અમેરિકા દ્વારા રશિયાની બે મોટી તેલ કંપનીઓ પર પ્રતિબંધો લગાવ્યા બાદ ભારત માટે નવી મુશ્કેલી ઊભી થઈ છે. હવે ભારતને પોતાના ક્રૂડ ઓઇલ પુરવઠા માટે નવા સ્ત્રોતો શોધવા પડશે. હવામાનની જેમ વૈશ્વિક તેલ બજારમાં પણ ફેરફારની હવા ચાલી રહી છે.
યુએસના નવા પ્રતિબંધો
યુએસ સરકારે તા. 22 ઑક્ટોબરે રશિયાની બે સૌથી મોટી તેલ કંપનીઓ રોઝનેફ્ટ અને લુકોઇલ પર પ્રતિબંધ લગાવ્યા છે. આ પ્રતિબંધો પછી તમામ અમેરિકન કંપનીઓ અને વ્યક્તિઓને આ બંને કંપનીઓ સાથે વ્યવહાર કરવાની મનાઈ છે. સાથે જ બિન-અમેરિકન કંપનીઓ પણ જો આ કંપનીઓ સાથે વ્યવહાર કરશે તો તેમને દંડનો સામનો કરવો પડી શકે છે. યુએસ ટ્રેઝરી ડિપાર્ટમેન્ટે જણાવ્યું છે કે આ બંને કંપનીઓ સાથેના બધા હાલના વ્યવહારો તા. 21 નવેમ્બર સુધી પૂરા કરવા પડશે.
ભારત પર સીધી અસર
હાલમાં ભારતની ક્રૂડ ઓઇલ આયાતમાં રશિયાનો હિસ્સો લગભગ એક તૃતીયાંશ છે. રશિયા દરરોજ સરેરાશ 1.7 મિલિયન બેરલ ક્રૂડ ઓઇલ ભારતને નિકાસ કરે છે. જેમાંથી મોટાભાગનું તેલ રોઝનેફ્ટ અને લુકોઇલ પાસેથી આવે છે. આ તેલ ખાસ કરીને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને નાયરા એનર્જી જેવી ખાનગી રિફાઇનરીઓ ખરીદે છે.
રિલાયન્સ પહેલી કંપની જે રશિયાથી ખરીદી બંધ કરશે
સૂત્રોના જણાવ્યા મુજબ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ રોઝનેફ્ટ પાસેથી તેલ ખરીદવું સૌથી પહેલા બંધ કરી શકે છે. રિલાયન્સનો રોઝનેફ્ટ સાથે 25 વર્ષનો કરાર છે પરંતુ યુએસ પ્રતિબંધોને કારણે તે જોખમ લેવા ઇચ્છતી નથી.
નાયરા એનર્જી પાસે વિકલ્પો ઓછા
બીજી તરફ નાયરા એનર્જી હાલમાં સંપૂર્ણપણે રશિયન તેલ પર નિર્ભર છે. એટલે તેને વિકલ્પો ખૂબ ઓછા છે. છતાં કંપની હવે તૃતીય પક્ષ માધ્યમો દ્વારા રશિયન ગ્રેડ તેલ મેળવવાનો પ્રયાસ કરી શકે છે પરંતુ ખૂબ સાવધાની સાથે.
નવા સ્ત્રોતો તરફ વળશે ભારત
રશિયાથી આયાતમાં ઘટાડાને પૂરું કરવા માટે ભારત હવે પશ્ચિમ એશિયા, લેટિન અમેરિકા, બ્રાઝિલ, પશ્ચિમ આફ્રિકા, કેનેડા અને યુએસ તરફ વળી શકે છે.
આયાત બિલમાં વધારો થશે
વિશેષજ્ઞોનું માનવું છે કે રશિયન તેલને બદલે અન્ય દેશોમાંથી ક્રૂડ ખરીદવાથી ભારતનું આયાત બિલ વધશે. ICRAના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ પ્રશાંત વશિષ્ઠે જણાવ્યું કે રશિયન પુરવઠો બંધ થવાથી કુલ ખરીદીના લગભગ 60% હિસ્સા પર અસર પડશે. જો ભારત વૈકલ્પિક સ્ત્રોતોમાંથી તેલ ખરીદશે, તો બજાર ભાવે ખરીદવાના કારણે વાર્ષિક આયાત ખર્ચમાં લગભગ 2% નો વધારો થઈ શકે છે.
આ રીતે અમેરિકાના પ્રતિબંધો બાદ ભારત હવે નવા તેલ સ્ત્રોતોની શોધમાં છે. જેથી ઊર્જા પુરવઠો જળવાઈ રહે અને અર્થતંત્ર પર વધારે ભાર ન પડે.