નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ અંડર વર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ અંગે એક મોટો ઘટસ્ફોટ કર્યો છે. એજન્સીની તપાસમાં સામે આવ્યું છે કે દાઉદ ઇબ્રાહિમે ભારતીય નેતાઓ અને મોટા બિઝનેસમેનને નિશાન બનાવવા એક લિસ્ટ તૈયાર કર્યું છે. આ સાથે જ એવો પણ ખુલાસો થયો છે કે એજન્સીને એવા પણ નેતાઓની જાણકારી મળી છે કે જે દાઉદ ઇબ્રાહિમને હુમલા અને અન્ય દેશ વિરોધી કામો કરવામાં નાણાકીય મદદ કરતા રહ્યા છે. એનઆઇએની તપાસમાં સામે આવ્યું છે કે દાઉદ ઇબ્રાહિમે ભારતમાં એક સ્પેશિયલ યુનિટની રચના કરી છે. જેનો મુખ્ય ટાર્ગેટ વિસ્તાર દિલ્હી અને મુંબઇ છે. દાઉદ ઇબ્રાહિમે સમગ્ર ભારતમાં હિંસા ભડકાવવાના ઇરાદાથી એક મોટા હુમલાનું આયોજન પણ કર્યું હતું. હાલ દાઉદના માણસો મહારાષ્ટ્રની સાથે દિલ્હીમાં પણ સક્રિય થઇ ગયા છે. જેઓ ખંડણી ઉઘરાવવાથી લઇને ગેંગવોરને ફન્ડિંગ કરવામાં પણ સામેલ છે.
દાઉદની આ ગેંગની પણ એજન્સીઓ અને પોલીસ શોધખોળ કરી રહી છે. એ પણ ખુલાસો થયો છે કે દાઉદ ઇબ્રાહિમની હિટલિસ્ટમાં એવા પણ મોટા બિઝનેસમેન, રાજનેતાઓ અને જાણીતા વ્યક્તિઓ છે કે જેના પર તે ગમે ત્યારે હુમલો કરાવી શકે છે. આતંકી હુમલાનું કાવતરૂ ઘડવાની જાણકારી પણ એજન્સીને મળી છે. ખાસ કરીને કાશ્મીર, દિલ્હી અને મુંબઇ સહિત કેટલાક મુખ્ય શહેરો આતંકીઓના નિશાના પર હતા. જે કુલ 28 લોકોની ધરપકડ કરવામાં આવી છે તેમાં જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા 10 આતંકીઓનો પણ સમાવેશ થાય છે. ત્યારે અહીં એ વાત સાફ કરવાની થાય છે કે આટલા વર્ષોથી ભારતને સીધી અને આડકતરી રીતે સતત હેરાન કરતા દાઉદને પકડવામાં ભારતના અધિકારીઓનો પનો ક્યાં ટૂંકો પડે છે? આ તો ભારતના મોસ્ટ વોન્ટેડ દાઉદની વાત છે પરંતુ અમેરિકાના મોસ્ટ વોન્ટેડની વાત કરીએ તો એપ્રિલ 2003 માં, અમેરિકાએ ઇરાક પર હુમલો કર્યો હતો અને બગદાદનું પતન થયા બાદ સદ્દામ હુશેનની શોધખોળ શરૂ કરવામાં આવી હતી.
અમેરિકાએ તેને મોસ્ટ વોન્ટેડ ઇરાકીઓના લિસ્ટમાં ટોપ પર મૂક્યો હતો. એટલું જ નહીં આ પહેલા અમેરિકાએ સદ્દામ હુશેનના ત્રણ પુત્રો ઉદે, કુશે અને મુસ્તાફને ઠાર માર્યા હતા. સદ્દામ હુશેન ટિક્રિટ ખાતે એક બંકરમાં સંતાયો હોવાની બાતમી મળતા અમેરિકાના ચુનંદા સૈનિકો ત્યાં પહોંચી ગયા હતા અને તેને ઝડપી લઇ અંતિમ મંઝિલ સુધી પહોંચાડી દીધો હતો. તેવી જ રીતે અમેરિકાના ટ્વીન ટાવર તોડી પાડીને તેના પર સૌથી મોટો હુમલો કરનાર ઓસામા બિન લાદેન પણ અમેરિકાનો મોસ્ટ વોન્ટેડ હતો. અફઘાનિસ્તાનના આતંકવાદી અલ કાયદાના વડા એવા ઓસામા બિન લાદેને જે રીતે અમેરિકામાં અમેરિકન પાયલટ અને અમેરિકન વિમાનની મદદથી ટ્વીન ટાવર તોડી પાડ્યા હતાં એટલું જ નહીં પરંતુ પેન્ટાગોન પર પણ હુમલો કર્યો હતો. ત્યારથી જ અમેરિકા માટે તે મોસ્ટ વોન્ટેડ બની ગયો હતો.
