Editorial

ઇરાક સાથેનાયુદ્ધનો બોધપાઠ અમેરિકાએ ઇરાન માટે લેવો જોઇતો હતો

9 એપ્રિલ, 2003ના રોજ ઇરાકની રાજધાની બગદાદની મધ્યે આવેલી સદ્દામ હુસૈનની પ્રતિમાને તોડી પાડવામાં આવી હતી. તેના પાયામાં લાગેલી ધાતુની તકતીને ઉખેડી નાખવામાં આવી હતી. આરસપહાણના જે ચોતરા ઉપર પ્રતિમા હતી, તેને હથોડાથી તોડી નાખવામાં આવ્યો હતો. શરૂઆતમાં ઇરાકના નાગરિકોએ આ પ્રતિમાને પાડવાનો પ્રયાસ કર્યો હતો. તેઓ પ્રતિમા ઉપર ચઢી ગયા અને તેના ગળામાં ગાળિયો નાખીને પછાડવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેને તોડવામાં નિષ્ફળ રહ્યા હતા. છેવટે આ વિશાલ પ્રતિમાને પાડવા માટે અમેરિકાના સૈનિકોએ બખ્તરબંધ ગાડીનો ઉપયોગ કર્યો. આ ક્ષણ ઇરાકમાં સત્તાપરિવર્તનનાં પ્રતીકરૂપ હતી.

20 દિવસ અગાઉ અમેરિકા તથા સહયોગી દેશોની સેનાઓએ ઇરાક ઉપર પોતાના હુમલાની શરૂઆત કરી હતી. શરૂઆતમાં ભારે બૉમ્બમારો કર્યો હતો. દરમિયાન ઇરાકના તત્કાલીન રાષ્ટ્રપતિ સદ્દામ હુસૈનની હત્યા માટે ક્રૂઝ મિસાઇલોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પ્રતિમા ભંજનનાં ત્રણ અઠવાડિયાં બાદ અમેરિકાના તત્કાલીન રાષ્ટ્રપતિ જ્યૉર્જ ડબલ્યૂ. બુશ કૅલિફૉર્નિયાના તટ ખાતે લાંગરેલા અમેરિકાના વિમાનવાહક જહાજ ઉપર પહોંચ્યા હતા. જ્યાં તેઓ ‘મિશન અકમ્પ્લિસ્ડ’ (અભિયાન પૂર્ણ થયું) બૅનરની નીચે ઊભા હતા. વાસ્તવમાં એ મિશન અધૂરું હતું. હવે, એ યુદ્ધનો ઓછાયો હાલના ઈરાન સંઘર્ષ ઉપર પણ જોવા મળી રહ્યો છે, કારણ કે ઇરાકનું યુદ્ધ એવું યુદ્ધ હતું કે જેણે ઊંડા ઘાવ છોડ્યા હતા.

કારણ કે એ પછી ઘટનાઓનો એવો ક્રમ શરૂ થયો, જેનું કોઈએ અનુમાન નહોતું કર્યું. આ યુદ્ધે વિનાશ અને મૃત્યુ સ્વરૂપે ઉઝરડાં છોડ્યાં. કેટલાંક અનુમાનો પ્રમાણે, વર્ષ 2003થી 2011 દરમિયાન યુદ્ધને કારણે ઇરાકમાં ચાર લાખ 61 હજાર લોકોનાં મૃત્યુ થયાં તથા અમેરિકાએ આ યુદ્ધ માટે ત્રણ ટ્રિલિયન ડૉલરનો ખર્ચો કરવો પડ્યો હતો. યુદ્ધને કારણે મધ્યપૂર્વ એશિયામાં નવી પરિસ્થિતિએ આકાર લીધો. આજે, અમેરિકાએ આ વિસ્તારમાં ફરી એવું યુદ્ધ શરૂ કર્યું છે કે જેને કેટલાક લોકો ‘વૉર ઑફ ચૉઇસ’ એટલે કે મરજીથી શરૂ કરાયેલું યુદ્ધ જણાવી રહ્યા છે.

