વૉશિંગ્ટન: અમેરિકામાં (America) હજારો ભારતીય આઇટી પ્રોફેશનલો, કે જેમણે ગૂગલ, માઇક્રોસોફ્ટ અને એમેઝોન જેવી કંપનીઓમાં તાજેતરની શ્રેણીબધ્ધ છટણીઓ પછી પોતાની નોકરીઓ ગુમાવી છે તેઓ હવે તેમના વિઝા (VISA) હેઠળના એક ચોક્કસ સમયગાળામાં નવી નોકરી મળી જાયે તે માટે સંઘર્ષ કરી રહ્યા છે.
વૉશિંગ્ટન પોસ્ટના અહેવાલ મુજબ ગયા વર્ષના નવેમ્બરથી અત્યાર સુધીમાં બે લાખ જેટલા આઇટી કર્મચારીઓને છૂટા કરવામાં આવ્યા છે જેમાં ગૂગલ, માઇક્રોસોફ્ટ, ફેસબુક અને એમેઝોન જેવી કંપનીઓમાંથી વિક્રમી સંખ્યામાં છૂટા કરવામાં આવેલા કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે. આ ઇન્ડસ્ટ્રીના અંદરના જાણકાર સૂત્રોના જણાવ્યા પ્રમાણે છૂટા કરવામાં આવેલા આ કર્મચારીઓમાંથી ૩૦થી ૪૦ ટકા જેટલા ભારતીય આઇટી પ્રોફેશનલો છે, અને તેમાંથી નોંધપાત્ર સંખ્યા એચ-વનબી અને એલ૧ વિઝા ધારકોની છે. એચ-૧બી વિઝા એ એક નોન-ઇમિગ્રન્ટ વિઝા છે જે અમેરિકી કંપનીઓને ખાસ નિપૂણતા માગતી નોકરીઓ માટે વિદેશી કર્મચારીઓને નોકરીએ રાખવાની સગવડ આપે છે. એલ-૧એ અને એલ૧બી વિઝાઓ હંગામી ઇન્ટ્રાકંપની બદલીઓ પામનારાઓ માટે ઉપલબ્ધ છે જે એવા કર્મચારીઓ માટે છે જઓ મેનેજરીયલ હોદ્દાઓ પર કામ કરે છે અને ખાસ જ્ઞાન ધરાવે છે.
જેમાં નોંધપાત્ર સંખ્યા ભારતીય આઇટી પ્રોફેશનલોની છે તેવા એચ-૧બી અને એલ૧ વિઝા ધારકો હવે અમેરિકામાં નવી નોકરી શોધવા માટે દોડા દોડી કરી રહ્યા છે. પોતાના વિઝાનો સમયગાળો પુરો થાય તે પહેલા તેઓ નવી નોકરી મળી જાય તે માટે પ્રયાસ કરી રહ્યા છે અને તેમની પાસે થોડા મહિનાનો જ સમય છે. તેઓ પોતાના વિઝાનું સ્ટેટસ બદલવા પણ પ્રયાસ કરી રહ્યા છે. એમેઝોનની કર્મચારી ગીતા(નામ બદલ્યું છે) અમેરિકામાં હજી ફક્ત ત્રણ મહિના પહેલા જ આવી હતી. આ સપ્તાહે તેને કહી દેવામાં આવ્યું કે ૨૦ માર્ચ એ તેની નોકરીનો છેલ્લો દિવસ હશે. એચ-૧બી વિઝા ધારકો માટે સ્થિતિ વધુ ખરાબ છે, તેમણે ૬૦ દિવસની અંદર નવી નોકરી શોધી લેવાની રહે છે નહીંતર ભારત પરત ફરવા સિવાય તેમની પાસે કોઇ વિકલ્પ નથી.