અફઘાનિસ્તાન પર હુમલો કરીને અમેરિકાએ અલકાયદાના આતંકવાદીઓની ચૂંગાલમાંથી તે દેશને છોડાવી લીધો હતો પરંતુ ઓસામા બિન લાદેન ફરાર થઇ ગયો હતો. વર્ષો બાદ એટલે કે 2011માં તે પાકિસ્તાનમાં અફઘાનિસ્તાનની બોર્ડર પર એબટાબાદમાં હોવાની માહિતી અમેરિકાને મળી હતી. તેના આ મકાન પર વોચ રાખવામાં આવી હતી. ત્યાર બાદ એક રાત્રિએ અમેરિકન નેવી સિલ્સ અહીં ત્રાટકી હતી. તે પાકિસ્તાનમાં હોવા છતાં પાકિસ્તાનને ખબર પણ નહીં પડે તે રીતે અમેરિકાના ચુનંદા સૈનિકો અહીં ત્રાટક્યા હતા અને સફળ ઓપરેશન કરીને તેને ઉપાડી ગયા હતાં. આ સમાચાર પ્રસિદ્ધ થયા પછી પાકિસ્તાનને ખબર પડી હતી કે અમેરિકાએ તેમની જાણ બહાર તેમના દેશમાં આટલા મોટા ઓપરેશનને અંજામ આપ્યો છે.
તેવી જ રીતે ઇઝરાયલ રાષ્ટ્ર બન્યું ત્યાર પછી તેમના મોસ્ટ વોન્ટેડના લિસ્ટમાં હિટલરનો ખાસ અધિકારી એડોલ્ફ આઇકમાન હતો. બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન જે 60 લાખ યહુદીઓને ગેસ ચેમ્બરમાં મારવામાં આવ્યા હતાં તેમાં 50 લાખને મારવામાં એડોલ્ફ આઇકમાનનો હાથ હતો. એટલે સ્વાભાવિક છે કે તે ઇઝરાયલ માટે મોસ્ટવોન્ટેડ હતો. પરંતુ ઇઝરાયલની જાસૂસી સંસ્થા મોસાદે તે બ્રાઝિલમાં હોવાની જાણકારી મેળવી હતી અને તેનું તે દેશમાંથી અપહરણ કરીને તેને ઇઝરાયલ લઇ આવ્યા હતાં. મોસાદના આ ઓપરેશનને સમગ્ર દુનિયાને દંગ કરી દીધી હતી. પરંતુ અહીં સવાલ એ છે કે, ભારત તેના મોસ્ટ વોન્ટેડ આરોપી દાઉદ ઇબ્રાહીમ સામે કેમ આવા ઓપરેશન કરી શકતો નથી. પાકિસ્તાનમાં સર્જિકલ સ્ટ્રાઇક થઇ ત્યારથી દેશવાસીઓને ભારતની સેના અને ગુપ્તચર સંસ્થા પર વિશ્વાસ વધી ગયો છે ત્યારે મુંબઇમાં સિરિયલ બ્લાસ્ટમાં સંડોવાયેલો ભારતના મોસ્ટ વોન્ટેડ આરોપી દાઉદ ઇબ્રાહીમ સામે પણ આવી જ કાર્યવાહી થાય તેવું સમગ્ર દેશ ઇચ્છી
રહ્યો છે.