આ વખતે ઇરાકના પાડોશી દેશ ઈરાનની સામે યુદ્ધ શરૂ કરવામાં આવ્યું છે. આ બંને યુદ્ધની વચ્ચે કેટલીક સમાનતા છે, તો કેટલાક તફાવત પણ છે. જે આપણને જણાવે છે કે ત્યારથી લઈને અત્યારસુધીમાં વિશ્વ કેટલું બદલાઈ ગયું છે તથા ઇરાક યુદ્ધની નિષ્ફળતાનું પુનરાવર્તન અટકાવી શકાય કે નહીં. અમેરિકાના ઇરાન અને ઇરાક સાથેના યુદ્ધ વચ્ચેની સામ્યતાની વાત કરીએ તો વર્ષ 2003માં પ્રારંભિક વિજય બાદ લાંબા અને ખેંચાયેલા ‘કબજા’નો ગાળો આવ્યો, કારણ કે બળવાખોરી અને ગૃહયુદ્ધ ઇરાકને નાગચૂડમાં લઈ લીધું હતું. અમેરિકા ફરીથી એ જ પરિસ્થિતિમાં ફસાવા નથી માંગતું, જોકે, પ્રતિબદ્ધતા વગર વ્યાપક લક્ષ્યાંકોને પાર પાડવાં મુશ્કેલ જણાય છે.

ઇરાક અને ઈરાનમાં એક મુખ્ય સમાનતા જોવા મળે છે. બંને મોરચે ભાવિ યોજના ઘડાયેલી ન હતી અને તેનો અભાવ સ્પષ્ટપણે વર્તાય છે. ખરેખર ધ્યેય શું છે, તેના સંબંધે પણ ભ્રમની સ્થિતિ પ્રવર્તે છે. વર્ષ 2003માં ઇરાકના ભવિષ્ય વિશે અલગ-અલગ દૃષ્ટિકોણ હતા, જેનો ક્યારેય ઉકેલ ન આવ્યો. સૈન્યકાર્યવાહી પૂર્ણ થયા પછી શું કરવાનું છે, તેના વિશે કોઈ નક્કર યોજના ન હતી. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જૉન બૉલ્ટને બે દાયકા બાદ કહ્યું હતું, ઇરાકના લોકો માટે નવી સરકાર બનાવવાના પ્રયાસોમાં ભૂલ થઈ હતી. આપણે ઇરાકીઓને કહેવું જોઈતું હતું જોકે, તેનાથી મધ્યપૂર્વ એશિયામાં લોકશાહી સ્થાપિત કરવા માંગતા લોકો સાથે અન્યાય થયો હોત, જેઓ સૌ પહેલાં ઇરાકમાં લોકશાહી લાવવા માંગતા હતા.

ઇરાકમાં યુદ્ધ પછી જે પરિસ્થિતિ હતી, તેના કરતાં હાલમાં અત્યારે સારી સ્થિતિ છે તથા અનેક લોકો સદ્દામ હુસૈનના શાસનના પતનથી રાજી થયા છે.જોકે, કેટલાક લોકોના દાવા પ્રમાણે, મધ્યપૂર્વ એશિયામાં લોકશાહીની સ્થાપના નથી થઈ. આથી વિપરિત ઇરાક ઉપરના આક્રમણ પછી જે મોટા વિજેતા બન્યા, તેમાં ઈરાન પણ સામેલ હતું, કારણ કે તેના મુખ્ય હરીફ સદ્દામ હુસૈનને હઠાવી દેવામાં આવ્યા હતા. યુદ્ધ પછીનાં વર્ષો દરમિયાન ઇરાકની અંદર પોતાની પેઠ વધારવાની તક ઈરાનને મળી. એટલુંજ નહીં, તેના કારણે બ્રિટન તથા પશ્ચિમી દેશોમાં આતંકવાદનું જોખમ અગાઉ કરતાં વધી ગયું. યુદ્ધોમાં મોટા ભાગેલોકોએ જેવી આશા રાખી હોય અથવા ઇચ્છતા હોય, તેવાં પરિણામ નથી આવતાં.

