંસા અને અસુરક્ષા વધતી ગઈ. દેશની અર્થવ્યવસ્થા પર ભારે બોજ પડ્યો અને લાખો નાગરિકોએ જીવ પણ ગુમાવવો પડ્યો.

સંરક્ષણ મંત્રીએ આ પણ કહ્યું કે પાકિસ્તાનને હવે અન્ય દેશોની લડાઈઓમાં ભાડૂતી ભૂમિકા ભજવવાની જરૂર નથી. દેશે પોતાની સ્વતંત્ર વિદેશ નીતિ અપનાવવી જોઈએ અને રાષ્ટ્રીય હિતને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવી જોઈએ. તેમણે સ્વીકાર્યું કે અગાઉની સરકારોએ આ બાબતો પર ગંભીરતાથી વિચાર કર્યો નહોતો, જેના કારણે દેશે ભારે કિંમત ચૂકવી. આ નિવેદન પછી પાકિસ્તાનની રાજનીતિમાં પણ હલચલ જોવા મળી છે. ઘણા રાજકીય વિશ્લેષકો પણ આ વાતથી સહમત થયા છે કે દેશે ભૂતકાળમાં ખોટા નિર્ણયો લીધા હતા. આ નિવેદન પાકિસ્તાન માટે આત્મમંથનનો સંકેત છે અને ભવિષ્યમાં વધુ સંતુલિત અને સ્વતંત્ર નીતિ અપનાવવાની જરૂરિયાત તરફ ઇશારો કરે છે.

ખ્વાજા આસિફના આ નિવેદનમાં અમેરિકાને આંટીએ લીધું છે. આ સિવાય પાકિસ્તાને પણ ભૂતકાળમાં થયેલી પોતાની ભૂલોને માની છે. ભૂતકાળમાં લેવામાં આવેલા નિર્ણયો ગંભીર ભૂલો સાબિત થયા હતા. જેના પરિણામે અન્ય દેશોના હિત માટે ચાલતા સંઘર્ષોમાં પાકિસ્તાન માત્ર એક પ્યાદુ બની ગયું, જેના ગંભીર પરિણામો આજે દેશ ભોગવી રહ્યો છે. ખ્વાજા આસિફે સ્વીકાર્યું કે પાકિસ્તાનની ભૂતકાળની નીતિઓમાં ગંભીર ભૂલો થઈ છે અને હવે સમય આવી ગયો છે કે દેશ પોતાના ઇતિહાસમાંથી પાઠ શીખે.

Most Popular

To Top