વર્ષ 2003માં અમેરિકા પોતાના સાથી દેશો વિશેષ કરીને બ્રિટનની સાથે યુદ્ધમાં ઊતર્યું હતું. બ્રિટનના વડા પ્રધાન ટોની બ્લૅયર યુદ્ધ સમયે અમેરિકાના તત્કાલીન રાષ્ટ્રપતિ બુશની પડખે ઊભા હતા. વર્ષ 2002માં ઉનાળા દરમિયાન બ્લૅયરે એક પ્રાઇવેટ નોટ લખી હતી, જેમાં તેમણે જણાવ્યું હતું કે ભલે કંઈ પણ થાય તેઓ અમેરિકાના નેતા સાથે રહેશે. તેમની આ નોટ વિશે ખૂબ જ ચર્ચા થઈ હતી. ઇરાક ઉપર આક્રમણની 20મી વરસીએ તેમણે મને ઇન્ટર્વ્યૂમાં જણાવ્યું હતું, હું જ્યારે વડા પ્રધાન હતો, ત્યારે મારે સૌ પહેલાં કોને ફોન કરવાનો છે, એ વાતે કોઈ અવઢવ ન હતી, ચાહે રાષ્ટ્રપતિપદે ક્લિન્ટન હોય કે બુશ.

જોકે, બ્લૅયરની પ્રતિબદ્ધતા અંગે તેમના નિકટના વર્તુળના કેટલાક લોકો સાવધ હતા. તેમના તત્કાલીન વિદેશ મંત્રી જૅક સ્ટ્રૉએ કહ્યું હતું કે ‘વ્હૉટએવર નોટ’ સારો વિચાર ન હતો. કેટલાક આલોચકોનું કહેવું છે કે આના બદલામાં તેઓ કેટલો પ્રભાવ ઊભો કરવામાં સફળ રહ્યા? બ્લૅયરે ઇરાક ઉપર હુમલો કરતા પહેલાં યુએનની મંજૂરી લેવાનો માર્ગ અપનાવવા માટે અમેરિકાને તૈયાર કર્યું. જોકે, અમેરિકા દ્વારા આના માટે અધૂરા મનથી પ્રયાસ કરવામાં આવ્યા હતા, જેના કારણે તે પ્રયાસ નિષ્ફળ સાબિત થયા. જોકે, જ્યારે પીછેહઠ કરવાની તક આપવામાં આવી, ત્યારે બ્લૅયરે કહ્યું હતું કે તેઓ યુદ્ધમાં વિશ્વાસ રાખે છે અને તેમણે પીછેહઠ કરવાનો ઇન્કાર કરી દીધો હતો.

બ્લૅયરે વર્ષ 2003માં કહ્યું હતું, આ એ સ્થાન છે કે જ્યાં તમારે એ સમયે વડા પ્રધાન તરીકે નિર્ણય લેવાના હોય છે. તેઓ મને બહાર નીકળવા માટે માર્ગ કરી આપવા તૈયાર હતા, કારણ કે તેમને રાજકીય દૃષ્ટિએ મારી કપરી પરિસ્થિતિ ઉપર અફસોસ થઈ રહ્યો હતો, પરંતુ તેના કારણે સંબંધો ઉપર અસર થઈ હોત. અને ખરેખર તો તેમના માટે રાજકીય કિંમત ખૂબ જ ભારે રહી હતી, કારણ કે જે મહાવિનાશકારી હથિયારોને આગળ કરીને તેમણે કાર્યવાહી કરી હતી, તેમનું અસ્તિત્વ જ ન હતું. આને કારણે ન કેવળ ટોની બ્લૅયરને નુકસાન થયું, પરંતુ લોકોને જે કંઈ કહેવામાં આવતું હતું, તેના ઉપરથી પણ જનતાનો વિશ્વાસ ઊઠી ગયો. જૅક સ્ટ્રૉએ કહ્યું, આને કારણે જાહેરજીવનમાં લોકોએ રાજનેતાઓ ઉપર વિશ્વાસ કરવાનું ઘટાડી દીધું તથા મને એ વાતમાં કોઈ શંકા નથી.

Most Popular

To Top